અમદાવાદમાં 64 ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 304 બેડ જ ખાલી
કોરોના થયો તો હવે સરકારી હોસ્પિ.માં જવું પડશે, ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં 147 વેન્ટિલેટરમાંથી 131 ઓક્યુપાઈડ ‘સબ સલામત’ની વાતો વચ્ચે નિષ્કાળજી દાખવવાનું હવે અમદાવાદીઓને નહીં પોષાય, વધુ ભયાનક સ્થિતિના વાગતા ડાકલા...રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થયાના મહિનામાં અમદાવાદ સમગ્ર દેશનું કોરોના હોટસ્પોટ બની ગયું હતું. જેને પગલે 7 દિવસ સુધી તો સંપૂર્ણ લોકડાઉન કરવું પડ્યું હતું.
ત્યાર બાદ દૈનિક કેસોમાં ઘટાડો થયો અને એક સમયે દૈનિક 300 કેસ નોંધાતા હતા તે 150ની અંદર આવી ગયા હતા. આ સાથે જ શહેરીજનો બેખૌફ બની ટોળે વળવા લાગ્યા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો કર્યો. આ પ્રકારની બેફિકરાઈના હવે વરવા પરિણામો આવવા લાગ્યા છે. લગભગ છેલ્લા 10-12 દિવસથી સ્થિતિ વણસવા લાગી છે અને દૈનિક કેસો 180ની આસપાસ આવવા લાગ્યા છે.
જો હજુ પણ અમદાવાદીઓ નહીં સુધરે તો ભયાનક સ્થિતિ થતા કોઈ અટકાવી શકશે નહીં. મુંબઈ-પૂણે જેવા શહેરો તેનું ઉત્તમ ઉદાહરણ છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં 180થી 190 કેસ થતા હોવાની માહિતી આપવામાં આવી રહી છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. શહેરમાં કોરોનાના કેસો બેફામ વધી ગયા છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન(AHNA) મુજબ અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં વેન્ટિલેટર સપોર્ટ સાથેના ICU કેટેગરીમાં ફક્ત 16 જ ICU બેડ ખાલી છે.
ખાનગી હોસ્પિટલમાં 1,820માંથી માત્ર 304 બેડ જ ખાલી
શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોર્પોરેશનના ક્વોટાના કુલ બેડ 1,820ના ફક્ત 16.7 ટકા બેડ એટલે કે 304 બેડ જ ખાલી છે. ગંભીર સ્થિતિમાં આવનારા દર્દી માટે જરૂરી વેન્ટિલેટર સપોર્ટ સાથેના ICU બેડની સંખ્યા ઘણી ઓછી છે. જેથી અમદાવાદમાં પરિસ્થિતિ હવે ફરી ગંભીર બની રહી છે.