રાજ્યના આઠ મહાનગરોના Night Curfew લઈને આવ્યા મોટા સમાચાર
રાજ્યમાં હવે ધીરે-ધીરે કોરોના વાયરસની
બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો 30 ની નીચે આવી ગયો
છે. આવી સ્થિતિમાં પણ સરકાર દ્વારા હજુ પણ સખ્ત વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આજે
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા કરવામાં આવી અને કોરોના કર્ફ્યૂ એટલે કે રાત્રિ
કર્ફ્યૂની સમય મર્યાદામાં વધારો કરાયો છે. એટલે કે 17 મી ઓગસ્ટના સવારે 6.00 કલાકે
સમાપ્ત થઈ રહેલા કર્ફ્યૂ 28મી ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવ્યું છે.
ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર રાજ્યમાં કોરોના સંક્રમણની બાબતને જોતા પ્રવર્તમાન સ્થિતિની પુન: સમીક્ષા કરવામાં આવી અને રાજ્યના 8 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યૂ 28મી ઓગસ્ટ સુધી અમલીકરણ રહેશે. જ્યારે આ રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદા 11.00 વાગ્યાથી સવારના 6.00 વાગ્યા સુધીની રાખવામાં આવ્યો છે.
જ્યારે એક તરફ રાજ્યમાં કોરોના વાયરસના કેસ કાબૂમાં આવેલ છે તો બીજી તરફ તહેવારોના દિવસોમાં આવી રહ્યા છે. તેની સાથે આગામી બે અઠવાડિયા રાજ્યમાં રક્ષાબંધન, જનમાષ્ટમીનો મોટા તહેવાર આવવાના છે. જ્યારે આ વર્ષે જનમાષ્ટમીના તહેવાર પર ગત વર્ષની જેમ લોકમેળાના મોટા આયોજનો કરવામાં આવશે નહીં, તેમ છતાં લોકોના એકઠા થવાની શક્યતાઓ રહેલી છે.
નોંધનીય છે કે, જનમાષ્ટમી અને રક્ષાબંધનની રજામાં લોકો હરવા ફરવાના સ્થળો પર નીકળશે તેવી શક્યતાઓ રહેલી છે. જેના કારણે સરકાર આવી સ્થિતિમાં કોઈ ઢીલાઈ આપવા ઈચ્છતી નથી. એક તરફ એઇમ્સ સહિત દેશના એકસ્પર્ટ ઓગસ્ટના અંતમાં ત્રીજી લહેર શક્યતા વ્યક્ત કરી રહ્યા છે જ્યારે આ સ્થિતિમાં સરકાર રાત્રી કર્ફ્યૂમાંથી રાહત આપવાની સ્થિતિમાં જોવા મળી રહી નથી. મુખ્યમંત્રી દ્વારા કોર કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.