બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદસિંહ પટેલ પાવાગઢની મુલાકાતે : વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેરની પણ લીધી મુલાકાત

કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદસિંહ પટેલ દ્વારા આજે પાવાગઢની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી,તેઓ દ્વારા માતાજીના દર્શન કર્યા બાદ પાવાગઢ ખાતે આવેલી ઐતિહાસિક પુરાતત્વીય સાઇટની મુલાકાત લેવામાં આવી હતી અને સાત કમાન પાસેથી મળી આવેલ ૧૨મી સદીના શિલાલેખ સહિતના પુરાતત્વીય અવશેષોનું નિરીક્ષણ કરી જાળવણી કરવા નિર્દેશ આપ્યા હતા તેમજ લકુલીશ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા પણ સૂચના આપી હતી. 


પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે  કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદસિંહ પટેલ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી, જેમાં મધ્ય ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રવાસનસ્થળ એવા પાવાગઢ પર્વત અને આસપાસના ઐતિહાસિક સ્થળોએ પુરાતત્વીય અવશેષો, સ્મારકોની થઈ રહેલી જાળવણી તેમજ પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જાળવણી અંગેની સૂચના આપી હતી, પ્રવાસન મંત્રીએ માં મહાકાળીના દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ સાત કમાન પાસેથી ઉત્ખનન કરતા મળી આવેલ ૧૨મી સદીના ચૌહાણ વંશની વિગતો ધરાવતા શિલાલેખનું અવલોકન કરી કામગીરીની વિગતો મેળવી હતી, ત્યારબાદ તેઓ દ્વારા આ શિલાલેખોની વિગત કેન્દ્ર સ્તરે મોકલવામાં આવી હતી,તેઓએ લકુલીશ મંદિરની મુલાકાત દરમિયાન ઐતિહાસિક વિગતોનું યોગ્ય દસ્તાવેજીકરણ કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવા નિર્દેશ આપ્યો હતો, 


તદ્પરાંત પાણી કોઠા, હેલીકલ વાવ, વડા  જામી મસ્જિદ,  કબૂતર ખાના, વડા તળાવ સહિત હેરીટેજ સાઈટના અગત્યના સ્થાપત્યોની મુલાકાત લેતા કોરોના કટોકટી સંદર્ભે પ્રવાસીઓ અંગે રાખવાની થતી સાવચેતી અંગે પણ સૂચના આપી હતી,તેઓ દ્વારા શહેરી મસ્જિદ, જામી મસ્જિદ અને વડા તળાવ એમ ત્રણ સ્થળોએ વૃક્ષારોપણ કર્યું હતું. મુલાકાત દરમિયાન રાજ્ય કક્ષાના કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, તેમજ પુરાતત્વ સર્વે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.