IPLની આજની મેચ બની રોમાંચક, આખરે સુપર ઓવરમાં મુંબઈ ઇન્ડિયનને બેંગલોરે હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ઈન્ડિયન પ્રીમિયર લીગની 10મી મેચમાં સુપર ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સે હરાવીને ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા વિરાટની ટીમ બેંગલોરે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 201 રન બનાવતા મેચ ટાઈમાં પરિણમી હતી. ત્યારબાદ સુપર ઓવરમાં મુંબઈની ટીમ માત્ર સાત રન બનાવી શકી હતી. બેંગલોરે સુપર ઓવરમાં 11 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ટૂર્નામેન્ટમાં આરસીબીની બીજી જીત છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આપેલા 202 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. મુંબઈએ 39 રન પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને પ્રથમ ઝટકો રોહિત શર્મા (8)ના રૂપમાં લાગ્યો હતો. તેને વોશિંગટન સુંદરે ઈનિંગની બીજી ઓવરમાં આઉટ કર્યો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ ખાતુ ખોલાવ્યા વિના ઉડાનાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ટીમને ત્રીજો ઝટકો ડિ કોક (14)ના રૂપમાં લાગ્યો, જેને ચહલે આઉટ કર્યો હતો. તો હાર્દિક પંડ્યા 15 રન બનાવી એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ એક તરફ વિકેટ ગુમાવી રહી હતી તો બીજી તરફ ઈશાન કિશને ઈનિંગ સંભાળી હતી. ઈશાન કિશને 39 બોલમાં 4 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. ઈશાન કિશને દમદાર બેટિંગ કરી હતી પણ તે સદી ચુકી ગયો હતો. કિશને 58 બોલમાં 9 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 99 રન બનાવ્યા હતા. તેને ઈશારુ ઉડાનાએ આઉટ કર્યો હતો.
મુશ્કેલમાં રહેલી મુંબઈ ઈન્ડિયન્સે બહાર કાઢીને ધમાકેદાર ઈનિંગ રમી હતી. પોલાર્ડે માત્ર 20 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે અડધી સદી પૂરી કરી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલોરની ટીમને એરોન ફિન્ચ અને દેવદત્ત પડિક્કલે શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 59 રન જોડ્યા હતા. બંન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી થઈ હતી. ટીમને પ્રથમ ઝટકો 9મી ઓવરમાં ફિન્ચના રૂપમાં લાગ્યો હતો. તે 35 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. ફિન્ચે આ દરમિયાન 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
આરસીબીને બીજો ઝટકો કેપ્ટન વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો હતો. કોહલી માત્ર 11 બોલમાં 3 રન બનાવી આઉટ થયો હતો. આ ત્રીજી મેચ હતી જેમાં કોહલી સસ્તામાં આઉટ થયો હતો. તો આરસીબીના ઓપનર દેવદત્ત પડિક્કલે આઈપીએલની ત્રીજી મેચમાં બીજી અડધી સદી ફટકારી હતી. તેણે 37 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની સાથે 50 રન પૂરા કર્યા હતા. તે 40 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 54 રન બનાવી આઉટ થયો હતો. બેંગલોર તરફથી ત્રીજી અડધી સદી આ મેચમાં એબી ડિવિલિયર્સે ફટકારી હતી. એબીએ માત્ર 23 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની સાથે 54 રન બનાવ્યા હતા. એબી 55 રન બનાવી અણનમ રહ્યો હતો. તો શિવમ દુબેએ માત્ર 10 બોલમાં 27 રન ફટકારી બેંગલોરનો સ્કોર 200ને પાર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મુંબઈ તરફથી ટ્રેન્ટ બોલ્ટે બે અને રાહુલ ચાહરે એક વિકેટ ઝડપી હતી.
સુપર ઓવરનો રોમાંચ
મુંબઈ- બેટ્સમેન- પોલાર્ડ, હાર્દિક પંડ્યા, બોલર- નવદીપ સૈની
પ્રથમ બોલ- 1 રન
બીજો બોલ- 1 રન
ત્રીજો બોલ- શૂન્ય રન
ચોથો બોલ- ચોગ્ગો
પાંચમો બોલ- પોલાર્ડ આઉટ
છઠ્ઠો બોલ- એક રન
સુપર ઓવર (આરસીબી)
બેટ્સમેનઃ વિરાટ કોહલી-એબી ડિવિલિયર્સ, બોલર- જસપ્રીત બુમરાહ
પ્રથમ બોલ- એક રન
બીજો બોલ- એક રન
ત્રીજો બોલ- શૂન્ય
ચોથો બોલ- ચોગ્ગો
પાંચમો બોલ- એક રન
છઠ્ઠો બોલ- ચોગ્ગો