નવા મંત્રી મંડળમા ભાજપના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ ભારતમાતાની પૂજા કરી ચાર્જ સંભાળ્યો
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલા ખુરશી પર બેસવાનું પણ મુહૂર્ત કઢાવ્યું હતું. આજે જ તેમણે પોતાની કાર્યશૈલીને લઈ કેટલાક સંકેતો આપી દીધા હતા.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પિતાજી સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેઓ પોતાની સાથે ‘યશસ્વી ભારત’, ‘ભગવદ ગીતા’ સહિતના ત્રણ પુસ્તકો લઈને આવ્યાં હતાં અને આ ત્રણે પુસ્તકો તેમજ ભારતમાતાની પૂજા-આરતી કરી હતી.
તેઓ ચાર્જ લેવા પહોંચ્યા ત્યારે રાજ્ય પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓ અને શુભેચ્છકોને નવા ગૃહરાજ્ય મંત્રીએ અપીલ કરી કે, શુભેચ્છા આપવા માટે ગાંધીનગર સુધી લાંબા ન થવું. પોતે જિલ્લાઓની મુલાકાત દરમિયાન તમામ સાથે મુલાકાત કરશે. ટુંકમાં તેમણે આડકતરી રીતે કોઈએ ખુશામત કરવા આવવું નહીં, એવો સંકેત આપ્યોછે.
ચાર્જ લેતા પહેલા હર્ષ સંઘવીએ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પગે લાગીને તેમના આર્શીવાદ લીધા હતા. આ અંગે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, આજે સવારે જ હું મારા સિનિયર અને રાજ્યના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહના આશીર્વાદ લઈને સવા કલાકનું લેસન લઈને નવી જવાબદારી સંભાળવા આવ્યો છું. તેમની પાસેથી કઈ રીતે કામ કરવું એ માટેની સમજ કેળવી છે. તેમણે ગુજરાતભરના લોકોને વિનંતી કરતાં જણાવ્યું હતું કે, આ કોઈ હોદ્દો નથી કે સેલિબ્રેશનનો મોડ નથી. આ એક જવાબદારી છે અને એ સારી રીતે નિભાવવા માટે હું સૌને અપીલ કરૂ છું કે કોઈપણ પ્રકારના બુકે કે ભેટ સાથે તમારે અહીં આવવાને બદલે સમય બચાવવા માટે ઈમેલના કે અન્ય ટેક્નોલોજિકલ માધ્યમથી તમારી ઈચ્છા દર્શાવી શકો છો. અમારા સૌ વડીલો જેમણે અહીં કામ કર્યું છે તે તમામને વંદન કરું છું. તેમણે શરૂ કરેલાં કાર્યોને આગળ વધારવા પ્રયાસો કરીશું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ આભાર માનું છું.