હમ હિન્દુસ્તાની: પ્રતિક ગાંધી, લખન ખૂંટી, રીવા રાચ્છ અને શ્રદ્ધા ડાંગર સાથે ભારતની પહેલી લોકશાહી ચૂંટણીની કહાની
નવી દિલ્હી: નેટફ્લિક્સની આગામી ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની’ ભારતની પ્રથમ લોકશાહી ચૂંટણી પર આધારિત એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. રાહુલ ધોળકિયા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે અને સ્વતંત્રતા પછી ભારતે લોકશાહી તરીકે પોતાની ઓળખ કેવી રીતે ઘડી તે ઐતિહાસિક યાત્રાને પરદે રજૂ કરશે. ફિલ્મમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે પ્રતિક ગાંધી, લખન ખૂંટી, રીવા રાચ્છ અને શ્રદ્ધા ડાંગર પણ મહત્વપૂર્ણ પાત્રોમાં નજર આવશે.
નેટફ્લિક્સે ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરતાં જણાવ્યું છે, “વિશ્વની સૌથી મોટી લોકશાહીનું નિર્માણ. જુઓ ‘હમ હિન્દુસ્તાની’ ભારતની પ્રથમ ચૂંટણીની અજાણી કહાની, ટૂંક સમયમાં માત્ર નેટફ્લિક્સ પર.”
જ્યારે લોકશાહીને જમીન પર ઉતારવાનો સમય આવ્યો
સ્વતંત્રતા બાદ ભારત માટે સૌથી મોટો પડકાર દેશવ્યાપી લોકશાહી ચૂંટણીનું આયોજન કરવાનો હતો. ‘હમ હિન્દુસ્તાની’ એ સમયગાળાને કેન્દ્રમાં રાખે છે, જ્યારે અશિક્ષા, સામાજિક અસમાનતા અને લોજિસ્ટિક મુશ્કેલીઓ વચ્ચે પણ ભારતે વિશ્વની સૌથી મોટી લોકશાહી ચૂંટણી યોજવાનો સાહસિક નિર્ણય લીધો.
જમીન પર કામ કરનારા લોકોની નજરે કહાની
ફિલ્મ અધિકારીઓની એક એવી ટીમની સફર દર્શાવે છે, જેઓ ગામે-ગામ અને શહેરે-શહેર જઈને મતદાન પ્રક્રિયા અમલમાં મૂકવા માટે સંઘર્ષ કરે છે. વિરોધ, અવિશ્વાસ અને અસંભવ લાગતા પડકારો છતાં, આ લોકો લોકશાહીના પાયાને મજબૂત બનાવે છે. કહાની જમીન પર કાર્ય કરનારા લોકોના દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવી છે, જે ફિલ્મને વધુ અસરકારક બનાવે છે.
મતાધિકાર કેન્દ્રમાં રહેલી પ્રેરણાદાયક વાર્તા
ફિલ્મની ટીમ અનુસાર, ‘હમ હિન્દુસ્તાની’ના કેન્દ્રમાં સ્વતંત્ર ભારતનું સૌથી મહત્વપૂર્ણ વચન મતાધિકાર છે. ટીમે જણાવ્યું છે કે, દેશની પ્રથમ ચૂંટણીની કહાનીને જમીની સ્તરે કાર્ય કરનારા લોકોની નજરે રજૂ કરવી એ ગૌરવ અને મોટી જવાબદારી બંને છે. આ વિશ્વાસ, સાહસ અને સામૂહિક પ્રયાસોની એવી ગાથા છે, જેણે આધુનિક ભારતને આકાર આપ્યો.
અભિનેતા
ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે પ્રતિક ગાંધી, લખન ખૂંટી, રીવા રાચ્છ, શ્રદ્ધા ડાંગર, ઉપરાંત દીપક ડોબ્રિયાલ, મિમી ચક્રવર્તી અને સારિકા જેવા શક્તિશાળી કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે.
રાહુલ ધોળકિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મની રિલીઝ તારીખ હાલ જાહેર કરવામાં આવી નથી, પરંતુ નેટફ્લિક્સ પર ટૂંક સમયમાં સ્ટ્રીમ થવાની અપેક્ષા છે.