પંચમહાલના સંતરોડ પાસેથી હથિયારની ગેરકાયદેસર હેરાફેરી કરતા 2 ઝડપાયા : 3 પિસ્તોલ,7 કારતુસ સાથે ઝડપાયા બન્ને ઈસમો
પંચમહાલ જીલ્લાના સંતરોડ પાસેથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા ૨ ઇસમોને ૩ પિસ્તોલ ૭ કારતુસ તેમજ એક ખાલી મેગઝીન સાથે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પંચમહાલ જીલ્લાના મોરવા હડફ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરવાના ષડયંત્રનો પર્દાફાસ કર્યો છે.
મોરવા હડફ પોલીસને બાતમી મળી હતી કે દાહોદ ગોધરા હાઈવે પર પીપલોદથી ગોધરા તરફ આવવાના માર્ગ પર આવેલ ચામુંડા હોટેલ પરથી ૨ ઇસમો કોલેજ બેગમાં ગેરકાયદેસર હથિયારો લઈને રીક્ષામાં ગોધરા તરફ આવી રહ્યા છે જે આધારે પોલીસે સંતરોડ પાસે વોચ ગોઠવી બાતમી મુજબની રીક્ષા આવતા તેને રોકી તપાસ કરતા બંને ઇસમો પાસે રહેલી એક કોલેજ બેગ મળી આવી હતી જે બેગની તપાસ કરતા બેગમાંથી ૩ દેશી બનાવટની પિસ્તોલ, ૭ જીવતા કારતુસ અને એક ખાલી મેગઝીન મળી આવતા પોલીસે બંને ઇસમો પાસેથી મળી આવેલા આ હથિયાર અંગેના આધાર પુરાવા માંગતા બંને ઇસમો કોઈ આધાર પુરાવા રજુ કરી શક્યા ન હતા. જેને લઈને પોલીસે બંને ઇસમોની ગેરકાયદેસર હથિયારો સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વાર કરવામાં આવેલી તપાસ દરમિયાન સુનીલ બિસ્નોઈ અને અશોક બિસ્નોઈ બંને ઇસમો મૂળ રાજસ્થાનના ઝાલોર જીલ્લાના રહેવાસી છે અને તેઓ મધ્યપ્રદેશથી આ દેશી બનાવટની ૩ પિસ્તોલ તેમજ કારતુસ સહિતનો મુદ્દમાલ રાજસ્થાનના સાંચોરના રહેવાસી સચિન બિસ્નોઈ ને આપવા માટે જઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હાલ આર્મ્સ એક્ટ મુજબનો ગુન્હો નોધી અટકાયત કરવામાં આવેલ ઇસમોને કોવિડ ૧૯ ના પરીક્ષણ બાદ તેમના રિમાંડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.