બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આંતરરાષ્ટ્રીય પક્ષીવિદ ડો. સલીમઅલીના આજના જન્મદિવસે શ્રધ્ધાસુમન.

ઉતરતા શિયાળાની એ સવાર હૂંફાળી હતી એમેય અહીં મુંબઈ દરિયાકિનારો હોઈ ઠંડી સામાન્ય કરતા ઓછી લાગતી એવા એક ઠીકઠીક વસ્તી ધરાવતા મહોલ્લામાં એક દશ વર્ષનો છોકરો એકલો પડ્યો એના ભાઈઓ બહેનો તમામ કામ પર જતાં અને કારણ કે નવ જણનું કુટુંબ હતું એમના માતાપિતા આ દુનિયા છોડી ગયા હતા જેથી આ કુટુંબ અનાથ હતું.

મામા અમીરુદ્દીન જેટલું બને એટલું કરતા પણ બનેવી મોઇઝુદ્દીનના આ બાળકો ખુદ કઇં કરી લેવા હંમેશા તત્પર રહેતાં, એ બાળકો તમામ કામ પર ગયાં અને નવ ભાઈ બહેનોનો લાડકો સૌથી નાનો ભાઈ સલીમઅલી દુબળો અને નાજુક હોઈ એને ઘર સાચવવાની જવાબદારી સોંપતા ગયા. આ સલીમઅલી એક વર્ષના હતા ત્યારે પિતા મોઇઝુદ્દીન અને ત્રણ વર્ષના થયા ત્યારે માતા ઝીંન્નતુંનીષા સ્વર્ગે સિધાવી ગયા એટલે એમણે તો સરખા જોયેલા પણ નહીં એતો ભાઈબહેનોની નિશ્રામાંજ મોટા થયેલા.

દશ વર્ષની ઉંમરે શિયાળાના હૂંફાળા તડકામાં બેઠા હતાં ત્યારે એમની નજરે એક ચકલી પડી જેને નજીકથી હાથમાં લઈને જોવાની મમતે એ ચકલીને પથ્થર માર્યો અને એ મરી ગઈ. સલીમઅલી એના રંગો જોઈ રહ્યાં પણ આતો ગળા નીચે પીળા પટ્ટા ધરાવતું બીજું કોઈ પક્ષી હતું ચકલીતો નહોતીજ એ એમના મામા અમીરુદ્દીન પાસે ગયાં અને આ પક્ષી વિશે સવાલ કર્યો પણ એય આનું નામ બતાવવા અસમર્થ હતાં એટલે એમણે ભાણેજ સલીમઅલીને એમની કામની જગ્યાની બાજુમાં "The Bombay Natural History Society" ના 'The Honererry Secretary' Mr. W.S.Millard જે અંગ્રેજ હતા અને આ બાબતે ખૂબ જાણકાર હતા ત્યાં લઈ ગયા.

Mr.Millard ને પણ આટલા નાના બાળકને પક્ષીઓ વિશે દિલચષ્પી લેતો જોઈ ખૂબ ગમ્યું એમણે એ બાળકને મ્યુઝિયમમાં દોર્યો જ્યાં Stuffed મસાલા ભરેલા પક્ષીઓની અનેક પ્રજાતિઓ સચવાયેલી હતી એ બતાવી અને છેલ્લે સલીમઅલીના હાથમાં જે પક્ષી હતું એ બતાવ્યું અને કહ્યું કે "તેં એક ખૂબ કિંમતી પક્ષી મારી નાખ્યું કે જે થોડા વર્ષોમાં ભારતીય ધરતી પર લુપ્ત થઈ જવાનું!" આ સાંભળી સલીમઅલીને આઘાત લાગ્યો અને પક્ષીઓ વિશે દિલમાં અનુકંપા જાગી અને આ રીતે એ દિવસે એક મહાન પક્ષીવિદનો ભારતીય ધરતી પર ઉદય થયો.

વારંવાર એ હિસ્ટ્રી સોસાયટીની મુલાકાતના કારણે મી.મિલાર્ડ સાથે ઘરોબો કેળવાઈ ગયો. એ બ્રિટિશર પણ આ બાળકમાં કઈંક હીર જોઈ ગયેલા તો ખૂબ જાણકારી આપતાં પોતાના મોટા ભાઈ સાથે લાકડાની એક લાટીમાં કામે જતાં બાદમાં એમની સાથે બર્મા આજનું મ્યાનમાર જવાનું થયું પણ ત્યાય કામમાં મન લાગ્યું નહીં અને પક્ષીઓ પાછળ સમય વ્યતીત થવા લાગ્યો એટલે પરત આવવું પડ્યું 

મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઝુઓલોજીની ડીગ્રી પ્રાપ્ત કરીને નજીકના સગા એવા તહેમીના બેગમ સાથે એમણે ૧૯૧૮ માં લગ્ન કર્યા. શાંત લગ્નજીવન અને ઘણા ભાઈબહેન હોવાથી જીવનનિર્વાહમાં ખાસ અગવડ નહોતી એવામાં ૧૯૨૬ માં એજ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં ગાઈડ તરીકે નોકરી મળી ગઈ પણ એમને તો પક્ષીઓ વિશે ખૂબ સંશોધન કરવું હતું એટલે ૧૯૩૦ માં એ જર્મનીમાં એ સમયના મશહૂર પક્ષીવિદ ડો.ઈરવિન સ્ટ્રાસમેનને મળવા ઉપડી ગયાં.

ત્યાંથી પાછા ભારતમાં આવ્યાં ત્યારે મ્યુઝિયમમાં પૈસાની તંગીના કારણે નોકરી છૂટી ગઈ. શહેરમાં રહેવું મોંઘું પડતા મુંબઈના નજીક કિહીમ નામના એક સુંદર ગામમાં એમણે ઘર ભાડે લીધું કે જ્યાં ખૂબ વનરાજી અને પક્ષીઓથી ભરપૂર જગ્યા હતી આમ નાનુમોટું કામ કરીને જીવન ગુજારતા હતા એવામાં એક દિવસ ૧૯૩૯માં એમની પત્ની ગુજરી ગયાં. વળી સલીમ અલી એકલા પડ્યાં. એ એકાંતે એમને એક પુસ્તક લખવા પ્રેર્યાં અને ૧૯૪૧માં "The Book of Indian Birds" પ્રસિધ્ધ થયું કે જે કોઈ ભારતીયે પક્ષીઓ પર લખેલુ પ્રથમ પુસ્તક હતું.

આ પુસ્તકે એમના જીવનની આર્થિક તંગી મિટાવી દીધી અને ખૂબ વ્યાપ વધ્યો અને દેશવિદેશોમાં આ પુસ્તક ખૂબ પ્રચલિત થયું. આ પુસ્તકે સલીમ અલીને દુનિયાના પ્રખર પક્ષીઓ પર પુસ્તકો છાપતા Dr. Dillon Ripley સાથે કરાર કરાવ્યાં જે કરાર અંતર્ગત "The Handbook Of Birds in India and Pakistan" પુસ્તક અમલમાં આવ્યું જેની આખી સિરીઝ ચાલી દશ ભાગ સુધી આ પુસ્તક ચાલતું રહ્યું અને ખાસ્સા દશ વર્ષ ૧૯૬૪/૭૪ સુધી એમને ગજ્જબ નામ અને શોહરત અપાવી ગયું.

આ દશ ભાગોમાં સલીમઅલીએ ભારત અને પાકિસ્તાનમાં ખૂબ ભ્રમણ કરીને અનેક પક્ષીઓની જાતિઓ, બોલીઓ, બ્રિડિંગ સિઝન, એમનું માઈગ્રેશન એમનો ખોરાક, એમના કુદરતી પરિવેશ, અને કયા પ્રકારનું વાતાવરણ જોઈએ કયા પ્રકારના રોગો અને એમના ઈલાજ વગેરે બાબતો પર ખૂબ સંશોધન કર્યું અને દુનિયા સમક્ષ મૂક્યું અને આ રીતે ઘણાંજ પક્ષીઓનું જીવન બચાવી લીધું.

ત્યારબાદ ૧૯૬૭ માં એમણે "Common Birds" નામનું પુસ્તક લખ્યું બાદમાં ૧૯૮૫ માં એમના જીવનમાં ઘટેલા પ્રથમ પ્રસંગને ટાંકતું "The Fall of Sparrow" પુસ્તક લખ્યું. ફક્ત પક્ષીઓ પર લખવું અને સંશોધન પૂરતું પોતાને સિમિત ના કરતાં સલીમઅલીએ કેટલાય પક્ષી અભ્યારણો બનાવ્યાં. આપણાં ગુજરાતનું મુખ્ય આકર્ષણ આપણું નળસરોવરનું પક્ષી અભયારણ્ય ડો.સલીમ અલીએ કાર્તિક સારાભાઈ સાથે મળીને સંયુક્ત રીતે શ્રીમતી ઈન્દીરા ગાંધી તત્કાલીન વડાપ્રધાન હસ્તક જાહેર કરાવ્યું એવી અમારા જૈનાબાદ સ્ટેટ શ્રી શબ્બીરમોહંમદખાનજી બાપુ કે જે ડો. સલીમઅલીના અંગત મિત્ર છે તેઓ આ જાણકારી આપે છે.

વધુ જાણકારી આપતા બાપુ જણાવે છે લવકુમાર ખાચર સાહેબ સાથે ડો. સલીમઅલી ૧૯૮૫/૮૬ માં જેનાબાદ (તા. દસાડા) આવ્યા ત્યારે મારા રિસોર્ટ "Desert Courses" માં પાંચ ગાંડા બાવળ અને એક દેશી બાવળ હતું ત્યારે એમણે એક ઉલ્લેખ કર્યો કે "શબ્બીર પક્ષીઓના ચહચહાટ વાળી સવાર જોઈતી હોય અને પક્ષીઓને આકર્ષવા હોયતો ફ્રૂટ ટ્રી વાવો! "જેવા કે પીલુ અને જેમાં નાના ફળો અને ફૂલો આવતા હોય એવા વૃક્ષો વાવશો તો પક્ષીઓને એમનો ખોરાક મળશે એટલે ત્યાં બસેરો બનાવશે!" એ પછી બાપુએ એમના રિસોર્ટમાં એવા ત્રણસો ફ્રુટ ટ્રી વાવ્યા. આપણાં કચ્છના નાના રણને અને અહીં આવતા વિદેશી પક્ષીઓને દુનિયાના ફલક પર મુકવામાં આ પક્ષીવિદ ડો. સલીમઅલીનો સિંહફાળો છે જે કોઈ કાળે વીસારી ના શકાય.

બાપુ જૂની યાદો તાજી કરતા કહે છે કે "ડો. સલીમ અલીને કચ્છના મહારાવ શ્રી મદનસિંહજીએ ખાસ આગ્રહ કરીને કચ્છમાં બોલાવીને તમામ સુવિધાઓ આપી કચ્છના રણ અને બન્ની વિસ્તારના પક્ષીઓ પર ખૂબ સંશોધન કરાવી એક ખૂબ અમૂલ્ય ગણાતું પુસ્તક છપાવ્યું જેનું નામ "The Birds Of Kutch" છે!" જેની એક અલભ્ય નકલ બાપુ પાસે મોજુદ છે અંદર બન્નીમાં ઊંટ પર બેઠેલા સલીમ અલીના ફોટાઓ પણ છે.

એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ડો.સલીમ અલીને પાંચ લાખ રુપિયા પુરસ્કાર રુપે આપ્યાં જે રૂપિયા એમણે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીને દાન કરી દીધાં અને ભારત સરકાર તરફથી ૧૯૫૮ પદ્યમ શ્રી અને ૧૯૭૬ પદ્યમ વિભૂષણ આમ બે બે એવોર્ડથી નવાજવામાં આવ્યાં. આમ મુંબઈની ગલીઓનો એ અનાથ મુસ્લિમ છોકરો આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાની જાતને ચમકાવી ગયો અને પક્ષીઓ માટે દેશ વિદેશમાં ઘણી સુવિધાઓ ઉતપન્ન કરતો ૨૦ મી જૂન ૧૯૮૭ ના રોજ પ્રોસ્ટેટ કેન્સરની બીમારીના કારણે આ ફાની દુનિયાને અલવિદા કરી ગયો.

ભારતીય સરકારે પણ આ પક્ષીવિદની કદર કરતા આજના એમના જન્મદિવસ 12 નવેમ્બરને ભારતીય પક્ષી દિવસ તરીકે જાહેર કર્યો.

સૌજન્ય- મલીક શબ્બીરમોહંમદખાનજી બાપુ જેનાબાદ સ્ટેટ.. 
લેખક- મલીક શાહનવાઝ મુ.પો.તા. દસાડા જી. સુરેન્દ્રનગર