કલાકમાં એક હજાર લોકો અંબાજી પહોંચી શકશે પણ ત્યાં નથી એટલી ક્ષમતા.
કલાકમાં એક હજાર લોકો અંબાજી પહોંચી શકશે પણ ત્યાં નથી એટલી ક્ષમતા. CM પહેલાં અનેક સરકારી કર્મીઓએ કરી રોપ-વે સફર. ગિરનાર રોપ-વે મારફત એક કલાકમાં એક હજાર લોકો અંબાજી પહોંચી શકશે. પરંતુ ત્યાં માત્ર ૧૫૦૦ થી વધુ લોકોનો જ સમાવેશ થાય તેટલી ક્ષમતા છે. આથી તહેવાર દરમ્યાન યાત્રિકોનો ધસારો થશે ત્યારે અંબાજી પર અવ્યવ્સથા થવાની પણ શક્યતા છે.
આવતીકાલે ગિરનાર રોપ-વેનું લોકાર્પણ થનાર છે. રોપ-વેમાં હાલ ૨૫ કેબીન છે. અને એક ટ્રોલીમાં આઠ વ્યક્તિ બેસી શકશે. લોઅર-સ્ટેશનથી અપર સ્ટેશન વચ્ચેની લંબાઈ ૨૩૨૦ મીટર છે. આઠ મીનીટમાં રોપ-વે મારફત અંબાજી પહોંચી શકાશે. આમ એક કલાકમાં એક હજાર લોકો અંબાજી મંદિર ખાતે પહોંચી શકશે. જો ધસારો હશે તો આઠ કલાકમાં આઠ હજાર યાત્રિકો અંબાજી પર પહોંચી શકશે.
પરંતુ આટલા યાત્રિકો એક સાથે ત્યાં બેસી શકે કે રહી શકે તેટલી ક્ષમતા નથી. હાલ જે સુવિધાઓ કરવામાં આવી છે તે મુજબ અંબાજી પર વધુમાં વધુ ૧૫૦૦ વધુ લોકો એક સાથે રહી શકે તેટલી ક્ષમતા છે. આથી શિવરાત્રી મેળો, પરિક્રમા નાતાલ તેમજ વેકેશનના સમય દરમ્યાન યાત્રિકોનો ધસારો રહેશે ત્યારે અંબાજી મંદિર ખાતે અવ્યવસ્થા થવાની શક્યતા છે. આ માટે ક્રમે ક્રમે યાત્રિકોને લઈ જવા પડશે. પરંતુ અમુક યાત્રિકોને ત્યાં રોકાવાની ઈચ્છા હશે તેને વહેલી પરત આવવું પડે તેવી પણ સંભાવના છે.
આજે થનાર ઈ-લોકાર્પણ માત્ર નામનું!
CM પહેલાં અનેક સરકારી કર્મીઓએ કરી રોપ-વે સફર.
કર્મચારીઓની રોપ-વે સફર અંગેના વિડીયો-ફોટો થયા સોશીયલ મીડિયામાં વાઈરલ
જૂનાગઢના ગિરનાર રોપ-વેનું આવતીકાલે પી.એમ.ના હસ્તે ઈ.લોકાર્પણ થનાર છે. મુખ્યમંત્રી રોપ-વેની સફર કરે એ પૂર્વે જ અનેક સરકારી કર્મીઓએ રોપ-વેની સફર કરી લીધી છે. અને આ અંગેના વિડીયો-ફોટો પણ સોશીયલ મિડીયામાં વાઈરલ થયા છે.
ગિરનાર રોપ-વે તૈયાર થઈ ગયો છે. આવતીકાલે તેનું વડાપ્રધાનના હસ્તે ઈ.લોકાર્પણ થનાર છે. અને ત્યારબાદ મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓ રોપ-વેમાં અંબાજી દર્શન કરવા જશે. ઉદઘાટન બાદ મુખ્યમંત્રી રોપ-વેમાં સફર કરે તે પૂર્વે મનપા, પોલીસતંત્ર, કલેકટર કચેરી, મામલતદાર કચેરીનાં અનેક સરકારી કર્મચારીઓએ રોપ-વેની સફર કરી લીધી છે. જેને નિરીક્ષણ માટે જવાની કોઈ જરૂર ન હતી.
તેવા અનેક કર્મચારીઓ નિરીક્ષણના બહાને રોપ-વેમાં ફરી આવ્યા છે. આ કર્મચારીઓ અંગેના ફોટો વિડીયોનું કવરેજ ન થાય તે માટે ત્યાં મિડીયા કર્મીઓને કંપનીએ પ્રવેશ બંધી ફરમાવી હતી. જેની સામે અનેક સવાલો ઉઠયા હતાં. પરંતુ રોપ-વેની સફર કરનાર કર્મચારીઓએ લીધેલા ફોટો વિડીયો સોશીયલ મિડીયામાં વાઈરલ થયા હતાં. અને આવતીકાલે પી.એમ.નાં હસ્તે થનાર ઈ.લોકાર્પણ માત્ર નામનું જ થાય તેવી સ્થિતી થઈ ગઈ છે.