શહેરા ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને ચેક વિતરણ આપવાનો કાર્યક્રમ યોજાયો
પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે "નારી ગૌરવ દિવસ" નિમિત્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ૧૦ સખીમંડળ અને સ્વસહાય જુથોને રૂપિયા ૧૦લાખના ચેક અને ૧૭ જુથોને સેક્શન લેટર અપાયા હતા.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના ૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં દરરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે,ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ રયજીભાઈ નાયકની અધ્યક્ષતામાં "નારી ગૌરવ દિવસ" નિમિત્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સ્વસહાય જુથોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગ્રામ્ય વિસ્તારના ૧૦ જેટલા સખીમંડળ અને સ્વસહાય જૂથોને રૂપિયા ૧૦ લાખના વગરના વ્યાજની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે શહેરા નગરપાલિકા વિસ્તારના ૭ અને ગ્રામ્ય વિસ્તારના ૧૦ એમ કુલ ૧૭ જેટલા જૂથોને ઉપસ્થિત મહાનુભવો દ્વારા સેક્શન લેટર અપાયા હતા. ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ અન્વયે રાજયકક્ષાએથી થનાર વિવિધ વિકાસના કામોના ડીજીટલ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું.
કાર્યક્રમમા તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અંસારી, મામલતદાર મેહુલ ભરવાડ,પ્રાન્ત અધિકારી જયકુમાર બારોટ,તાલુકા ભાજપા પ્રમૂખ મગનભાઈ પટેલીયા સહિત હોદ્દેદારો અગ્રણીઓ હાજર રહ્યા હતા.