વિશ્વમાં 1.21 કરોડ વર્ગ કિમીમાં ફેલાયેલા વેટલેન્ડસને કલાયમેટ ચેંજથી ખતરો.
જેને જોઇને મન મોહી જાય તેવા જળ પ્લાવિત (વેટલેન્ડસ) વિસ્તારો ખતરામાં છે. બાયો ડાયવર્સિટી માટે અત્યંત જરુરી ગણાતા વેટલેન્ડ પર જળવાયું પરિવર્તનની વિપરીત અસર દેખાવા લાગી છે.આ અંગેની માહિતી એડિલેડ યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં બહાર આવી છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે વેટલેન્ડસ જયારે સૂકા બની જાય ત્યારે ભૌતિક અને રાસાયણિક પરીવર્તન વેટલેન્ડના માટીના બંધારણ પર ખૂબજ વિપરિત અસર કરે છે. નવાઇની વાત તો એ છે કે માટીમાં એક વાર બદલાવ આવી જાય પછી તેને ફરી મૂળ સ્થિતિમાં લાવી શકાતી નથી.
આ શોધ સાથે જોડાયેલા લ્યૂક મોસ્લેનું માનવું છે કે વેટલેન્ડસ દુનિયાની જૈવ વિવિધતા માટે ખૂબજ જરુરી છે. કાર્બન જેવા ખતરનાક વાયુનું શોષણ થતું હોવાથી જળવાયું પરીવર્તનને અટકાવવા માટે અમૂલ્ય યોગદાન આપે છે. વેટલેન્ડ કમસેકમ આઠ મહિના સુધી આછું કે છિછરું પાણી ભરાઇ રહેતું હોય તેવા એરિયાને કહેવામાં આવે છે. પાણીના કારણે જમીન અને આસપાસનું વાતાવરણ ભેજવાળું રહે છે.
એક માહિતી મુજબ દુનિયાના ૧.૨૧ કરોડ વર્ગ કિમી ક્ષેત્રમાં વેટલેન્ડસ ફેલાયેલા છે. આ વેટલેન્ડથી ખાધ ઉત્પાદન, જળ ગુણવત્તાા અને કાર્બન શોષણ સ્વરુપે દુનિયાને ૩૭.૮ ટ્રિલિયન ડોલરનો ફાયદો થાય છે. વેટલેન્ડસ કુદરતી રીતે સુકા થાય છે અને બીજુ કે તેમાંથી પાણી કાઢી લેવામાં આવે ત્યારે પણ સૂકા બની જાય છે.
સંશોધન અનુસાર એક વાર ભીની માટીમાં ઓકસીજનની માત્રા વધી જાય ત્યારે તેના કાર્બનિક પદાર્થોનું ઓકસીકરણ પણ વધી જાય છે અને અકાર્બનિક ખનીજોમાં ઘટાડો થાય છે. વેટલેન્ડ સૂકા થાય ત્યારે તેની જમીનમાં તિરાડો પડે છે અને અમ્લતા વધી જાય છે.
આ સાથે જ મિથેનનું ઉત્સર્જન પણ વધવા લાગે છે. જો કે વેટલેન્ડમાં સૂકા થવાની અસર ટુંકી હોયતો વાંધો નથી આવતો પરંતુ જો ૧૦ કે વધુ વર્ષ સુધી ચાલે તો માટીના બંધારણ અને પાણીની ગુણવત્તા પર અસર થાય છે. જો કે માટીના પણ જુદા જુદા પ્રકાર હોય છે આથી તેની અસર પણ જુદી જુદી હોઇ શકે છે.
આ સ્થાનિક સંશોધનો પરથી જાણવા મળે છે પરંતુ દક્ષિણ અને મધ્ય અમેરિકા, આફ્રીકા,મધ્ય પૂર્વ એશિયા અને ઓશિનિયા સહિત દુનિયાના વિસ્તારોમાં ખૂબજ ઓછા સંશોધનો થયા છે. જયારે જળવાયુ પરીવર્તનના કારણે વેટલેન્ડસ સુકાવાનું પ્રમાણ ખૂબ વધી રહયું છે. આવા સંજોગોમાં વેટલેન્ડસની સુરક્ષા અને જતનની સૌની જવાબદારી વધી જાય છે. આ અંગેની માહિતી જર્નલ ઓફ સાયન્સ રિવ્યુંમાં પ્રકાશિત થઇ છે.