બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

તો શું હાર્દિક પટેલ હવે કરશે કોઈ નવાજુની? જોડાશે આ રાજકીય પક્ષમાં?

પાટીદાર અનામત આંદોલન ૨૦૧૫ થી ચર્ચામાં આવેલા યુવા નેતા હાર્દિક પટેલે ૨૦૧૫ માં સ્થાનિક સ્વરાજ્યની અને ૨૦૧૭ માં વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ હાર્દિક પટેલ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી લડવા માટે પણ તૈયારી કરી રહ્યા હતા પરંતુ તેમના પર ચાલી રહેલા કેસોના કારણે જામનગરથી લોકસભા ચૂંટણી લડવું શક્ય ના બની શક્યું.



જો કે તેઓ માર્ચ ૨૦૧૯ માં રાજકારણમાં પ્રવેશ્યા હતા અને અડાલજ ખાતે રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. આજે એક વર્ષ કરતા વધુ સમય થવા છતાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં કોઈ પદ પર નથી, તેમને વિવિધ તાલુકાઓમાં સંવાદ કાર્યક્રમમાં નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી હતી તેમજ રાજ્યસભાની ચૂંટણી સમયે પણ દેખાયા હતા.



જો કે તેઓ હાલમાં રાજકીય લેવલે કોઈ ખાસ રસ લઇ રહ્યા હોય તેમ જણાતું નથી, કોંગ્રેસમાં પણ મહત્વની મીટીંગો સિવાય જોવા નથી મળતા તો તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે જ્યાં હાર્દિક સૌથી વધુ સક્રિય રહેતા હતા તેમાં પણ એટલા જોવા નથી મળી રહ્યા.



૧૯ જુને યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલનો વિજય થવા પર ગુજરાતના કોંગ્રેસના દરેક અને દેશના અનેક નેતાઓએ તેમને સોશિયલ મિડિયા પર શુભકામનાઓ આપી પણ હાર્દિક પટેલે ના શુભકામના આપતી ટ્વીટ કરી, ના પોસ્ટ મૂકી.



આ ઉપરાંત હાર્દિક પટેલના બેનરો પરથી કોંગ્રેસનો લોગો પણ જોવા નથી મળતો, કોંગ્રેસના કાર્યક્રમો ઉપરાંત તેઓ સ્વતંત્ર રીતે પણ અમુક કાર્યક્રમ કરી રહ્યા છે કે જેમાં ૨૨ જુનના રોજ તેમણે ગુજરાતના લોકોને તેમને લગતી વિવિધ સમસ્યાઓફેસબુક પોસ્ટની કમેન્ટમાં જણાવવા કહ્યું છે, જેમાં તે સમસ્યાઓને હાર્દિક પટેલ સરકાર સુધી પહોંચાડશે અથવા ભવિષ્યમાં તે સમસ્યાનું સમાધાન કરશે તેવું જણાવ્યું છે.



આ પરિસ્થિતિની વચ્ચે જેઓ છેલ્લા ૫ વર્ષથી હાર્દિક પટેલના સોશિયલ મીડિયા સમર્થકો ગણાઈ રહ્યા છે તેઓ હવે આમ આદમી પાર્ટી તરફી પોસ્ટો કરી રહ્યા છે અને જોડાઈ રહ્યા છે, આમ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી ૨૦૧૪ થી છે પરંતુ હજુ સુધી ચર્ચામાં પણ ક્યાય આવી શકી નથી, પૂર્વ ધારાસભ્ય, ખેડૂત નેતા અને સેવાભાવી તરીકેની છાપ ધરાવતા ડૉ. કનુભાઈ કલસરિયા આમ આદમી પાર્ટીમાંથી નીકળી કોંગ્રેસમાં જોડાઈ ગયા બાદ તેમાં કોઈ જાણીતો ચેહરો પણ રહ્યો નથી.



તો હાલમાં આમ આદમી પાર્ટી જે કઈ છે તેમાં પાટીદાર આંદોલનના ગઢ સમાન સુરતના વરાછા વિસ્તારના જ લોકો જોડાયેલા છે ત્યારે એક પ્રશ્ન એ થઇ રહ્યો છે કે શું હાર્દિક પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે? આમ આદમી પાર્ટીમાં જોડાઈ પ્રદેશ પ્રમુખ પણ બની શકે છે ત્યાં સુધીની ચર્ચાઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાથી લઈને કેશુભાઈ પટેલ જેવા નેતાઓ ત્રીજા મોરચા લઈને આવ્યા છતાં પરિણામ ના મેળવી શક્યા તેવામાં આમ આદમી પાર્ટી કેવા પરિણામ મેળવી શકશે? શું હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈને રાજકીય કારકિર્દીનો મોટો દાવ ખેલશે કે કેમ?

હાર્દિક પટેલની સાથે સાથે હેમાંગ પટેલ , હિમાંશુ હિરપરા , નિરવ પટેલ અને ફેનિલ દુધાત જેઓ છેલ્લા ૫ વર્ષથી હાર્દિક પટેલના પાયાના કાર્યકર્તા  અને  સોશિયલ મીડિયા સમર્થકો ગણાઈ રહ્યા છે તેઓ હવે આમ આદમી પાર્ટી તરફી પોસ્ટો કરી રહ્યા છે અને જોડાઈ ગયા છે.