ગુજરાત હાથ ધોઈ બનાવશે અનોખો રેકોર્ડ.. જાણો કેવી રીતે
ગુજરાતમાં પચાસ હજારથી વધુ આંગણવાડીઓમાં 2 ઓક્ટોમ્બરના રોજ ગાંધી જયંતીએ હાથ ધુઓ ઝુંબેશ (હેન્ડવોશિંગ કેમ્પેઈન) હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારની સ્વચ્છતા અંગેની જનજાગૃતિ ઝુંબેશમાં રાજ્યની દરેક આંગણવાડી કેન્દ્રમાંથી 10 લોકો આ કાર્યક્રમમાં જોડાશે. એટલે કે પાંચ લાખથી વધુ લાભાર્થીઓ હાથ ધુઓ ઝુંબેશ(હેન્ડવોશિંગ કેમ્પેઈન)માં જોડાશે.
2 ઓક્ટોબરના રોજ યોજાનાર આ કાર્યક્રમના સંદર્ભમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ સંકલન અને સમીક્ષા બેઠક યોજી હતી. વિવિધ વિભાગના અધિકારીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કાર્યક્રમનું આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સ્વચ્છતા અંગેની આ જનજાગૃતિ ઝુંબેશને ‘ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાવવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાનારા લોકોને હાથ ધોવાના તબક્કા સમજાવાશે તેમજ સ્વચ્છતા જાળવવા માટેની કિટ અપાશે. આ કીટમાં માસ્ક, સેનીટરી પેડ, લીક્વીડ સાબુની બોટલ અને પાર્ટીસિપેશન સર્ટીફિકેટ હશે.