બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ફ્રેન્ચ ઓપનની ટીનએજર ચેમ્પિયન ઈગા શિયાન્ટેકની મેજિક ગેઈમ.

આ સમાન નવા સિતારાઓથી ઝળહળી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા સમયના સંધિકાળમાં પરિવર્તનોની ઝડપ અત્યંત વધી ગઈ છે. કોરોના, લોકડાઉન અને અનલોક બાદ જાણે કે કુદરત પણ ચોમાસામાં ઉછળતા-કૂદતાં ઝરણાની જેમ ભારે જોશમાં આગળ વધી રહી છે, ત્યારે લગભગ તમામ ક્ષેત્રોમાં નૂતન સંકેતોનો સંચાર થઈ રહ્યો છે. થોડા વર્ષો પૂર્વે જે પરિણામોની નિશ્ચિત મનાતા હતા, તેમાં હવે અણધાર્યા પરિવર્તનો આવી રહ્યા છે.

એક આખી નવી જ હરોળ ઉભરી આવે છે. આ પરિવર્તન નવા યુગના પ્રારંભ સમાન છે અને રમતની દુનિયા પણ તેમાંથી બાકાત નથી. અણધારી સફળતા અને આશ્ચર્યજનક પરિણામોની સાથે બહાર આવી રહેલા નવા ચેમ્પિયનોમાં પોલેન્ડની ૧૯ વર્ષની ટીન એજર ઈગા શિઆન્ટેક પણ અગ્રહરોળમાં ચમકતું-દમકતું સ્થાન ધરાવે છે.

તીવ્ર હરિફાઈ ધરાવતા પ્રોફેશનલ ટેનિસમાં ડગ માંડી રહેલી ઈગા શિઆન્ટેકે ફેશનના પાટનગર પેરિસમાં લાલ માટીના ટેનિસ કોર્ટ પર રમાતી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપ જીતવાની સાથે એકાએક જ નવો ઈતિહાસ રચી દીધો છે. ખોબા જેવડા યુરોપીયન દેશ પોલેન્ડને આંતરરાષ્ટ્રીય ટેનિસના ફલક પર રાતોરાત ચમકાવી દેનારી ઈગાએ તેની ઉંમર કરતા બેવડા-ત્રેવડા વર્ષો પૂર્વે સ્થપાયેલા વિશ્વવિક્રમોને ધરાશાયી કરી દીધા છે.

પોલેન્ડના ટેનિસ ઈતિહાસમાં ગ્રાન્ડ સ્લેમ જીતનારી સૌપ્રથમ ખેલાડી તરીકે શિઆન્ટેકે પોતાનું નામ સુવર્ણાક્ષરે લખાવી જ દીધું છે. તેની સાથે સાથે તે  છેલ્લા ૨૮ વર્ષમાં સૌથી યુવા વયે ફ્રેન્ચ ઓપન જીતનારી ખેલાડી બની ગઈ છે અને ૧૯૯૨માં લેજન્ડરી ખેલાડી મોનિકા સેલેસે મેળવેલી સફળતા બાદ તેને સ્થાન પ્રાપ્ત થયું છે.

વિશ્વની ટોચની ૫૦ ખેલાડીઓમાં પણ સ્થાન ન ધરાવતી ઈગા, ઈ.સ. ૧૯૭૫માં શરૂ થયેલા પ્રોફેશનલ રેન્કિંગ બાદ ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ્સનો તાજ મેળવનારી લોએસ્ટ રેન્ક ખેલાડી છે ! ઈગાએ અચાનક જ ટેનિસના ફલક પર છવાઈ ગઈ છે અને ટોચની ખેલાડીઓને હરાવીને તેણે સપાટો બોલાવી દીધો છે.

આઠ વર્ષ પૂર્વે નિવૃત્તિ લેનારી બેલ્જિયમની જસ્ટીન હેનિન-હાર્ડેને ૨૦૦૭માં એક પણ સેટ ગુમાવ્યા વિના ફ્રેન્ચ ઓપન વિમેન્સ સિંગલ્સ ટાઈટલ હાંસલ કર્યું હતુ અને તે પછી આ વિક્રમ હવે ઈગા શિયાન્ટેકના નામે નોંધાઈ ચૂક્યો છે.

રમતની દુનિયામાં જૂજ પ્રતિભાઓ પર કુદરતની એવી મહેરબાની હોય છે કે તેઓને સફળતા મેળવવા માટે લાંબા સમય સુધી તપશ્ચર્ર્યાા અગ્નિમાં શેકાવું પડતું નથી. તેમના માટે બધુ યોગાનુયોગની જેમ ગોઠવાઈ જતું હોય છે અને ઈગા પણ આવી જ પ્રતિભાઓમાં સ્થાન ધરાવે છે.

પ્રોફેશનલ ટેનિસમાં આખેઆખી જિંદગી નિચોવી દેનારા ખેલાડીઓ કારકિર્દીમાં એક ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ જીતવા માટે તરસી જતાં હોય છે, ત્યારે ઈગાએ વિમેન્સ ટેનિસ એસોસિએશનની સર્કિટમાં પ્રવેશ બાદના બીજા જ વરસે ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન તરીકેનો તાજ હાંસલ કરીને વિશિષ્ટ પ્રતિભાનો પરિચય આપ્યો છે. રસપ્રદ રેકોર્ડ પણ એ છે કે, હજુ બે વર્ષ પૂર્વે તેણે વિમ્બલ્ડન જુનિયર સિંગલ્સ ચેમ્પિયન તરીકેનું ટાઈટલ જીત્યું હતુ. ટેનિસના ઈતિહાસમાં આટલા ટૂંકા ગાળામાં જુનિયર બાદ સિનિયર લેવલે ગ્રાન્ડ સ્લેમ જીતવાનો તેનો રેકોર્ડ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બનવાની સાથે રેકોર્ડ ક્વીન તરીકે છવાઈ ગયેલી ઈગાની સફળતાની પાછળ તેના ઓલિમ્પિયન પિતા ટોમઝ શિઆન્ટેક અને ડોક્ટર માતા ડોરોટાની ભૂમિકા મહત્ત્વની છે. પિતાએ ઈગાને આકાશ બતાવ્યું, તો માતાની ડહાપણભરી સલાહ અને માર્ગદર્શને ઈગાને તનાવની પળોમાં લાગણી અને મન પર કેમ કાબૂ રાખવો તે શીખવ્યું.

પોલેન્ડની રાજધાની વર્સોવા નજીક આવેલા નાનકડા રાઝેન નામના ગામમાં રહેલા શિઆન્ટેક પરિવારમાં બીજી પુત્રી તરીકે ૨૦૦૧માં ઈગાનો જન્મ થયો હતો. ઈગાનું બાળપણ આ જ વિસ્તારમાં વિત્યુ અને તેને ટેનિસના શરૂઆતના પાઠ પણ અહીં જ ભણવા મળ્યા.

ઈગાના પિતા ટોમેઝ પોલેન્ડના રમત જગતમાં આગવી ઓળખ ધરાવે છે. તેઓ ઈ.સ.૧૯૮૮માં સાઉથ કોરિયાના સેઉલમાં રમાયેલા ઓલિમ્પિકની નૌકાયન સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા હતા. જો કે, ટોમેઝની ઈવેન્ટ - ટીમ ઈવેન્ટ હતી, જેમાં એક નૌકામાં ચાર નાવિકોએ સવાર થઈને તેને ચલાવવાની હોય છે.

પોતાની કારકિર્દીના અનુભવ પરથી ટોમેઝને સમજાયું કે ટીમ ગેઈમમાં સફળતાનો આધાર સાથીઓના દેખાવ પર પણ રહેલો છે. તેમણે જાત અનુભવ બાદ તેમની બંને પુત્રીઓને પરાવલંબનથી મુક્ત એવી વ્યક્તિગત રમતને પસંદ કરવા માટે પ્રોત્સાહન આપ્યું.

ઈગાની મોટી બહેન અગાટાને સૌ પહેલા સ્વિમિંગની તાલીમ શરૂ કરાવવામાં આવી. તેના પગલે ઈગા પણ સ્વિમિંગપુલમાં જતી. તેને પાણીથી ડર લાગતો એટલે ત્યાં એક તરફ બેસી રહેતી અને બધાને સ્વિમિંગ કરતાં જોઈ રહેતી. થોડા જ સમયમાં અગાટાનું મન સ્વિમિંગમાંથી ઉઠી ગયુ અને ઈગા તો  પાણીથી દૂર જ ભાગતી.

આ જોઈને શિઆન્ટેક દમ્પતીએ તેમની પુત્રીઓને ટેનિસ એકેડમીમાં પ્રવેશ અપાવી દીધો. અગાટાની પાછળ પાછળ ટેનિસના કોચિંગમાં જઈ રહેલી ઈગાને ધીરે ધીરે આ રમતમા રસ પડવા માંડયો. જો કે, તરૂણવયે તેનું એકમાત્ર લક્ષ્ય તો મોટી બહેનને હરાવવાનું હતુ.

વર્સોવાના ટેનિસ કોચ માઈકલ કાઝ્નોવ્સ્કીએ અગાટા અને ઈગાને તાલીમ આપવાની શરૂઆત કરી દીધી. નાનકડી ઈગા વધુ ચપળ હતી અને બહેનને હરાવવા માટે તે સખત મહેનત કરતી. આ માટે તે કલાકોના કલાકો સુધી પ્રેક્ટિસ કરતી રહેતી. આ બધી પ્રેક્ટિસનું ફળ ટૂંક સમયમાં જ તેને મળવા માંડયું અને તે સમવયસ્ક ખેલાડીઓમાં આસાનીથી ટાઈટલ જીતવા લાગી.

પોલેન્ડમાં સફળતા મેળવ્યા બાદ ટોમેઝે તેના માટે સ્પોન્સરશિપ પણ મેળવી. અગાટા અને ઈગાની જોડી સિંગલ્સ અને ડબલ્સમાં નોંધપાત્ર સફળતા મેળવતાં આગળ વધવા લાગી હતી. જો કે મોટી પુત્રી અગાટાની કારકિર્દી ઈજાના કારણે એક તબક્કે સ્થગિત થઈ ગઈ પણ ઈગાની આગેકૂચ જારી રહી.

નાની ઉંમરે મોટી સફળતા હાંસલ કરી રહેલી પુત્રી ઈગાને તેની માતા ડોરોટા કહેતી કે, બેટા, ટેનિસ એક રમત છે, તેમાં દરેક વખતે આપણને જીત મળે તે જરૂરી નથી. હાર અને જીત તો ચાલ્યા કરે, પણ દરેક વખતે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જરૂરી છે. હાર મળે તેનો વાંધો નથી, પણ આપણા હરિફ સહિત બધાને લાગવું જોઈએ કે, આ હારનારી ખેલાડી જ જીતની ખરી હકદાર હતી. માતાની આ શિખામણ ઈગાએ ગાંઠે બાંધી લીધી. 

આ જ કારણે તે દરેક મેચમાં પરિણામની ચિંતા રાખ્યા વિના જ ઉતરતી. આઇટીએફમાં જુનિયર લેવલે આંતરરાષ્ટ્રીય સ્તરની સફળતા હાંસલ કર્યા બાદ તેણે ૨૦૧૮માં જુનિયર વિમ્બલ્ડન સિંગલ્સ ટાઈટલ જીતીને ઈતિહાસ રચી દીધો. તેણે યુથ ઓલિમ્પિકમાં પણ ગર્લ્સ ડબલ્સના સ્લોવેનિયાની કાજા જુવાન સાથે મળીને ગોલ્ડન સફળતા હાંસલ કરી, જેના કારણે તેને પોલેન્ડમાં રાષ્ટ્રીય સ્તરની ઓળખ મળી.

આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ ટેનિસમાં ઈગાએ ગત વર્ષે જ ડગ માંડયા અને ડબલ્યુટીએની ઈવેન્ટ્સમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું. એક જ વર્ષના અનુભવના પગલે તેની રમતમાં જબરજસ્ત નિખાર આવ્યો અને ચાલુ વર્ષના પ્રારંભે તેણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચોથા રાઉન્ડ સુધીની સફર ખેડીને સનસનાટી મચાવી દીધી. 

કોરોનાના કારણે પ્રભાવિત થયેલી ટેનિસ સિઝનને કારણે કેલેન્ડરમાં ધરમૂળ ફેરફારો કરવામાં આવ્યા. વાઈરસની આશંકા અને ચિંતાના વાતાવરણ વચ્ચે ઈગાએ એકાગ્રતાની સાથે પ્રેક્ટિસ જારી રાખી અને આખરે તેણે ફ્રેન્ચ ઓપનમાં સનસનાટી મચાવતા ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ટોપ સીડ સિમોના હાલેપને હરાવીને ખળભળાટ મચાવ્યો અને આખરે ફાઈનલમાં સીડેડ ખેલાડીને પરાસ્ત કરીને ઈતિહાસ રચી દીધો. કેટલાક ટીકાકારો ઈગાની સિદ્ધિને ઓસાકા-બાર્ટી જેવી ખેલાડીઓની ગેરહાજરીને આભારી માને છે.

જો કે ઈગાને તેની પરવા નથી. તેણે એક નવી શરૂઆતના આરંભનું બ્યુગલ બજાવી દીધું છે. હવે તેની આ સફળતા પુનરાવતત થયા કરે તેનું ધ્યાન રાખવાની જવાબદારી તેની પોતાની છે.