બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

15મી ઓગસ્ટે વિચારવા જેવી નાની બાબત...

આપણે આ વર્ષે 15મી ઓગસ્ટે 74મો સ્વાતંત્ર દિન ઉજવવા જઈ રહ્યા છીએ. કોરોના-વૈશ્વિક મહામારી ને કારણે ચોક્કસ પ્રોટોકોલને ધ્યાને રાખી સૌ આ દિવસની ઉજવણી કરવાના છીએ. પ્રશાસન પણ કેન્દ્રની ગાઇડલાઇન મુજબની ઉજવણીની બાબતો ધ્યાને લેશે. વિશ્વમાં વર્તમાનમાં જે મહામારી ચાલી રહી છે તેવી અનેક મહામારીઓ માનવે ભૂતકાળમાં ભોગવેલ છે અને હસતા મોઢે સહન કરી નવા પ્રભાત નું સ્વાગત પણ કરેલ છે. એટલે કોરોના કાલે જશે જ એવા વિશ્વાસ સાથે આપણે આ દિવસને ઉજવીએ.


દરેક સ્વતંત્ર દિવસ આપણને એ તમામ લોકોની યાદ અપાવે છે જેમણે ભારતને મુક્ત કરાવવા પોતાના પ્રાણની આહુતિ આપી હતી. જે સ્વપ્નો એ મહાપુરુષોએ જોયા હતા તેને પૂર્ણ કરવામાં આપણે કેટલા સમર્થ બન્યા છીએ, આ બાબત સ્વાતંત્ર્ય દિને આપણે વિચારવું જ જોઈએ.


સ્વતંત્રતાના આટલા વર્ષો પછી આપણે હજુ ઘણી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છીએ. આ સમસ્યાઓ માત્ર સરહદ પર જ છે એવું નથી, આંતરિક પણ છે. સરહદી પડકારોને પહોંચી વળવા આપણું સૈન્ય મક્કમ અને મજબૂત પણ છે. આંતરિક પડકારોને દૂર કરવા માટે પ્રત્યેક નાગરીકે કમર કસવી પડે તેમ છે. કોઈ મહાપુરુષે સાચું જ કહ્યું છે કે દેશને બદલવા રાજકીય ઇચ્છાશક્તિ કરતા વ્યક્તિગત ઇચ્છાશક્તિનું વધુ મહત્વ છે. પ્રત્યેક નાગરિક દેશને સર્વોચ્ચ પ્રાધાન્ય આપે તો આપોઆપ દેશમાં બદલાવ આવે.


આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણે સૌ દેશની આંતરિક સમસ્યાઓ જેવી કે અસ્પૃશ્યતા, નિરક્ષરતા, ભ્રુણહત્યા, વૃક્ષોનું છેદન, ભૌતિકવાદ તરફ નું વધુ વલણ, પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ વગેરેને દૂર કરી ફરીથી ભારતમાતાને પરમવૈભવ સુધી પહોંચાડવા કમર કસીએ એવી અભ્યર્થના.


આપણે પર્યાવરણની ખૂબ જ ચિંતા કરીએ છીએ પરંતુ આજના દિને માત્ર પાંચ સારા વૃક્ષો વાવી બાળકની જેમ જતન કરી ખૂબ લાંબુ આયુષ્ય આપીએ તો સો પુસ્તકો લખ્યા બરાબર પાંચ વૃક્ષોનું ઉછેર સમાન ગણાશે. સમાજમાં ખૂબ બુદ્ધિશાળી લોકો ખૂબ ડાહી વાતો કરે છે પરંતુ ધરા પર જઈને વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મથામણ કરનારા જૂજ લોકો જ આપણે જોઈએ છીએ. આપણે સૌ આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશને લાભદાયી કોઈપણ એક નાનામાં નાનું કાર્ય કરીએ એવી અભિલાષા.

ભારત માતાકી જય.


જીગ્નેશ સોની