ગોધરા પાંચ નવી એસ.ટી. બસોને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું.
ગોધરા ખાતે યોજાયેલ વિકાસ દિવસના કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાને રૂ. 1.23 કરોડના ખર્ચે પાંચ નવીન બસો પણ ફાળવવામાં આવી હતી. જે અંગે પંચમહાલ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક ડિંડોરે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આજે વિકાસ દિન નિમીત્તે ગુજરાત રાજ્યની સહાયથી રાજ્યોમાં 151 નવી બસોનુ ઈ-લોકાર્પણ થયેલ છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાને પણ 5 અદ્યતન બસો ફાળવવામાં આવી છે. આ પ્રત્યેક બસની કિમંત અંદાજીત રૂ.24.58 લાખ છે જે મળી કુલ રૂ.1.23 કરોડના ખર્ચે પંચમહાલના લોકોની સેવામાં એસ.ટી.ની આ બસો કાર્યાન્વિત કરવામાં આવી છે.
આ પૈકી 3 બસો ગોધરા ડેપોને ફાળવવામાં આવી છે. જે પૈકી 2 બસો ગોધરા-સેલવાસ રૂટ પર તેમજ 1 બસ ગોધરા-વાપી રૂટ પર કાર્યરત રહેશે. હાલોલ ડેપોને ફાળવાયેલી 2 બસ ક્વાંટ-જામનગરના લોંગરૂટ પર કાર્યરત રહેશે, જેથી આ રૂટ પર જતા સ્થાનિક મુસાફરોની સુવિધામાં વધારો થવા પામ્યો છે. આ તમામ બસો અદ્યતન ટેકનોલોજી બી.એ.-૬ મુજબની બનાવવામાં આવેલ છે, જે નહીંવત પ્રદુષણ કરતી હોય પર્યાવરણ માટે પણ લાભદાયી છે.