ભાજપના પ્રદેશ માળખામાં થશે ધરખમ ફેરફાર??? બેઠકોનો દોર થયો શરૂ...
સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ભાજપના સંગઠનના માળખામાં ફેરફારના એંધાણ જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની વરણી બાદ હવે સંગઠનમાં મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ ચાર્જ સંભાળવાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે ત્યારે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના પદાધિકારીઓ સાથે વન ટુ વન બેઠકો યોજી છે, સી.આર.પાટીલ દક્ષિણ ગુજરાતમાંથી આવતા હોવાથી તેમને દક્ષિણ ગુજરાતના મહામંત્રી ભરતસિંહ પરમાર સાથે પણ બેઠક યોજી છે. આ ઉપરાંત ભાજપના ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, તેમજ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સાથે પણ તેમને બેઠક યોજી છે. સાથે જ સંગઠનના બે દિગ્ગજ ચહેરા ગોરધન ઝડફિયા તેમજ ભાર્ગવ ભટ્ટે પણ સર્કિટ હાઉસ ખાતે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ માળખાનું કોકડું કેટલાય ટાઇમથી ગૂંચવાયેલું હતું ત્યારે નવા પ્રદેશ પ્રમુખની વરણી બાદ સંગઠનના માળખામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.