રૂપાણી સરકારના રાજમાં વધુ એક આંદોલનના ભણકારા, પગારનો ગ્રેડ પે વધારવા ખાખી મેદાને...
કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ બેરોજગાર, શિક્ષકોના ડિઝિટલ આંદોલન બાદ હવે પોલીસ કર્મચારીઓની વોટસએપ ઝૂંબેશ શરૂ કરી છે.
રાજ્યમાંમાં ગઈકાલે સરકાર શિક્ષકોના ગ્રેડ ડાઉન કરવાના વિરોધમાં ચાલી રહેલા આંદોલન સામે ઝૂકી અને તેમનો પગાર ઘટાડો મોકૂફ રાખ્યો છે. આ ડિજિટલ આંદોલનની સફળતા બાદ હવે આ જ પ્રકારના ગ્રેડ વધારા માટે પોલીસ આંદોલન કરે તેવી વકી છે. રાજ્યમાં કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલના પગારનો ગ્રેડ ઓછો હોવાથી તેઓ સોશિયલ મીડિયા પર પોતાનો અવાજ દર્શાવ્યો છે. હવે પોલીસનું 2800 ગ્રેડ પે આંદોલન (Gujarat Police 2800) સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે. રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયાનો ગ્રેડ મળે છે અને હેડ કોન્સ્ટેબલને 2000 રૂપિયાનો ગ્રેડ મળે છે. આ ગ્રેડમાં વધારા માટે હવે પોલીસ મેદાને છે.
શિક્ષકોના મામલે આંદોલન સફળ રહ્યુ હોવાના કારણે હવે શિસ્તબદ્દ પોલીસ ડિપાર્ટમેન્ટ મેદાને આવ્યો છે. ડિજિટલ આંદોલન દ્વારા સોશિયલ મીડિયા દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે કોન્સ્ટેબલને 2800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 3,600 રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે અને એએસઆઈને 2,400 રૂપિયાના ગ્રેડ પે સામે 4400 રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે.
શિક્ષકોની જેમ પોલીસનું કોઈ યૂનિયન નથી:-
પોલીસને સમસ્યા અનેક છે પરંતુ તેમની સમસ્યા રજૂ કરવા માટે કોઈ યૂનિયન નથી. વધુમાં પોલીસ ડિપાર્ટમેન્ટ શિસ્તબદ્ધ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે તેના કારણે તેઓ ખુલીને શિક્ષકોની જેમ પોતાનું આંદોલન પણ કરી શકતા નથી તેથી આ ખાતાના કર્મચારીઓ જે ખરેખર નીચલા સ્તરે જમીન સાથે જોડાયેલા છે તેમને પોતાનો અવાજ ઉઠાવવા માટે મંચ મળતો નથી.