બિગ બીના દેવામાં ડૂબવાની અને એમાંથી બહાર આવવાની વાત. આ શોને કારણે મને લેણદારોને પૈસા ચૂકવવામાં ખાસ્સી એવી મદદ મળી હતી.
દેવામાં ડૂબેલા અમિતાભને લેણદારો ધમકી આપતા, ગાળો આપતા, પ્રતીક્ષા બંગલો સહારા ફાઇનાન્સ પાસે ગિરવે મૂક્યો પડ્યો હતો. 'કૌન બનેગા કરોડપતિ'ની 12મી સીઝન આજે એટલે કે 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ વખતે કોરોના વાઈરસને કારણે શોમાં દર્શકો જોવા મળશે નહીં. 77 વર્ષીય અમિતાભ સહજતાથી સ્પર્ધકો સાથે શૂટિંગ કરી રહ્યા છે. શો પ્રત્યે અમિતાભના ડેડિકેશનનું એક કારણ એ પણ છે કે 20 વર્ષ પહેલાં જ્યારે તેઓ 90 કરોડ રૂપિયાના દેવામાં ડૂબેલા હતા ત્યારે આ શોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
પહેલી સીઝનના 85 એપિસોડમાંથી 15 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.બિગ બીએ એક ઈન્ટરવ્યુમાં 'કેબીસી' અંગે કહ્યું હતું, 'આ શો એ સમયે મારી પાસે આવ્યો જ્યારે મને સૌથી વધારે કામની જરૂર હતી. પ્રોફેશનલ તથા ફાઇનાન્શિયલી મને આ શો કામમાં આવ્યો હતો. આ શોને કારણે મને લેણદારોને પૈસા ચૂકવવામાં ખાસ્સીએવી મદદ મળી હતી.' રિપોર્ટ્સ પ્રમાણે, અમિતાભને પહેલી સીઝનના 85 એપિસોડ માટે 15 કરોડ રૂપિયા મળ્યા હતા.
પરિવાર તૈયાર નહોતો, બિગ બી પણ અવઢવમાં હતા
જ્યારે અમિતાભને આ શો ઓફર થયો ત્યારે પરિવાર તથા સંબંધીઓ નહોતા ઈચ્છતા કે તે નાના પડદે કામ કરે. પરિવારને લાગતું હતું કે ટીવી પર જવાથી તેમની સ્ટાર વેલ્યુ ઓછી થઈ જશે. બિગ બી પણ શરૂઆતમાં આ શો અંગે અવઢવમાં હતા.
બિગ બીને કન્વિન્સ કરવા માટે શોની ટીમ તેમને લંડન લઈ ગઈ હતી અને ત્યાંના ઓરિજિનલ (યુકે) વર્ઝન 'હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનર'ના સેટ પર એક દિવસ પસાર કરવાનું કહ્યું હતું. અમિતાભ આ શોથી ઘણા જ પ્રભાવિત થયા હતા અને પછી તેમણે હિંદી વર્ઝન માટે હા પાડી હતી. જોકે બિગ બીએ એક શરત મૂકી હતી કે હિંદી વર્ઝન યુકે વર્ઝન જેવું જ હોવું જોઈએ.
બિગ બીના દેવામાં ડૂબવાની અને એમાંથી બહાર આવવાની વાત
- 1995માં કંપની બનાવી, 1996થી નુકસાનમાં જતી હતી
- 1995માં અમિતાભે પોતાની કંપની 'અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ' (ABCL)ની શરૂઆત કરી હતી. પહેલા વર્ષે કંપનીએ 65 કરોડનું ટર્નઓવર અચીવ કર્યું હતું અને 15 કરોડનો નફો કર્યો હતો. જોકે બીજું વર્ષ સારું રહ્યું નહોતું.
- 1996માં કંપનીએ બેંગ્લુરુમાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધાના મેનેજમેન્ટની જવાબદારી ઉઠાવી હતી અને ચાર કરોડનું નુકસાન થયું હતું. પછી બિગ બી તથા તેમના પ્રોફેશનલ મેનેજર્સ વચ્ચે અણબનાવ થયો હતો. આને કારણે કંપનીએ ટોપ ટીમ બદલી હતી. કંપનીએ 'મૃત્યાદાતા' ફિલ્મ બનાવી હતી પરંતુ એ ફ્લોપ રહી અને આ રીતે ધીમે ધીમે કંપની નુકસાનમાં ચાલવા લાગી હતી.
ફંડ અટક્યું, દેવું વધ્યું અને લેણદારોએ ગાળો આપી
1999માં એવી પરિસ્થિતિ આવી ગઈ કે અમિતાભ બચ્ચન પાસે કર્મચારીઓના પગાર ચૂકવવા જેટલા રૂપિયા નહોતા. ફિલ્મ પ્રોડક્શન તથા ડિસ્ટ્રિબ્યુશનના પૈસા અટકી ગયા હતા. ધીમે ધીમે લોકોનો વિશ્વાસ કંપનીમાંથી ઊઠવા લાગ્યો હતો. લેણદારો બિગ બીના ઘરે આવીને ગાળો આપવા લાગ્યા હતા. જોકે બોમ્બે હાઈકોર્ટે પ્રતીક્ષા તથા બિગ બીના અન્ય બે ફ્લેટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ બિગ બીએ પ્રતીક્ષા બંગલાને સહારા ઈન્ડિયા ફાઈનાન્સ પાસે ગિરવે મૂક્યો હતો.
નિકટના લોકોએ અમિતાભને કંપની બંધ કરવાની સલાહ આપી હતી
અમિતાભ બચ્ચનના મતે તેમના નિકટના લોકોએ તેમને કંપની બંધ કરવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે એમ કર્યું નહોતું. તેમને લાગતું હતું કે લોકો ફક્ત તેમના નામને કારણે કંપની સાથે જોડાયેલા છે.
અનેક રાતો સુધી ઊંઘ ના આવી, પછી આ રીતે બદલાયું જીવન
એક ઈન્ટરવ્યુમાં બિગ બીએ કહ્યું હતું, 'મારા માથે હંમેશાં દેવાની તલવાર લટકતી હતી. હું અનેક રાતો ઊંઘી શક્યો નહોતો. એક દિવસ સવારે હું યશ ચોપરાજીને મળવા સીધો તેમને ઘરે ગયો હતો અને તેમને કહ્યું હતું કે હું દેવામાં ડૂબી ગયો છું. મારી પાસે ફિલ્મ નથી. મારું ઘર તથા દિલ્હીની નાનકડી પ્રોપર્ટી અટેચ્ડ છે. યશજીએ મારી વાત સાંભળી અને 'મોહબ્બતેં'માં રોલ આપ્યો. ત્યાર બાદ મને જાહેરાતો, ટીવી શો તથા ફિલ્મ મળવાની શરૂઆત થઈ હતી. આ જ કારણે હું 90 કરોડ રૂપિયાનું દેવું ચૂકવી શક્યો હતો.
'કૌન બનેગા કરોડપતિ'ના એકસ્ટ્રા ફેક્ટ્સ
પહેલા શોનું નામ 'કૌન બનેગા લખપતિ' રાખવામાં આવ્યું હતું અને પ્રાઈઝ મની એક લાખ રૂપિયા હતી. જોકે બીજા જ મહિને સ્ટાર ટીવીની પેરેન્ટ ફર્મ ન્યૂઝ કોર્પોરેશનના ચેરમેન રૂપર્ટ મર્ડોકે શોનું નામ 'કૌન બનેગા કરોડપતિ' રાખ્યું અને પ્રાઈઝ મની એક કરોડ રૂપિયા રાખવાનું નક્કી કર્યું.
પહેલી સીઝનની સફળતા બાદ અમિતાભ બચ્ચનને બીજી સીઝન માટે સાઈન કરવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન તેઓ બીમાર પડી ગયા અને શો અચાનક બંધ કરવો પડ્યો હતો. બિગ બી બીમારીને કારણે 85માંથી માત્ર 61 એપિસોડ જ શૂટ કરી શક્યા હતા.
અમિતાભે ત્રીજી સીઝનને હોસ્ટ કરવાની ના પાડી હતી. આથી આ સીઝન માટે શાહરુખ ખાનને લેવામાં આવ્યો હતો. શોની શરૂઆત સારી રહી હતી પરંતુ હોસ્ટ બદલાતાં આ શો પછીથી ફ્લોપ રહ્યો હતો. સ્ટાર પ્લસ પર 'કેબીસી'ની આ છેલ્લી સીઝન હતી.
ચોથી સીઝન સ્ટાર પ્લસને બદલે સોની ટીવી પર ટેલિકાસ્ટ થઈ હતી અને બિગ બી હોસ્ટ તરીકે પરત ફર્યા હતા. આ જ સીઝનથી દરેક સીઝન માટે ટેગલાઈન પણ શરૂ કરવામાં આવી હતી.