રાજ્યમાં કોંગ્રેસ તુટતી હોવાનો ઘાટ સર્જાયો, રાજ્યસભાની ચૂંટણી પહેલાં બે ધારાસભયોએ આપ્યા રાજીનામા, જાણો રાજ્યસભા ચૂંટણીનું સમગ્ર ગણિત...
સમગ્ર રાજ્યમાં એકબાજુ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે મતદાનની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. 19જૂનના રોજ ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્યમાં રાજકારણ ગરમાયુ છે.
મળતી વિગતો મુજબ રાજ્યસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસના 2 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ કરી અને જાણકારી આપી છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામુ આપતા હવે ગણિત બદલાઈ ગયું છે અને રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે 3 બેઠકો જીતવાનો રસ્તો ખુલી ગયો છે.
મહત્વની વાત છે કે, અગાઉ પણ કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. ત્યારે આ સમગ્ર મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષ નેતાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે લાગે છે કે ધમણની કમાણીના કાળા કરતૂતો થી જ રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોને ખરીદવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના 3 ધારાસભ્યો કાલે નીતિન પટેલનળ મળવા પહોંચ્યા હતા જેને લઈને કોંગ્રેસ તૂટે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું જો કે આ ત્રણેય ધારાસભ્યોએ આ વાતને નકારી કાઢી હતી.