આપણે ક્યા ખાસ કામ માટે બનેલા છીએ તે કેવી રીતે શોધવું?
આ પ્રકરણ ક્રિયાત્મક છે. એટલે આ પ્રકરણ માટે પુરતો ચાર-પાંચ કલાકનો સમય લઈને ગંભીરતાથી પ્રક્રિયા કરીશું તો જ મહેનત પરિણામકારી બનશે. ઈશ્વરે આપણને જે કામ માટે બનાવેલા છે તે કામની શોધ કરવી ખૂબજ સરળ અને સહજ છે. આપણાં માટે જે મહત્ત્વનું કાર્ય છે તે શોધવા માટે સૌ પ્રથમ અમુક અલગ-અલગ કાર્યોની યાદીઓ તૈયાર કરવાની રહેશે. કાર્યોની યાદી, કાર્યક્ષેત્ર અને કાર્યો જે આપણી જ પસંદગીનાં હોવાં જોઈએ.
આ યાદીઓ શાંતિથી પૂરતો સમય લઈને તૈયાર કરવી જોઈએ. યાદીઓ જેટલી લાંબી હશે તેટલું વધારે સારું રહેશે. યાદી તૈયાર થયા પછી, વારંવાર પ્રયત્નો પૂર્વક યાદી પૂર્ણ બને તે ઈચ્છનીય છે. અમુક નમૂનારૂપ યાદીઓ અને કાર્યોનાં ઉદાહરણો અહીં આપવામાં આવેલાં છે. તેનો આધાર લઈને આપ પણ આ રીતે આપની એક વિશેષ યાદી બનાવી શકશો.
અહીં નમૂનાની પાંચ યાદીઓ છે. દરેકમાં પાંચ-પાંચ નમૂનાનાં કાર્યો છે. જરૂરી નથી કે આ જ પ્રકારની કે આવાં જ કાર્યોની નોંધ તૈયાર થાય. આપની આના જેવી મળતી કે તદ્દન આનાથી વિપરીત પણ બની શકે છે.
પ્રથમ યાદી
આપના જીવનમાં સફળતા પૂર્વક થયેલા કાર્યો નોંધો.
• કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું હોય.
• કોઈ ઔષધાલયની યાદગાર ઘટના.
• ઘરે ચકલીઘર, ચબૂતરા જેવું કંઈક બનાવ્યું હોય.
• કોઈ પ્રતિયોગિતામાં ભાગ લીધો હોય.
• કોઈ અસંભવ ગણાતું કાર્ય પૂર્ણ થયું હોય.
બીજી યાદી
જીવનમાં બનેલી દુર્ઘટઓ કે પરિસ્થિતિઓ નોંધો.
• કોઈ સેવા કાર્યમાં જોડાયા હોય.
• કોઈની માંદગીનો પ્રસંગ યાદગાર હોય.
• કોઈને કચરો ફેંકતા જોઈને ક્રોધિત થવાયું હોય.
• કોઈ વિદ્યાર્થીનું સરાહનીય આચરણ યાદ હોય.
• અન્યાય સામે આપે કંઈક ખાસ લખ્યું હોય.
ત્રીજી યાદી
આપના નેતૃત્વમાં થયેલ કાર્યની નોંધ બનાવો.
• જનજાગૃતિનું કોઈ અગત્યનું કાર્ય.
• સ્વાસ્થ્ય-રક્ષા સંવર્ધન કાર્યક્રમ કર્યો હોય.
• વૃક્ષારોપણ કે ઉર્જા બચત જેવાં કાર્યો કર્યા હોય.
• કોઈકને આપે કંઈક અલગ જ શીખવ્યું હોય.
• આપનું પહેલું કે યાદગાર લેખન કાર્ય.
ચોથી યાદી
આપની સારી આદતોની નોંધ તૈયાર કરો.
• આપ ક્યારેય અન્નનો બગાડ નથી કરતા.
• વ્યાયામ - પ્રાણાયામ દરરોજ થાય જ છે.
• ટ્રાફીક નિયમોનું ચુસ્ત પાલન કરો છો.
• આપ સમયપાલનના બરાબર આગ્રહી છો.
• કોઈપણ સંજોગોમાં વાંચન-લેખન થાય જ છે.
પાંચમી યાદી
આપના દ્વારા કંઈક સર્જન થયું હોય.
• ભોજનાલયોમાં જઈને સૂચનો લગાવ્યાં હોય.
• કૌઈ ઔષધ કે આરોગ્ય વર્ધક નુસખાઓ.
• ગણેશોત્સવમાં માટીની વિશેષ મૂર્તિ બનાવી હોય.
• બાળ-ઉછેર કે શિક્ષણનાં પ્રાયોગિક કાર્યો.
• કાવ્ય, નાટક, વાર્તા, લેખ વગેરે લેખન કાર્યો.
છઠ્ઠી યાદી
આપના મતે શ્રેષ્ઠ દાન ક્યું હોઈ શકે?
• અન્ન/ભોજનનું દાન.
• ગાય/પશુ/ઔષધનું દાન.
• પવિત્ર તુલસી છોડનું દાન.
• વિદ્યા/જ્ઞાનનું દાન.
• પુસ્તક/સાહિત્યનું દાન
ઉપર્યુક્ત તમામ પ્રકારની યાદીનો આધાર લઈને કોઈ એક કામને શોધવાનું છે. દરેક યાદીઓમાં બે-ત્રણ સૌથી અગત્યનાં કામોને તારવો. આ તૈયાર થયેલ બે-ત્રણ કામોની અલગ-અલગ યાદીમાંથી એક કોમન બાબત એવી હશે જે કોઈ એક કાર્યની દિશા સૂચિત કરતી હશે. અર્થાત્ એક સર્વસામાન્ય એવું કામ જડશે કે જેનો સંબંધ તારવેલ દરેક યાદીમાં મળી રહેશે.
સમજ વધુ સ્પષ્ટ થાય તેમાટે એક દ્રષ્ટાંત જોઈએ. ઉપર્યુક્ત ઉદાહરણો જે દરેક યાદીમાં પ્રથમ કાર્ય છે તે ''અન્નરક્ષાનું સૂચક છે, દરેક યાદીમાં દ્વિતીય કાર્ય છે તે આરોગ્ય ક્ષેત્રનું સૂચક છે, દરેક યાદીમાં તૃતીય કાર્ય છે તે પર્યાવરણ સંબંધી કાર્યને સૂચવે છે. ચતુર્થ કાર્ય છે તે કેળવણીના ક્ષેત્રને સૂચવે છે. પંચમ કાર્ય છે તે લેખકના ક્ષેત્રને સૂચવે છે.
આમ અંતે આપને જે કાર્યક્ષેત્ર મળે છે તે કામનું યોગ્ય નામકરણ થવું અનિવાર્ય છે. નામ કરણથી કામની સ્પષ્ટતા વધશે. આપને આ પ્રક્રિયાના અંતે જે કામ મળ્યું છે તે કામને બીજાં અનેકવિધ માપદંડોથી પરીક્ષણ કર્યાં પછી જ અંતિમ નિર્ણય લેવો. જો આ પ્રક્રિયા ગંભીરતાપૂર્વક કરશો તો આપ ક્યા ખાસ કામ માટે બનેલા છો તે સાબિત થઈ જશે. સફળ બનવા માગતા દરેક વ્યક્તિને આ ઉપકારક સાબિત થશે એમાં શંકાને સ્થાન નથી.
ડૉ. અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ