મહીસાગર જિલ્લામાં પ્રથમ પ્લાઝમા ડોનર બનતા બાલાસિનોરના યુવા શૈલ શાહ...
મહીસાગર જિલ્લામાં પ્રથમ પ્લાઝમા ડોનર બનતા બાલાસિનોરના યુવા શૈલ શાહ ફરી પણ કોઇ વ્યકિતને જરૂર પડે તો પ્લાઝમા ડોનેટ માટે પ્રોત્સાહિત કરવાનું વચન આપતા શૈલ શાહના પિતા શ્રી નિલેશભાઇ શાહ...
લુણાવાડા: વૈશ્વિક મહામારી વચ્ચે કોરોના દર્દીઓને સ્વસ્થ કરવામાં પ્લાઝમા સારવાર સફળ રહી છે. પ્લાઝમા દાન કરવામાં અને તેની સારવાર મેળવી કોરોનાને હરાવવામાં વહીવટીતંત્ર, બ્લડ બેન્ક, આરોગ્ય તંત્રના અધિકારીઓ-કર્મચારીઓની તનતોડ મહેનત સાથે પ્લાઝમા ડોનરોનો અમૂલ્ય ફાળો છે.
પ્લાઝમા ડોનેટ કરનાર ૨૦ વર્ષિય શૈલ નિલેશભાઇ શાહ કે જેઓ આબુરોડ ખાતે ફિઝિયોથેરાપીનું શિક્ષણ મેળવી રહ્યા છે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ બાલાસિનોર ખાતેની કે.એસ.પી. હોસ્પિટલમાંથી સારવાર લીધા બાદ સ્વસ્થ થતાં રજા આપવામાં આવ્યા બાદ ઘરે હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા હતા.
હજુ તો સંપૂર્ણ સ્વસ્થ જ થયા હતા ત્યાં તા. ૧૨મી ઓગસ્ટના રોજ ફળિયામાં રહેતા કિરણબેન જયસ્વાલનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેમને ધીરજ હોસ્પિટલ, પીપરીયા, વડોદરા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમની તબિયત સ્થિર રહેતી નહોતી અને ઓકિસ્જન ઓછો પડતો હતો. જેથી તા. ૧૫મીના રોજ ધીરજ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે કિરણબેનને પ્લાઝમાની જરૂરિયાત છે.
આ અંગેની વિગતો આપતાં ૨૦ વર્ષિય યુવા શૈલ શાહના પિતા નિલેશભાઇ રસિકલાલ શાહ જણાવે છે કે, અમારા ઘરના જ અગિયાર વ્યકિતઓમાંથી નવ વ્યકિતઓના કોરોનાના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. અને અમે બધા ગભરાઇ ગયા હતા અને એવામાં જ અમારા મોટાભાઇ સંદીપભાઇનું તા. ૨૬મી જુલાઇ, ૨૦૨૦ના રોજ અવસાન થયું હતું. બધા ઘરના સભ્યો અસહ્ય શોકમગ્ન હતા અને ગભરાયેલા હતા. પરંતુ મારા પુત્ર શૈલ ફિઝિયોથેરાપીનું શિક્ષણ મેળવતો હતો અને તેના મનમાં સેવાની ભાવના અને એક વ્યકિતની જિંદગી બચાવવાની ભાવના હતી એટલે અમે પણ તેને અમારી વેદનાઓ ભૂલી જઇ મન મકકમ કરીને પુત્રને પ્લાઝમા ડોનેટ કરવાની મંજૂર આપી અને તેને પ્લાઝમા ડોનેટ કરી મારો પુત્ર શૈલ મહીસાગર જિલ્લાનો પ્રથમ પ્લાઝમા ડોનર બન્યો તેનું મને ગૌરવ છે. અને તેને મહીસાગર જિલ્લા સહિત બાલાસિનોર શહેરને પણ ગૌરવ અપાવ્યું છે.
શૈલના પિતાએ મારા પુત્રએ પ્લાઝમા ડોનેટ કર્યા પછી તેને કોઇપણ જાતની તકલીફ પડી નથી અને તે ખૂબ જ સ્વસ્થ છે જેથી ફરી પણ કોઇપણ વ્યકિતને જરૂર પડે તો પ્લાઝમા ડોનેટ માટે પ્રોત્સાહિત કરવાનું વચન આપીને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.
શ્રી નિલેશભાઇ શાહે જિલ્લા આરોગ્ય તંત્ર, ડૉકટરો તથા સ્ટાફનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. તેમ જણાવી તંત્ર દ્વારા કોરોનાના તમામ દર્દીઓને આ સામાજિક કાર્યકમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે ત્યારે જિલ્લાના લોકોએ પણ પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવવું જોઇએ.
પ્લાઝમા ડોનેટ કોણ કરી શકે તે અંગેની જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
ડૉ. એસ. બી. શાહ જણાવે છે કે કોવિડ પ્લાઝમા ડોનેટ કરવા માટે જેને થોડા સમય પહેલાં જ કોરોના થયો હોય અને હોસ્પિટલમાંથી રજા આપ્યાને ૨૮ દિવસ પૂરા થઇ ગયા હોય તેવા કોરોનાને હરાવનાર કોરોનામુકત વ્યકિત જેમની ઉંમર ૧૮ થી ૫૫ વર્ષ હોય, જેમનું વજન ૫૦ કિલોગ્રામથી વધુ હોય, જેમને ડાયાબિટિસ, હૃદયરોગ કે અન્ય ગંભીર બિમારી ન હોય તેવો આ સામાજિક કાર્યમાં સહભાગી બની પોતાના પ્લાઝમાનું દાન કરી શકે છે.
ડૉ. શાહે વધુમાં જણાવ્યું કે, પ્લાઝમા ડોનેટ કરવાથી શરીરમાંથી રોગ પ્રતિકારક શકિત ઓછી થતી નથી. જયારે પ્લાઝમા ડોનેટ કરવાથી કોરોનાના ગંભીર દર્દીને નવજીવન મળતું હોઇ જિલ્લામાંથી કોઇપણ વ્યકિતને પ્લાઝમા ડોનર બનવું હોય તો જિલ્લાના આરોગ્ય તંત્રને જાણ કરવા અપીલ કરી છે.
આરોગ્ય તંત્ર દ્વારા આવા પ્લાઝમા ડોનેટ કરવા ઇચ્છતી વ્યકિતનું લોહી મારફત ફેલાતા રોગોના અને લોહીના ટકાના રીપોર્ટ કરવામાં આવશે. અને જો આ બંને રીપોર્ટ નોર્મલ આવશે તો પ્લાઝમા ડોનેટ કરનાર વ્યકિત પ્લાઝમા ડોનેટ કરી શકશે.
પ્લાઝમા ડોનેશનમાં એક જ સોય દ્વારા ડોનેટ કરનાર વ્યકિતનું લોહી એક લાઇનથી લઇ મશીન સુધી પહોંચે છે જેમાંથી પ્લાઝમા અલગ કરી એજ લાઇનમાંથી આપણું જ લોહી પાછું આપણા શરીરમાં પરત આવી જાય છે. જેમા 70 થી 90 મિનિટનો સમય લાગે છે. જયારે પ્લાઝમા ડોનેટ કરનાર માટે આખી સરકીટ અલગ વાપરવામાં આવે છે તેટલું જ નહીં પણ આ પધ્ધતિની કોઇ આડઅસર ન હોઇ જિલ્લામાંથી વધુ ને વધુ વ્યકિતઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવી સામાજિક કાર્યમાં સહયોગ આપશે તેવી આશા સાથે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.