બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાતમાં ડ્રેગન ફ્રુટની ખેતીનું વઘતુ પ્રમાણ, જાણો કેટલી કમાણી???

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજ્જનપર ગામમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ સતીષભાઇએ રાજ્ય સરકાર દ્વારા યોજાતા કૃષિ મહોત્સવમાં ભાગ લઇને તેમાંથી પ્રેરણા લઇ ડ્રેગન ફ્રુટની ખેતી કરવાનો વિચાર કરી મોરબી સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સલાહ હેઠળ વર્ષ ૨૦૧૮ થી ડ્રેગન ફ્રુટની ખેતીની શરૂઆત કરી. મોરબી જિલ્લો આમ તો ઓદ્યોગિક ક્ષેત્રે તો અગ્રેસર છે પરંતુ રાજ્ય સરકાર અને ખેતીવાડીને લગતા વિવિધ વિભાગોના પ્રયાસોથી હવે મોરબી ખેતી ક્ષેત્રે પણ અગ્રેસર જિલ્લો બની રહ્યો છે. 

પારંપરિક ખેતીના સ્થાને અહીંના ખેડૂતો આધુનિક સાધનોનો ઉપયોગ કરી પ્રાકૃતિક તેમજ ગાય આધારિત ખેતી તરફ વળી રહ્યા છે. મોરબીમાં અત્યાર સુધી ડ્રેગન ફ્રુટની ખેતી કરવાનો કોઇને વિચાર આવ્યો નહોતો પરંતુ ટંકારા તાલુકાના સજ્જનપર ગામના રહેવાસી સતીષભાઈ ઘોડાસરાએ કૃષિ મહોત્સવમાંથી પ્રેરણા લઇને ડ્રેગન ફ્રુટની ખેતી કરવાનો વિચાર કર્યો. ડ્રેગન ફ્રુટની ખેતીની શરૂઆત કરવાના વિચાર અંગે સતિષભાઇ ઘોડાસરા જણાવે છે કે, ડ્રેગન ફ્રુટની ખેતી માટે કચ્છ, બનાસકાંઠા, ભાવનગર, કાલાવાડ સુધી અનેક વખત ખેડૂતોની મુલાકાત લઇ જાત માહિતી મેળવીને આ નિર્ણય કર્યો હતો. એન્જીનીયરીંગ સુધીનો ઉચ્ચ અભ્યાસ કરેલ આ યુવાને પરંપરાગત ખેતી કરવાને બદલે ખેતીના ક્ષેત્રે ક્રાંતિ લાવવા છેક હૈદરાબાદથી રોપા મંગાવીને ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ કરી. વધુમાં સતીષભાઈએ જણાવ્યું કે ડ્રેગન ફ્રુટની ખેતી કરવા માટે આર.સી.સી.ના ૪૪૫ પોલ ઊભા કરીને ૧૭૮૦ જેટલા રોપાનું વાવેતર કરેલ છે. 

ડ્રેગન ફ્રુટની ખેતી માટે કોઇપણ પ્રકારના પેસ્ટીસાઇઝ કે રાસાયણીક દવાનો ઉપયોગ કર્યો નથી, ફક્ત પ્રાકૃતિક અને છાણીયા ખાતરનો ઉપયોગ કરીને માવજત કરેલ છે. વાવેતર કર્યા બાદ ૨ વર્ષ બાદ ફળ આવે છે. પ્રથમ વર્ષે એક પોલે ૨ કિલો પાક ઉતરે છે અને ૩ વર્ષ પછી ૪ થી ૫ કિલો ફળ મળે તેવી આશા છે. આ વખતે હજુ પ્રથમ ફાલ જ આવ્યો છે તેમ છતાં સારી આવક થઇ છે આવતા વર્ષોમાં આનાથી પણ વધુ ઉત્પાદન થશે ત્યારે ડ્રેગન ફ્રુટની ખેતી માટે કરેલ રોકાણ વ્યાજ સહિત પાછુ મળશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 

ડ્રેગન ફ્રુટના વેચાણ અંગે સતીષભાઇ જણાવે છે કે હાલે માર્કેટીંગ કરવાની જરૂર પડી નથી. જેને જરૂરિયાત હોય તેવા લોકો વાડીએ આવીને કે ફોન પર જ ઓર્ડર લખાવીને માલ લઇ જાય છે અને માલ પૂરો થઇ જાય છે. ફ્રુટ છોડમાંથી ઉતરે તે પહેલાં જ બુકીંગ થઇ જાય છે. તો આ અંગે મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ જણાવ્યું હતું કે મોરબીમાં ડ્રેગન ફ્રુટની ખેતી શરુ કરીને અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે. ડ્રેગન ફ્રુટની સફળ ખેતીએ સાબિત કર્યું છે કે અહીનું હવામાન આ પાકને માફક આવે તેમ છે. અન્ય ખેડૂતો પણ હવે ડ્રેગન ફ્રુટ ખેતી તરફ વળશે અને સારી આવક મેળવી સદ્ધર બની શકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કોઇ પ્રગતિશીલ ખેડૂતને ડ્રેગનફ્રુટની ખેતી વિશે વધુ માહિતી મેળવવા સતીષભાઇ ઘોડાસરા (મો. ૯૯૭૯૦૨૭૭૯૦) પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.