બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હું શિક્ષક છું, જાણો એક શિક્ષક વિશે તેમજ તેના કાર્યો વિશે...

સમાજનો પ્રત્યેક વ્યક્તિ અન્ય વ્યક્તિમાંથી કંઈક નવું શીખતો હોય છે, પ્રેરણા લે છે, માર્ગદર્શન લે છે. દરેક વ્યક્તિ બધી જ બાબતોમાં પૂર્ણ હોય તે શક્ય નથી જ. છતાં પોતાનામાં રહેલી ઉણપોને દૂર કરીને શીખવાની પ્રક્રિયામાં રહે તે આગળ વધે છે. આ પ્રક્રિયામાં શીખનાર કરતા શીખાવાનારનું મહત્વ વધુ છે. કારણકે શીખનાર પૂરી જિજ્ઞાસાથી શીખવા તૈયાર થાય ત્યારે શીખવનાર જો યોગ્ય મૂડમાં ન હોય તો જે શીખવાનું છે તે ણ શીખતા એવું શીખાઈ જાય કે જે સમાજ ઉપયોગી ન હોય. આ શીખાવાનારને પુરાણોમાં ગુરુજી કહ્યા છે અને એ જ વર્તમાન ના શિક્ષકો.

સમાજને શિખવવાનું કામ, માર્ગદર્શન આપી યોગ્ય રાહ ચીંધવાનું કામ તથા નવી પેઢીને યોગ્ય દિશામાં જોતરાવાનું કામ શિક્ષકના શિરે જ છે. કદાચ આ ઉપરોક્ત વાક્ય ઘણા લોકો માટે અતિશયોક્તિ ભરેલ હશે પણ વાસ્તવિકતા એ જ છે કે શિક્ષક જ માર્ગદર્શક હોઈ શકે. ઉદાહરણ થી સમજીએ તો કોઈ પ્રખ્યાત ડોકટર અન્ય ડોક્ટરનું નિર્માણ ન જ કરી શકે. ગમે એટલા હોંશિયાર વૈજ્ઞાનિક અન્યને વૈજ્ઞાનિક ન જ બનાવી શકે. કોઈ હોશિયાર ઇજનેર અન્યને ઇજનેર ન જ બનાવી શકે. માત્ર એક શિક્ષક જ છે જે પોતે શિક્ષક જ રહે જ્યારે પોતાના વિદ્યાર્થીઓને ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક કે શિક્ષક બનાવી શકે. એટલે જ કહેવાય છે, ‘ગુરુ વિના જ્ઞાન નહીં’.

હવે જો ખરેખર શિક્ષક સાચા અર્થમાં માર્ગદર્શક છે જ તો તે વિશેષ ખૂબી ધરાવનાર હોવો જ રહ્યો. આજે સમાજમાં શિક્ષકોની છબી જોતાં એક તરફ ગૌરવની લાગણી થાય છે તો બીજી બાજુ મન દુભાય. પણ જો ડૉ. સર્વપલ્લીજી તથા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવા શિક્ષકોને યાદ કરતા ગૌરવ અનુભવાય એ સ્વાભાવિક છે. જ્યારે વર્તમાનમાં શિક્ષણ ને ભૂલીને માત્ર વ્યવસાય સમજીને ભણાવવાનું કામ કરતા ઘણા શિક્ષક મિત્રોને જોઈને મન દુભાય છે. મારા મતે શિક્ષણ ક્યારે વ્યવસાય હોઈ જ ન શકે. પશ્ચિમના કહેવાતા સુધારાવાદી લોકોની વાતોના વાવાઝોડામાં ઘણાંય શિક્ષક મિત્રો તણાતા જય છે અને આપણી વાસ્તવિક શિક્ષણ પદ્ધતિઓને ભૂલીને શિક્ષણ ને જાણે શુષ્ક બનાવી રહ્યા છે. આ વાવાઝોડામાંથી બહાર આવવા માટે આશાનું કિરણ આપણે શિક્ષકોએ જ બનવું રહ્યું.

શિક્ષકે પોતાની વાસ્તવિકતા ગુમાવી છે જેના કારણે પોતે સમાજમાં પોતાનું માન-સન્માન પણ ગુમાવી રહ્યા છે. ન લખવું જોઈએ છતાં લખું છું કે ઘણા શિક્ષક મિત્રોને વ્યસનની કુટેવ છે કે જેમાંથી તેવો બહાર નીકળવાનો પ્રયાસ સુદ્ધાં નથી કરતા. આપણે તો દેશનું ભાવિ ઘડનારાઓ, દેશના ભાવિ નાગરિકો પાસે શું અપેક્ષા રાખીશું? બની શકે કે જે યુનિટમાં પ્રામાણિકતાનું મહત્વ સમજાવવાનું હતું અને આપણે તેને ન સમજાયું જેનું પરિણામ એવું આવે કે એ જ વર્ગનો વિદ્યાર્થી શિક્ષણ વિભાગનો કોઈ ખાતાનો વડો બને અને આપણી પેન્શનની ફાઈલને આગળના ટેબલ પર મોકલવાના પૈસા માંગે!! આવા કિસ્સામાં વાંક કોનો? એ અધિકારીનો કે જેણે પૈસા માગ્યા કે એ શિક્ષકનો કે જેણે પ્રામાણિકતા ન શીખવી?

શિક્ષણ ક્ષેત્રે કામ કરતા તમામ મિત્રોને એક મીઠી ટકોર કરતાં એટલું જ કહેવું છે કે યાદ કરો જ્યારે આપણે વિદ્યાર્થીઓ હતા. આપણને ભણાવવા આવનાર શિક્ષકો પાસેથી આપણી જે અપેક્ષાઓ હતી તે બધી જ અથવા એથી વધુ અપેક્ષાઓ આજના વિદ્યાર્થીઓ આપણી પાસે રાખે જ છે. હવે આપણે પોતે નક્કી કરવાનું કે આપણા વર્ગખંડમાં આપણી નજર સમક્ષ ભારતનું ભવિષ્ય છે તેનું કેવું  નિર્માણ આપણે કરવા ઇચ્છીએ છીએ. શિક્ષક હોવાનું ગૌરવ ત્યારે જ થવું જોઈએ જ્યારે સમાજમાંથી જેવા આવે છે તેવા બાળકોનો સ્વીકાર કરી સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થાય તેવા નાગરિકોનું ઘડતર કરીએ. એ જ સાચી રાષ્ટ્રભક્તિ કહેવાશે.

વિદ્યાર્થીઓના વિકાસ અને ઘડતર માટે આપણે જેમ સતત ટકોર કરતાં રહીએ તે જ પ્રકારે દરરોજ સાંજે સુતા પહેલા આપણે આપણી જાતને પૂછવું જ રહ્યું કે આજે મારા થકી રાષ્ટ્રના ઉદ્ધાર તથા ઉત્થાન માટે શિક્ષણના માધ્યમથી મેં શું નવું કર્યું? આ પ્રશ્ન સતત આપણા મનમાં ઘોળાતો રહેશે, વલોવાતો રહેશે તો નિશ્ચિત ભારતનું ભાવિ ઉજ્જવળ છે.

આવો આપણે સૌ શિક્ષક મિત્રો પ્રતિજ્ઞા કરીએ કે આપણે માત્ર વ્યવસાયથી જ શિક્ષકો નથી, કર્મથી પણ શિક્ષકો છીએ. અને સાચા અર્થમાં ભારતનું ભાવિ આપણા હાથે જ લખાઈ રહ્યું છે અને લખાતું રહેશે.
જ્ય હિંદ...

જીગ્નેશ સોની (એમ.એ., એમ.એડ. – અંગ્રેજી)
પી.એમ.જી. ઠાકર આદર્શ હાઈસ્કુલ, કડી.
સંપર્ક : ૯૮૨૪૫ ૯૭૯૩૪
ઈ-મેઈલ : jigneshsoni3377@gmail.com