This browser does not support the video element.
આ વીર ભારતીય સપૂતને વીરાંજલી આપવા "કોમી એકતા" ના દર્શન થયા સ્વયંભૂ ગામ વઢવાણ બંધ રાખવામાં આવ્યું.
વઢવાણના દેવુભા પરમારની કુખે જન્મેલા ભરતસિંહ પરમારને વિશ્વરાજસિંહ પરમાર નામનો 10 વર્ષનો પુત્ર છે. તેમના પત્ની ખંમાબા ના પિયરમાં માંગલીક પ્રસંગ હોવાથી તેઓને મોડી રાત્રે જાણ કરાઇ હતી. શહીદના પાર્થિવદેહને ગઈ કાલે શુક્રવારના રોજ સવારે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી માદરે વતન વઢવાણ લાવવામાં આવ્યા હતા.
આ બનાવથી વઢવાણ શહેરમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. વઢવાણ શહેરમાં આઝાદીબાદ સૌપ્રથમ શહીદ ભરતસિંહ પરમાર ને નશ્વર દેહ ત્રિરંગામાં સન્માન સાથે હજારોની સંખ્યામાં હિન્દૂ-મુસ્લિમ યુવાનો આંખોમાં આંસુ સાથે અંતિમ વિદાઇ ની સલામી આપવા ઉમટ્યા હતા.
આ સમયે શહેરની શેરીઓ નાની પડે એટલી ભીડ સાથે શહીદ અમર રહોના નારાઓ ગુંજ્યા હતા.
ખરેખર સૈનિક માટે કોઈ સમાજ હોતો નથી, તમામ ભારતીય એક સમાન છે, જે વઢવાણ ની જનતા એ સાબિત કરી બતાવિયુ 🇮🇳
વઢવાણ શહેરમા શહીદના પાર્થિવ દેહને પહેલા ખારવાની પોળ, કારડીયા રાજપૂત સમાજ ભવન ખાતે શહીદના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. તેથી ગુજરાતભરમાંથી તમામ રાજપૂત સમાજના લોકો ઉમટી પડ્યા હતા.
વઢવાણમાં સૌપ્રથમ વખત શહેરના મુખ્યમાર્ગ પર શહીદ યાત્રા નીકળી હતી. આ યાત્રા વઢવાણ ખારવાની પોળ, મસ્જીદચોક, ધોળીપોળ થઇને ભોગાવા નદી કાંઠે મોક્ષધામ ખાતે પહોંચી હતી. આ દિવસે વેપારીઓએ સ્વયમ પોતાની દુકાનો બંધ રાખી અને અપીલ સાથે જાહેર બોર્ડ મુકાયા હતા.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લાની શાળાઓ, હાઇસ્કુલો અને કોલેજોમાં શહીદને શ્રધ્ધાંજલી આપવા મૌન પાળવા અપીલ કરાઇ હતી, જિલ્લાના હજારો વિદ્યાર્થીઓએ બે મિનિટ મૌન પાળી શહીદને શ્રધ્ધાંજલી આપી હતી. આમ ભારતની નવી પેઢીએ રાષ્ટ્રભાવના અને દેશપ્રેમ દર્શાવ્યો હતો.
ભારતીય સેનાના જવાનો દેશની રક્ષા માટે પોતાના પ્રાણ પણ આપી દેતા હોય છે અને એટલે જ એમને વીર જવાન કહેવામાં આવે છે, સાથે દેશની રક્ષા માટે જે પોતાના પ્રાણ નો છાવર કરે છે તેને શહીદનું બિરુદ આપવામાં આવે છે, જે જવાન સિવાય બીજા કોઈને આપવામાં નથી આવતું, એવા જ એક ગુજરાતના વીર જવાને દેશની સરહદની રક્ષા કરતા પોતાના પ્રાણની આહુતિ આપી હતી.
શહીદયાત્રામાં વધારે લોકોને જોડાવા માટે જૈન સંઘ દ્વારા વીર શાહિદ ભરતસિંહ ના પોસ્ટર દીપ પ્રગટાવી ને દુકાનો ની બહાર રાખવામાં આવ્યા હતા.
વેપારીઓ દૂકાનો બંધ રાખે તેવી અપીલ કરતું બોર્ડ માર્ગો પર મૂકાયું
આ સમયે ખારવાની પોળ કારડીયા રાજપૂત સમાજ ભવન ખાતે દર્શન અને સલામી મહાનુભાવો અને સમાજના આગેવાનો દ્વારા આપી હતી. જ્યારે શહીદ ભરતસિંહના પત્ની ખંમાબા એ વીરતાથી સલામી આપીને ફુલહાર અર્પણ કર્યા ત્યારે ઉપસ્થિત લોકોની આંખોમાં આંસુઓ છલકાઇ ઉઠ્યા હતા.
શહીદ ની વંદના (દોહરા)
ધન્ય ધન્ય તારી જનની, તારો ધન્ય રજપુતી ધરમ;
કીધા ઉજળ કરમ (એ) તેં તો ભોમ કાજે ભરતસિંહ..
વંકો પુરુષ વઢવાણ નો, શોણીત મહીં શૂરતાન;
કાયા કીધી કુરબાન (એ) તેં તો ભોમ કાજે ભરતસિંહ..
ભોગાવો લીયે ભામણા, તારા વડવડ કરે વખાણ;
મરદ વધારી માણ (એ) તેં તો વઢવાણ કેરી વિરલા..
સો સો સલામુ સામટી, તુંને રજપૂત ભણું રંગ;
પણ આપ્યું નિજ અંગ (એ) જોને ભોમ કાજે ભરતસિંહ..
ખમ્માબા ને ખમ્મા ઘણી, જેનો ભયો શહિદ ભરથાર;
ઈતો શીરનો સોંપણહાર (એ) જોને ભોમ કાજે ભરતસિંહ..
વઢવાણના ઈતિહાસમાં સૌપ્રથમ વખત જવાન શહિદ થતાં શહેરની તમામ બજારોએ સંપૂર્ણ બંધ પાડયો હતો અને શહિદના નિવાસ સ્થાન ખારવાની પોળ ખાતેથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હિન્દુ-મુસ્લીમ સહિત દરેક સમાજના હોદ્દેદારો, આગેવાનો મોટીસંખ્યામાં જોડાયા હતાં અને આર્મીના અધિકારીઓ, જવાનો સહિત રાજકીય અગેવાનો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ સંપન્ન કરવામાં આવી હતી જ્યારે શહિદની અંતિમ યાત્રા દરમ્યાન સમગ્ર માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો.
જ્યારે 10 વર્ષનાપુત્ર વિશ્વરાજસિંહે પિતા શહીદ ભરતસિંહ પરમાર ને મુખાગ્ની આપતા સ્મશાનમાં ઉપસ્થિત હજારો લોકોએ વીરશહીદ અમર રહોના નારા સાથે અંતિમ વિદાય આપી હતી.
વઢવાણ ખાતે આવેલા સ્મશાન ઘાટ ખાતે પૂરા માન-સન્માન સાથે તેમના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલિન થયો હતો ત્યારે વઢવાણમાં તેમજ ખારવાની પોળ વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.
આમ વઢવાણના જવાનને દેશભક્તિના માહોલમાં શ્રધ્ધાંજલી પાઠવી અંતિમ વિધિ કરવામાં આવી હતી અને વંદે માતરમ્, ભારત માતાકી જય ના નારાઓ સાથે અંતિમ યાત્રા સંપન્ન થઈ હતી.