બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આજે IPL માં હૈદ્રાબાદ સામે ચેન્નઈનો જંગ કોણ જીતશે

આઇપીએલની સફળ ટીમોમાં સ્થાન ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે સિઝનની શરૃઆત તો જીત સાથે કરી હતી, પણ ત્યાર બાદ જાણે તેઓએ સુપર કિંગ્સ તરીકેની લય ગુમાવી દીધી હોય તેમ સતત બે મેચ હારી ચૂક્યા છે. હવે આવતીકાલે દુબઈમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામમે તેમને મુકાબલો યોજાવાનો છે, ત્યારે ધોનીને ફરી વિજયની રાહ પર પાછા ફરવાની આશા છે. દુબઈમાં ભારતીય સમય પ્રમાણે સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. 


વોર્નરની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદની શરૃઆત અત્યંત નિરાશાજનક રહી હતી અને તેઓ પ્રારંભિક બંને મેચો હાર્યા હતા. જોકે દિલ્હી સામેની આખરી મેચમાં હૈદરાબાદે સિઝનની પ્રથમ જીત નોંધાવતા આત્મવિશ્વાસ મેળવ્યો હતો. બેરસ્ટો, કેપ્ટન વોર્નર અને વિલિયમસને ફોર્મ મેળવ્યું હતુ. જ્યારે ટી-૨૦ના સ્પેશિયાલીસ્ટ સ્પિનર રાશિદે મેજિકલ પર્ફોમન્સ આપતાં ૪ ઓવરમાં માત્ર ૧૪ રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી. ભુવનેશ્વર પણ ધીરે ધીરે અસરકારક દેખાવ કરી રહ્યો છે. 

હૈદરાબાદનો સનરાઈઝ થયો છે, ત્યારે સુપર કિંગ્સને તેની સામે ભારે સાવચેતી સાથે રમવું પડશે તે નક્કી છે. ધોનીની ટીમમાં અંબાતી રાયડુ અને ઓલરાઉન્ડર બ્રાવોએ ફિટનેસ સાથે પુનરાગમન કર્યું છે. જેનાથી ટીમનો જુસ્સો વધશે. આઉટ ઓફ ફોર્મ લાગતા મુરલી વિજયના સ્થાને રાયડુને ઓપનિંગમાં ઉતારી શકાય તેમ છે. 


જાધવનો દેખાવ પણ સારો રહ્યો નથી. હવે બ્રાવોને ટીમમાં સામેલ કરવામાં માટે ધોનીએ એક વિદેશી ખેલાડીને બહાર રાખવો પડી શકે છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરણે તો પ્રભાવક દેખાવ કરતાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આવી સ્થિતિમાં પિચને ધ્યાનમાં રાખીને તે વોટસન કે હેઝલવૂડને પડતો મૂકીને તેનું સ્થાન બ્રાવોને આપી શકે છે. 


ચેન્નાઈ જેવી પાવરફૂલ ટીમનો સામનો કરવા માટે હૈદરાબાદનો મુખ્ય આધાર તો વોર્નર, બેરસ્ટો અને વિલિયમસન પર રહેશે તે નક્કી લાગી રહ્યું છે. કાશ્મીરી ખેલાડી અબ્દુલ સમદે આશા જન્માવી છે, પણ પ્રિયમ ગર્મ અને અભિષેક શર્મા હજુ તેમની પ્રતિભાનો ચમકારો દેખાડી શક્યા નથી. 


આજે રમાનારી મેચમાં બંને ટીમોને બોલિંગ લાઈનઅપ લગભગ સરખી લાગી રહી છે. હૈદરાબાદની ટીમમાં રાશિદ અને ભૂવનેશ્વરની સાથે સાથે આખરી ઓવરોનો સ્પેશિયાલીસ્ટ ટીી. નટરાજન સામેલ છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની બોલિંગની જવાબદારી દીપક ચાહર, હેઝલવૂડ, કરન, જાડેજા અને ચાવલા સંભાળી રહ્યા છે. 


ચાલુ સિઝનમાં અત્યાર સુધી સુપર ઓવરમાં ખેંચાયેલી બે મેચો દુબઈમાં રમાઈ હતી. આ સિવાયની તમામ મેચોમાં પ્રથમ બેટીંગ કરનારી ટીમ વિજેતા બની છે. જેના કારણે આવતીકાલની મેચમાં ટોસ જીતનારી ટીમ બેટીંગ જ પસંદ કરશે તે નક્કી લાગી રહ્યું છે. જોકે બેંગ્લોર સામે મુંબઈએ ૨૦૨ના ટાર્ગેટ સામે ૨૦૧નો સ્કોર કરતાં મેચ ટાઈ કરી હતી, જેના કારણે અહીં જંગી પડકારનો પણ પીછો થાય તો નવાઈ નહી.


હૈદરાબાદ : વોર્નર (કેપ્ટન), બેરસ્ટો, વિલિયમસન, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, વિજય શંકર, નાબી, રાશિદ, મિચેલ માર્શ, અભિષેક શર્મા, બી.સંદીપ, સંજય યાદવ, ફાબિયન એલન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ, બિલી સ્ટાન્લેક, ટી.નટરાજન, બાસિલ થામ્પી.


ચેન્નાઈ : ધોની (કેપ્ટન), એમ. વિજય, રાયડુ, ડુ પ્લેસીસ, વોટસન, જાધવ, બ્રાવો, જાડેજા, એનગિડી, ડી.ચાહર,  ચાવલા, તાહિર, સાન્ટનર, હેઝલવૂડ, ઠાકુર, સેમ કરન, જગદીશન, કે.એમ.આસિફ, મોનુ કુમાર, આર. સાઈ કિશોર, ઋતુરાજ ગાયકવાડ અને કર્ણ શર્મા.