ક્યાં રાજ્યમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે મધ્યાહન ભોજનથી વંચિત..જાણો
વિદ્યાર્થીઓ રોજના 100થી 150 ગ્રામ અનાજ અને 4.97થી 7.45 રૂપિયા કુકિંગ કોસ્ટ લેવા છેલ્લા અઢી મહિનાથી શાળાના ધક્કા ખાય છે: સરકારી પ્રાથમિક શાળામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓને પોષણક્ષમ ખોરાક મળે તે હેતુથી દેશમાં મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ છે. ગુજરાતમાં આશરે 52 લાખ વિદ્યાર્થીઓ આ યોજનામાં નોંધાયેલા છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને અનાજ વિતરણ અને કુકિંગ કોસ્ટ (રાંધવા માટેનો અન્ય ખર્ચ) ચૂકવવા રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જોકે હકિકત એવી છે કે, છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થીઓને અનાજનો એક પણ દાણો અથવા સહાયનો એક પણ રૂપિયો મળ્યો નથી. તેમજ અત્યાર સુધી જેટલી વખત અનાજ મળ્યું છે તેમાં પણ ભારોભાર અનિયમિતતા જોવા મળી છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને માર્ચ-2021 સુધીના અનાજનો જથ્થો ફાળવી દીધો છે.
મધ્યાહન ભોજન કાયદા 2015ની કલમ-9 મુજબ ધોરણ 1થી 5માં ભણતા વિદ્યાર્થીઓને રોજનું 100 ગ્રામ અને ધોરણ 6થી 8માં ભણતા વિદ્યાર્થીઓને રોજનું 150 ગ્રામ અનાજ આપવા કેન્દ્ર સરકારે નિર્દેશ કર્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 7-9-2020ના રોજ જાહેર કરેલા ઠરાવમાં 31-7-2020 સુધીના અનાજ વિતરણ અને કુકિંગ કોસ્ટની ફાળવણીનો ઓર્ડર કર્યો છે. જોકે અનાજ વિતરણ અને કુકિંગ કોસ્ટ અંગેના આ ઓર્ડરનો હજૂ અમલ થયો નથી.
કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓને રોજ રાંધેલો પૌષ્ટિક આહાર આપવાનું મુશ્કેલ હતું. વિદ્યાર્થીઓના આરોગ્ય ઉપર કોઈ અસર ન થાય અને રોગપ્રતિકારકશક્તિ જળવાઈ રહે એવા હેતુથી હોમ લર્નિંગ દરમિયાન ઘઉ અને ચોખા વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડવાનો નિર્ણય કરાયો હતો. જોકે રાજ્ય સરકાર તેમાં નિષ્ફળ સાબીત થઈ હોવાનું ધ્યાને આવ્યું છે.
અત્યાર સુધી એક જ વખત અનાજ વિતરણ
અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાના તાબા હેઠળની કુલ 728 મ્યુનિસિપલ શાળાના કુલ 2,81,325 વિદ્યાર્થીઓને 16 માર્ચથી 7 જૂન સુધી જાહેર કરાયેલા કુલ ચાર તબક્કાના અનાજ વિતરણમાંથી એક પણ વખત અનાજ મળ્યુ નહોંતું. આ વિતરણ જુલાઈ મહિનાના અંતે કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં મળેલા આરટીઆઈના જવાબ મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના એક પણ વિદ્યાર્થીને છેલ્લા ચાર મહિનાથી અનાજ વિતરણ કરાયું નથી. તેમજ અનાજ વિતરણ અંગેની કોઈ વ્યવસ્થા કરી નહોંતી.