બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી CM રૂપાણીએ "આંતરાષ્ટ્રીય આદિવાસી દિવસ" ની ઉજવણી કરી...

વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તા.૯મી ઓગસ્ટની રાજ્ય ઉજવણી પ્રસંગે ગુજરાતના વનબંધુ વિદ્યાર્થીઓને રૂ.૧૩૬.૪૦ કરોડના ૧૦ શાળા - હોસ્ટેલ - સ્પોર્ટ્સ સંકુલની વિકાસ ભેટ આપી છે. વિશ્વભરના મૂળ નિવાસી સમુદાયો એવા આદિવાસી વનબંધુ સમાજોને અન્ય વિકસિતોની હરોળમાં લાવી, શિક્ષણ સહિતના હક, અધિકારો માટે યુનોની સામાન્ય સભાએ દર વર્ષે ૯મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું ઘોષિત કરેલો છે.

ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ ની સમગ્ર આદિજાતિ વનબંધુ પટ્ટી ના ૧૪ જિલ્લાના ૨૮ સ્થળોએ આ દિવસની વિકાસ પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ ઉજવણીમાં સહભાગી થતા બનાસકાંઠાના દાતા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, અરવલ્લીના શામળાજી, નર્મદાના ડેડીયાપાડા તથા પંચમહાલના ઘોઘંબા તાલુકામાં કુલ ૭૧ કરોડના ખર્ચે મોડેલ સ્કૂલ, કન્યા છાત્રાલય. એકલવ્ય રેસિડેન્સીયલ શાળા સંકુલ અને સ્પોર્ટસ સંકુલના ઈ-લોકાર્પણ કર્યા હતા.

આ સુવિધાઓનો અંદાજે ૨૭૦૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને લાભ મળવાનો છે. મુખ્યમંત્રીએ શિક્ષણના વ્યાપથી જ વિકાસ શક્ય છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા આ અવસરે કહ્યું કે, શિક્ષિત સમરસ અને વિકાસોન્મુખ સમાજના નિર્માણ માટે આપણે એક પણ આદિજાતિ બાળક શિક્ષણથી વંચિત ના રહે તેવી વ્યવસ્થાઓ અંતરિયાળ અને દૂર-દરાજના ગામો સુધી સુનિશ્ચિત કરી છે.

મુખ્યમંત્રીએ આ ઉજવણી અન્વયે છોટાઉદેપુરના નસવાડી અને બોડેલી તેમજ સાબરકાંઠાના પોશીનામાં કુલ રૂ. ૬૫ કરોડના ખર્ચે નિર્માણ થનારા શાળા - નિવાસી શાળા સંકુલના ઈ-ભૂમિપૂજન સંપન્ન કર્યા હતા. ૧૮૬૦ વનબંધુ છાત્રોને આ સંકુલ નિર્માણથી શિક્ષણ સુવિધા ઘર આંગણે પ્રાપ્ત થવાની છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રકૃતિની ગોદમાં અને પ્રકૃતિની વચ્ચે વન સાથે રહેનારા આ સમાજે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા જાળવ્યા છે. આ સંદર્ભમાં તેમણે ઇતિહાસમાં રામાયણકાળમાં ભગવાન રામને મદદ રૂપ થયેલા રાજા નિશાદ, સોમનાથની રક્ષા માટે પ્રાણ આપનારા વેગડા ભીલ અને આઝાદી સંગ્રામના આદિવાસી ક્રાંતિ વીરો બિરસા મુંડા, ગોવિંદ ગુરુનું સ્મરણ કર્યું હતું.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આદિજાતિઓના સર્વાંગી ઉત્કર્ષની સંકલ્પના સાથે પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારીજીની તત્કાલીન સરકારે દેશમાં પહેલીવાર અલગ આદિજાતિ વિકાસ મંત્રાલય સ્થાપ્યું હતું. તેમજ ગુજરાતમાં પણ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને આદિવાસીઓના શિક્ષણ, આરોગ્ય, રસ્તા પાણી જેવી માળખાકીય સુવિધાઓમાં વિકાસને આયોજનબદ્ધ આગળ ધપાવ્યો છે એની છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આ સરકારે એ જ આદિવાસી વિકાસ પરંપરાને આગળ ધપાવીને  રૂપિયા૧૦૦૯૫૬ કરોડ વન બંધુ કલ્યાણ યોજના ખર્ચ કરી વનબંધુ વિકાસ ની આગવી દિશા કંડારી છે. તેમણે કહ્યું કે આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ-પીવાના પાણીની સગવડ માટેની વિવિધ સિંચાઇ અને ઉદ્વહન સિંચાઇ યોજનાઓ  રૂપિયા ૫ હજાર કરોડના ખર્ચે આપી છે.

એટલું જ નહીં વનબંધુઓના સંતાનો પણ ડોક્ટર ઇજનેર જેવા ઉચ્ચ અભ્યાસ કરી સમાજની સેવામાં જોડાય તે માટે વનબંધુ ક્ષેત્રોમાં ppp મોડલ પર મેડિકલ કોલેજો કાર્યરત કરી છે.