ભારતીય રેલવેએ 2813 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવી, 37 લાખ લોકોએ મુસાફરી કરી.
80 ટકા શ્રમિક વિશેષ ટ્રેનોના ઉત્તરપ્રદેશ અને બિહાર માટે રવાના થઇ.
ભારતીય રેલવેએ અત્યાર સુધીમા 2813થી વધુ શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવી છે અને 24.05.2020ના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં આ ટ્રેનોમાં 37 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. અંદાજે 60 ટકા ટ્રેન ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબથી રવાના થઇ છે અને મોટાભાગની ટ્રેનોના ગંતવ્ય સ્થળો ઉત્તરપ્રદેશ તેમજ બિહારમાં છે. 80 શ્રમિક વિશેષ ટ્રેનો ઉત્તરપ્રદેશ તેમજ બિહાર (ઉત્તરપ્રદેશમાં 1301 અને બિહારમાં 973)ના વિવિધ ગંતવ્ય સ્થળોએ જાય છે. ઉત્તરપ્રદેશમાં મુખત્વે લખનઉ અને ગોરખપુર ક્ષેત્રની આસપાસના ગંતવ્ય સ્થળોએ જ્યારે બિહારમાં મુખ્યત્વે પટણાની આસપાસના ગંતવ્ય સ્થળોએ આ ટ્રેનો પહોંચી છે. ગઇકાલથી રવાના થયેલી 565 ટ્રેનોમાંથી 266 ટ્રેનો બિહાર અને 172 ટ્રેનો ઉત્તરપ્રદેશ જવા રવાના થઇ હતી.
આ ગંતવ્ય સ્થળેઓ એકસાથે ટ્રેનો એકત્ર થઇ જવાથી ટ્રેનોના નેટવર્કમાં જામની સ્થિતિ સર્જાઇ હતી. વધુમાં, સ્ટેશનો પર વિવિધ આરોગ્ય તપાસ અને સામાજિક અંતરના પ્રોટોકોલના કારણે મુસાફરોના બોર્ડિંગમાં વધુ પડતો સમય લાગવાથી ટર્મિનલ પર ભીડ થઇ જેના કારણે નેટવર્ક જામ પર વધુ અસર જોવા મળી હતી.
ભીડની સ્થિતિ હળવી કરવા માટે કેટલીક ટ્રેનોને વાયા મથુરા થઇને, ઝારસુગુડા ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રૂટ સુનિયોજન આદેશ પણ આપવામાં આવ્યો છે જેથી ભારે ટ્રાફિક ધરાવતા રૂટ પર જામની સ્થિતિ ટાળી શકાય. રેલવે બોર્ડ સ્તરે, ઝોનલ રેલવે સ્તરે અને ડિવિઝનલ સ્તરે ચોવીસ કલાકના ધોરણે દેખરેખ રાખવામાં આવે છે જેથી કોઇપણ ટ્રેનને વિલંબ ના થાય તે સુનિશ્ચિત કરી શકાય. ટ્રેન પરિચાલનમાં સંકળાયેલો સ્ટાફ પણ સુગ્રાહી રહે છે જેથી શ્રમિક વિશેષ ટ્રેનો તેમના નિર્ધારિત શિડ્યૂલ અનુસાર સમયસર દોડી શકે. આ પ્રયાસોની મદદથી, જામની સ્થિતિ નોંધપાત્ર પ્રમાણમાં હળવી કરવામાં મદદ મળી છે અને ટ્રેનોની ગતિવિધીમાં પણ ધરખમ સુધારો આવ્યો છે.
પૂર્વ તરફ જતી ટ્રેનોમાં વધારો થવાથી આ તરફના નેટવર્કમાં જામની સ્થિતિ સર્જાઇ છે અને ટ્રેનોને પહોંચવામાં થોડો વિલંબ થઇ રહ્યો છે તેમજ ભોજન વિતરણના શિડ્યૂલમાં પણ થોડી અસર પડી છે. શ્રમિક વિશેષ ટ્રેનોમાં ભોજન અને પાણીનો નિયમિત પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે તેમજ મુસાફરોની અસુવિધા ઘટાડવા માટે IRCTC અને રેલવે દ્વારા તેમના તમામ સંસાધનો સક્રિય કરવામાં આવ્યા છે.