કહેવતો ના અર્થ નો અનર્થ કરતા ગુજરાતીઓ...જાણો તેવી જ કેટલીક કહેવતો...
ગુજરાતી ભાષામાં ખોટા શબ્દો કે શબ્દપ્રયોગો વપરાતા રહે છે,એને સુધારી લેવા તરફ ધ્યાન નથી ગયું, જનતા જે સ્વીકારે છે એ અંતે ફાઇનલ થઇ જાય છે.
તો ચલો, આપણે થોડી એવી કેહવતો જોઈએ જે દિન પ્રતિદિન આપડે ઉપયોગ માં લઈએ છીએ,અને જેનો આપણે અનાયાસે જ અર્થ નો અનર્થ કરી બેસીયે છીએ.
1) અક્કલ બડી કે ભેંસ: - આ કહેવત અક્કલ બડી કે ભેંસ નથી. મૂળ કહેવત છે: અકલ બડી કે બહસ? અક્કલથી, હિકમતથી, હોશિયારીથી કામ પાર પાડવું છે કે માત્ર બહસ, ચર્ચા, તર્કબાજી જ કરતા રહેવું છે એવો આ ઉક્તિનો અર્થ છે. આ બહસ શબ્દ ગુજરાતીમાં ભેંસ બની ગયો. વાસ્તવમાં આ બંને શબ્દો વિરોધઅર્થી છે.
2) એક શબ્દપ્રયોગ જે બહુ જ ખોટી રીતે અને લગભગ રોજ ગુજરાતીમાં વપરાય છે એ છે: હાલીમવાલી ! ગુજરાતીમાં હાલીમવાલી એટલે રસ્તે ચાલતો કે આવી પડેલો લફંગો, થર્ડ ક્લાસ, કનિષ્ઠ માણસ. અરબી શબ્દ છે અહાલી મવાલી. અહલ એટલે માણસ અને અહાલી એટલે સારા માણસો. એ અહલનું બહુવચન છે. મૌલા એ અરબી શબ્દ છે, અને એનો અર્થ શેઠ અને નોકર બંને થાય છે. મૌલાનું બહુવચન એ મવાલી. એનો પણ અર્થ મદદગાર મિત્ર થાય છે. આ આખો શબ્દપ્રયોગ અહાલી અને મવાલી પરથી અહાલા મવાલી બની ગયો, અને અંતે આપણે એને હાલીમવાલી રૂપે સાચવ્યો છે. બહુ જ સરસ અર્થવાળો શબ્દપ્રયોગ બહુ જ ખરાબ અર્થમાં ટકી ગયો.
3) ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે, એ લીટી આપણે સતત ગાતા રહ્યા હતા. અહીં અર્થ એવો અભિપ્રેત છે કે ઈશ્વરને પણ ખબર નથી કે સવારે શું થવાનું છે. સંસ્કૃતજ્ઞો આ વાક્યનો જુદો અર્થ સમજાવે છે. ન જાને, જાનકીનાથ, પ્રભાતે કિમ ભવિષ્યતિ ! હે જાનકીનાથ ! હે પ્રભુ, હું જાણતો નથી કે સવારે શું થવાનું છે? અહીં ઈશ્વર તો સર્વજ્ઞ છે, પણ હું સ્વયં અજ્ઞ છું, મને ખબર નથી કે કાલે સવારે શું થવાનું છે.