હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વડાઝાપા ખાતેહર્બલ ગાર્ડન બનાવવામાં આવ્યું
કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
કોરોના વાઇરસની મહામારીની સાથોસાથ જિલ્લાના નાગરિકો અને ખાસ કરીને સગર્ભા માતાઓની આરોગ્યતા અને તંદુરસ્તી જળવાઇ રહે તે માટે પણ આરોગ્ય કર્મીઓ સતત તેઓની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટેની પણ ચિંતા કરી રહ્યા છે.
સગર્ભામાતાઓને તેઓના આ સમય દરમિયાન ખાસ કરીને તેઓની રોગપ્રતિકારક શકિત જળવાઇ રહેવાની સાથોસાથ લોહીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે આરોગ્ય કર્મીઓ તેની અવાર-નવાર મુલાકાત લેતાં હોય છે. આ મહિલાઓને રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વડાઝાપા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ ખાતે આરોગ્ય કર્મીઓએ હર્બલ ગાર્ડન બનાવ્યું છે.
આ હર્બલ ગાર્ડનમાં રોગપ્રતિકારક
શકિતમાં વધારો કરતા એવા સરગવો, અરડૂસી, તુલસી, કુંવારપાઠું અને ગળો જેવા ઔષધિય
છોડોની સાથે રીંગણ, કાકડી, ભીંડા, દૂધી અને વાલોળ જેવા શાકભાજી ઉગાડવામાં આવી
રહ્યા છે જે સગર્ભા માતાઓને આપવામાં આવે છે.