ઈરાનના ઓઇલ પર પ્રતિબંધ હટાવવા તૈયાર થયું અમેરિકા? ભારત માટે આવી શકે મોટી રાહત
United States અને Iran વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે વૈશ્વિક બજાર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ અમેરિકા ઈરાનના ઓઇલ વેચાણ પર લાગેલા કેટલાક પ્રતિબંધોમાં અસ્થાયી રાહત આપવા માટે તૈયાર થયું છે. જો આ પ્રસ્તાવ પર અંતિમ સહમતિ બને છે, તો તેનો સૌથી મોટો ફાયદો ભારત જેવા ઓઇલ આયાત કરતા દેશોને થઈ શકે છે.
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે, બંને દેશો વચ્ચે હાલ નવા ડ્રાફ્ટ પર ચર્ચા ચાલી રહી છે. તેમાં અમેરિકાએ અંતિમ કરાર પહેલાં જ ઓઇલ સંબંધિત પ્રતિબંધોમાં થોડું શિથિલ વલણ અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલું અગાઉની નીતિથી અલગ માનવામાં આવી રહ્યું છે.
ઈરાન લાંબા સમયથી શું માંગ કરી રહ્યું હતું?
ઈરાનની મુખ્ય માંગ એ રહી છે કે તેના ઓઇલ એક્સપોર્ટ પર લાગેલા તમામ અમેરિકી પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવવામાં આવે. પ્રતિબંધોના કારણે ઈરાન છેલ્લા ઘણા વર્ષોથી વૈશ્વિક ઓઇલ માર્કેટમાં મર્યાદિત ભૂમિકા ભજવી રહ્યું છે.
તેહરાનનું કહેવું છે કે કોઈ પણ લાંબા ગાળાના કરાર માટે અમેરિકા કાયમી રીતે પ્રતિબંધો દૂર કરવાની ખાતરી આપે. ઈરાન ઇચ્છે છે કે ભવિષ્યમાં ફરી રાજકીય કારણોસર પ્રતિબંધો લાદવામાં ન આવે.
અમેરિકા શું પ્રસ્તાવ આપી રહ્યું છે?
અહેવાલો મુજબ અમેરિકા હાલ સંપૂર્ણ છૂટ નહીં પરંતુ અસ્થાયી રાહતના મોડલ પર વિચાર કરી રહ્યું છે. એટલે કે જ્યાં સુધી બંને દેશો વચ્ચે અંતિમ અને વ્યાપક કરાર ન થાય, ત્યાં સુધી ઓઇલ સંબંધિત કેટલાક પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી શકે છે.
ખાસ કરીને OFAC પ્રતિબંધોને લઈને અમેરિકાએ થોડા સમય માટે રાહત આપવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાનું કહેવાય છે. આ પગલાથી ઈરાન ફરી વૈશ્વિક બજારમાં મર્યાદિત પ્રમાણમાં ઓઇલ સપ્લાય કરી શકે તેવી શક્યતા ઉભી થઈ છે.
ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે આ નિર્ણય?
India માટે આ સમાચાર ખૂબ મહત્વના બની શકે છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટું પ્રમાણ વિદેશથી આયાત કરાતા ક્રૂડ ઓઇલથી પૂરું કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું ઓઇલ ખરીદ્યું છે.
જો ઈરાન પરના પ્રતિબંધોમાં છૂટછાટ મળે છે, તો ભારત માટે ઓઇલ સપ્લાયના વધુ વિકલ્પો ખુલશે. તેનાથી માત્ર સપ્લાય સુરક્ષા જ નહીં પરંતુ કિંમતોમાં પણ સ્થિરતા આવી શકે છે.
વિશેષજ્ઞોના મતે, ઈરાન ફરી બજારમાં સક્રિય બનશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની ઉપલબ્ધિ વધશે, જેના કારણે ભાવમાં ઘટાડો થવાની શક્યતા રહેશે.
પાકિસ્તાન મારફતે પહોંચ્યો શાંતિ પ્રસ્તાવ
અહેવાલો અનુસાર, ઈરાને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે એક નવો શાંતિ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો, જેને Pakistan મારફતે અમેરિકા સુધી પહોંચાડવામાં આવ્યો.
તાજેતરમાં ઈસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે વાટાઘાટો યોજાઈ હતી, જોકે તે સમયે કોઈ અંતિમ પરિણામ સામે આવ્યું નહોતું. તેમ છતાં ચર્ચાઓ આગળ વધતી હોવાના સંકેતો મળી રહ્યા છે.
ટ્રમ્પે હુમલો રોક્યાનો દાવો
Donald Trumpએ દાવો કર્યો છે કે અમેરિકા ઈરાન સામે સૈન્ય કાર્યવાહી માટે તૈયાર હતું, પરંતુ ઈરાન તરફથી નવી શાંતિ દરખાસ્ત આવ્યા બાદ હુમલો અટકાવવામાં આવ્યો.
ટ્રમ્પના નિવેદન મુજબ હવે બંને દેશો વચ્ચે ન્યુક્લિયર ડીલ અંગે ચર્ચા આગળ વધવાની સંભાવના વધી છે. જોકે અમેરિકાએ સેનાને એલર્ટ પર રાખી છે અને જો વાતચીત નિષ્ફળ જાય તો કડક પગલાં લેવા તૈયારી પણ દર્શાવી છે.
વૈશ્વિક બજાર પર શું પડશે અસર?
મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે છેલ્લા કેટલાક અઠવાડિયાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં અમેરિકા અને ઈરાન વચ્ચે નરમાઈના સંકેતો રોકાણકારો માટે રાહતરૂપ બની શકે છે.
જો ઈરાનનું ઓઇલ ફરી વૈશ્વિક બજારમાં આવવાનું શરૂ થશે, તો સપ્લાય વધવાથી બજારમાં સ્થિરતા આવી શકે છે. તેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ અને વૈશ્વિક અર્થતંત્ર પર પણ જોવા મળી શકે છે.