બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વલસાડના ધરમપુરના જંગલોમાં ૧૯ જાતિના દુલર્ભ વૃક્ષો મળી આવ્યા

ગુજરાતનો દક્ષિણ ભાગ વન સંપદાથી સમૃદ્વ છે. કંઇ કેટલીય જાતિના વૃક્ષો-વેલાઓએ વિસ્તારને હર્યો-ભર્યો કર્યો છે. રાજયના વન વિભાગે પણ તેના સંરક્ષણ અને સંવર્ધનમાં અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી યુ.ડી.સિંઘના માર્ગદર્શન હેઠળ સરાહનીય કામગીરી કરી રહયું  છે.


તાજેતરમાં વલસાડ જીલ્લાના ધરમપુરના જંગલોમાં ઇ/ચા નાયબ વન સંરક્ષક અને સહાયક વન સંરક્ષક શ્રી યુવરાજસિંહ ઝાલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી હિરેન પટેલ અને વનકર્મીઓએ ૧૯ જાતિના દુલર્ભ વૃક્ષોની ભાળ મેળવી છે.  જેમાં .બોથી,ખડશીંગ, કવીશા, પંગારો, કરમલ, સફેદ પાઘળ, પીળો ખાખરો, મેઢાશીંગ, નાની ચમોલ, મોટી ચમોલ, રગત રોહિડો, ચંડીયો, કંપીલો,દવલો, કુંભ, હુંભ,રસ, કાયલી(જંગલી આંબલી),  પીળા ફુલ ધરાવતો શીમળો (સામર) જેવા વૃક્ષો અને વેલાઓ કે જેના નામ આપણે કદી સાંભળ્યા ન હોય કે જોયા ન હોય તેવી આ વનસ્પિતઓ શોધી કાઢી છે.


કપરાડાના જાણીતા વૈધ મનોજભાઇ જાદવ આ વનસ્પતિઓનું મુલ્ય જણાવતા કહે છે કે, હાથપગના દુઃખાવામાં ખડસીંગનું વૃક્ષ ઉપયોગી છે. તો ઘૂંટણના દુઃખાવામાં કાયલી (જંગલી આંબલી) રાહત આપે છે. પથરીના ઇલાજમાં પાઘળ તો મરડામાં મેઢાસીંગ અકસીર છે.




આયુર્વેદિક દ્ષ્ટિએ ખુબ જ મહત્વની સાથે પર્યાવરણ જાળવતી આ વનસંપદાથી જંગલો વધુ સઘન બને અને ઉપયોગી વૃક્ષ-વેલાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે વન વિભાગે નાનાપોંઢાના બોટની પ્રોફેસર ડો.સંદીપ પટેલની મદદ લીધી છે. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને વનસ્પતિઓના મહત્વને સમજાવી તેમના સહયોગ થકી બીજ એકત્રિકરણની કામગીરી વન વિભાગે બખૂબી રીતે કરી છે. લોકડાઉનના સમયમાં વન વિસ્તારો ખુંદીને દુલર્ભ વૃક્ષોના બીજ એકત્ર કરવામાં આવ્યા. જેના છોડ નર્સરીઓમાં તૈયાર થઇ રહયા છે.


અત્રે ઉલ્લેખનિય છે કે, વલસાડ ઉત્તર વન વિભાગ હસ્તક ધરમપુર રેન્જમાં ૧૪૦૨૧ હેકટર, પંગારબારીમાં-૧૨૫૭૪,હનમતમાળમાં-૧૧૪૮૨ વલસાડમાં-૭૧૨, વાંસદા પુર્વમાં-૯૭૨૧, વાંસદા પશ્વિમમાં-૧૦૫૪૧ અને ચીખલી રેંજમાં ૩૭૮૨ હેટકર રીઝર્વ ફોરેસ્ટનો સમાવેશ થાય છે. દક્ષિણ વન વિભાગમાં કપરાડા તાલુકામાં ૫૦ હજાર હેકટર રીઝર્વ ફોરેસ્ટ છે.


 

     

આ બધા જ વનક્ષેત્રના અધિકારી-કર્મચારીઓ સ્થાનિક ગ્રામીણોના સહયોગ થકી જંગલોના સંરક્ષણ અને સંવર્ધન સાથે લુપ્ત થતી અને દુલર્ભ વનસ્પતિઓને બચાવવા પણ આગવી કામગીરી કરી રહયા છે.

       

રાજયમાં લુપ્ત થતી વન્યસંપદાના સંવર્ધન માટે વનવિભાગનું શીલ્વા એકમ નર્મદા ખાતે કાર્યરત છે. રાજયમાં પ્રથમવાર વલસાડ જિલ્લામાં ઉત્તર વનવિભાગના અધિકારીઓએ આ પ્રકારનો સરાહનીય પ્રયાસ કર્યો છે. 

            

વૃક્ષોનું જતન અને સંવર્ધન  વન વિભાગના અધિકારીઓની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહ થી લુપ્ત થતા દુર્લભ વૃક્ષોને આ વૃક્ષો આયુર્વેદિક અને પર્યાવરણની દ્ષ્ટીએ પણ ખુબ જ મહત્વના છે. પ્રાચીન ગ્રંથોમાં વૃક્ષોનું મહાત્મય સમજાવ્યું હોવાનું સહાયક વન સંરક્ષક  ઝાલા જણાવે છે.

         

કપરાડા, ધરમપુર, વાંસદા રેન્જમાં દુલર્ભ વૃક્ષોનું સંવર્ધન  કરવા ૨૦ હજાર જેટલા છોડનો ઉછેર કરવામાં આવી રહયો છે. જેને આવતા વર્ષે રીઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વાવેતર કરવામાં આવશે.