તમારા મેટાબૉલિઝ્મને કેવી રીતે તમારી રોજીંદી ભૂલો અસર કરી શકે
વ્યક્તિ જે પણ ખાય છે તે ઊર્જામાં બદલાય છે અને આ કામ મેટાબૉલિઝ્મ અથવા ચયાપચયની ક્રિયા કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો મેટાબૉલિઝ્મ એવી શારીરિક પ્રક્રિયા છે જેના મારફતે જ શરીર ભોજનને ઊર્જામાં બદલે છે અને આ ઊર્જા દરરોજનાં કાર્યોમાં ખર્ચ થાય છે. માનવ શરીરને દિવસભરના કામ માટે, ભોજન પચાવવા માટે, બ્લડ સર્ક્યુલેશનથી લઇને હૉર્મોનલ સંતુલન જેવા કાર્યો માટે પર્યાપ્ત પ્રમાણમાં ઊર્જા જોઇએ જે તેને ભોજનમાંથી મળે છે. ખાસ વાત એ છે કે શરીરની રચના અનુસાર ઊર્જાની જરૂર હોય છે અને આ ઊર્જા મેટાબૉલિઝ્મની ક્રિયાથી મળે છે.
શરીરનો મેટાબૉલિક રેટ દર્શાવે છે કે એક દિવસમાં કેટલી ઊર્જાની જરૂર હોય છે. જો શરીરનું મેટાબૉલિઝ્મ ઠીક રહેશે નહીં તો માંસપેશિઓમાં નબળાઇ, થાક, સુસ્તી, શુષ્ક ત્વચા, વજન વધવું, સાંધામાં સોજો વગેરે સમસ્યાઓ પેદા થશે. એટલા માટે સ્વસ્થ વજન અને બીમારીઓને દૂર રાખવા માટે મેટાબૉલિઝ્મને જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. લોકોએ પોતાની લાઇફસ્ટાઇલમાં કેટલીક એવી આદતો સામેલ કરી લીધી છે જે મેટાબૉલિઝ્મને ધીમી કરી દે છે અને સ્વાસ્થ્ય પર જોખમ મંડરાવા લાગે છે. જાણો, કેટલીક એવી આદતો વિશે જેનાથી મેટાબૉલિઝ્મ ધીમું થઇ જાય છે.
કેલરી ઓછી કરવી :- લોકો વચ્ચે એવી માન્યતા છે કે વજન ઘટાડવું છે તો કેલરી ઘટાડવી પડશે, વજન ઓછું કરવાના ચક્કરમાં પર્યાપ્ત પ્રમાણમાં ભોજન ન લેવાથી મેટાબૉલિઝ્મ ધીમે કામ કરવા લાગે છે. ઓછી કેલરી શરીર માટે મુશ્કેલી પેદા કરી શકે છે. યોગ્ય રહેશે કે વજન ઓછું કરવા માટે કોઇ વ્યવહારિક યોજના બનાઓ અથવા તો કોઇ નિષ્ણાંતની મદદ લો.
મીઠાં પીણાંનું વધારે સેવન કરવું : મીઠાં પીણાં સ્વાદમાં તો ખૂબ જ મસ્ત હોય છે પરંતુ મેટાબૉલિઝ્મના રેટને અસર કરે છે. શર્કરા યુક્ત પીણાંમાં ફ્રુક્ટોઝ હોય છે જે મેટાબૉલિઝ્મ રેટને ઘટાડી શકે છે અને વજન વધારી શકે છે. શોધમાં જાણવા મળ્યું છે કે ફ્રુક્ટોઝ યુક્ત પીણાં પદાર્થોનું વધુ સેવન મેટાબૉલિઝ્મ રેટને ઓછું તો કરે જ છે, આ સાથે જ પેટ અને લિવરમાં ચરબીનું પ્રમાણ વધારે છે.
ઓછુ પ્રોટીન ધરાવતો આહાર લેવો : પ્રોટીનથી ભરપૂર ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર્સનું કહેવું છે કે પ્રોટીન માંસપેશિઓ, ત્વચા, એન્ઝાઇમ અને હૉર્મોન્સ, શરીરની માંસપેશિઓ માટે ખૂબ જ જરૂરી હોય છે. તેના સેવનમાં ઘટાડો કરવાથી મેટાબૉલિઝ્મ પર પણ તેની અસર જોવા મળે છે. પ્રોટીન યુક્ત આહાર પેટને સંતૃપ્ત હોવાનો અહેસાસ કરાવે છે અને સ્વસ્થ પાચનને પ્રોત્સાહન આપે છે, જેનાથી વજનને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. પ્રોટીનથી ભરપૂર આહાર મેટાબોલિઝ્મ રેટને જાળવી રાખવા અને ફિટ રાખવામાં મદદ કરી શકે છે.
પર્યાપ્ત પ્રમાણમાં પાણી ન પીવું :- પર્યાપ્ત પ્રમાણમાં પાણી ન પીવાથી મેટાબૉલિઝ્મ પર ખરાબ અસર પડે છે. દિવસભર પાણી પીતા રહો અને એવાં ખાદ્ય પદાર્થોનું સેવન કરો, જેમાં પ્રાકૃતિક રીતે પાણી રહેલું હોય જેમ કે, તરબૂચ.
ઓછી ઊંઘ લેવી :- એક અભ્યાસ અનુસાર, પર્યાપ્ત ઊંઘ ન લેવાથી મેટાબૉલિઝ્મ રેટને અસર થઇ શકે છે જેનાથી વજન વધી શકે છે, 7-8 કલાકની સારી ઊંઘ તેના રેટને જાળવી રાખવામાં મદદ કરી શકે છે.
શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો :- મોટાભાગના લોકો કલાકો બેસીને કામ કરે છે, શારીરિક પ્રવૃત્તિઓ વગર સતત બેસી રહેવું સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તેમાં પણ આ લાઇફસ્ટાઇલની સાથે કેટલાય લોકો વ્યાયામને મહત્ત્વા આપતા નથી. આ ભૂલ મેટાબૉલિઝ્મ અને સમગ્ર સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. શારીરિક કસરતથી તેની ભરપાઇ જરૂરી છે.