મુકેશ અંબાણીને છેલ્લા 6 મહિનાથી દર કલાકે કેટલા રૂપિયાની કમાણી..જાણો
આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ- 2020ની નવમી આવૃત્તિ જાહેર
31 ઓગસ્ટ 2020 સુધીમાં 1000 કરોડ રૂપિયા અથવા તેથી વધુની સંપત્તિવાળા દેશના સૌથી ધનિક લોકોનું આ લિસ્ટ
મુકેશ અંબાણી છેલ્લા 6 મહિનાથી દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એ પણ એવા સમયે કે જ્યારે કોરોનાને કારણે આર્થિક પ્રવૃત્તિ ઠપ્પ થઈ રહી છે. આ માહિતી હુરુન ઇન્ડિયા અને આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડે તેમના અહેવાલમાં જણાવી છે. આજે આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2020ની નવમી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. 31 ઓગસ્ટ 2020 સુધીમાં 1000 કરોડ રૂપિયા કે તેથી વધુની સંપત્તિ ધરાવતા ભારતના શ્રીમંત લોકો આ યાદીમાં સામેલ છે.
અંબાણી સતત 9મા વર્ષે પ્રથમ ક્રમે
આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 9મા વર્ષે ટોપ પર છે. રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કુલ આવક 6,58,400 કરોડ રૂપિયા છે. છેલ્લા 12 મહિનામાં તેમની કુલ સંપત્તિ 73% વધી છે. 2020 આવૃત્તિમાં 828 ભારતીયો સામેલ છે.
રિપોર્ટ અનુસાર, 63 વર્ષના અંબાણીએ માર્ચથી ઓગસ્ટ દરમિયાન લોકડાઉન દરમિયાન દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
અંબાણી પછી બીજા સ્થાને હિન્દુજા બ્રધર્સ
લંડનસ્થિત હિન્દુજા ભાઈઓ (એસપી હિન્દુજા, તેમના ત્રણ ભાઈઓ સાથે)એ 1,43,700 કરોડની સંપત્તિ સાથે બીજો ક્રમ મેળવ્યો છે. તેમની કુલ સંપત્તિ 1,43,700 કરોડ હોવાનું જણાવાયું છે. આ યાદીમાં ત્રીજા સ્થાને HCLના સ્થાપક શિવ નાદર છે, જેની સંપત્તિ 1,41,700 કરોડ રૂપિયા છે. એ પછી ચોથા ક્રમે ગૌતમ અદાણી અને પરિવાર અને પાંચમા સ્થાને અજિમ પ્રેમજી છે.
રાધાકિશન દામાણીને સ્થાન મળ્યું
એવન્યુ સુપરમાર્ટ્સના સ્થાપક રાધાકિશન દામાણી હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2020માં સાતમા ક્રમે છે. ટોપ 10ની યાદીમાં અન્ય નામોમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સાયરસ એસ. પૂનાવાલા, કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટક, સન ફાર્માના દિલીપ સંઘવી અને શાપુરજી પાલનજી ગ્રુપના સાયરસ પાલનજી મિસ્ત્રી અને શાપુર પાલનજી મિસ્ત્રીનો સમાવેશ થાય છે.