બે માસથી ગૂમ મનાતા જેક મા વિડિયો ક્લીપમાં દેખાયા, દુનિયાભરના દબાણને પગલે ગ્લોબલ ટાઇમ્સમાં અહેવાલ આવ્યો.
છેલ્લા બે માસથી રહસ્યમય રીતે ગૂમ થયેલા ચીનના ધુરંધર ઉદ્યોગપતિ જેક મા અચાનક એક વિડિયો ક્લીપમાં દેખાયા હતા. જેક મા ગૂમ થવા વિશે આખી દુનિયાએ કરેલા આડકતરા દબાણના પગલે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે જેક માનો એક વિડિયો રિલિઝ કર્યો હતો.
વિશ્વના ટોચના અબજોપતિઓમાં જેક માનો પણ સમાવેશ થાય છે. છેલ્લા થોડા સમયથી જેક મા ચીનની અમુક નીતિઓની ટીકા કરતા હતા એટલે ચીનની સરકારે તેમને ગૂમ કરી દીધા એવા અહેવાલો ઇન્ટરનેશનલ મિડિયામાં પ્રગટ થયા હતા. ચીન સામ્યવાદી દેશ છે. ચીનમાં કોઇ કહેતાં કોઇ સરકારની ટીકા કરી શકે નહીં. સરકારની ટીકા કરનારા લોકો રાતોરાત અદ્રશ્ય થઇ જાય છે.
ગ્લોબલ ટાઇમ્સે આજે બુધવારે 20 જાન્યુઆરીએ જેક માએ વિડિયો કોન્ફરન્સ દ્વારા 100 ગ્રામીણ શિક્ષકો સાથે સંવાદ સાધ્યો હતો. જેક માએ તેમને કહ્યું હતું કે કોરોના વાઇરસ ખતમ થઇ જાય ત્યારબાદ આપણે રૂબરૂ મળીશું.
ગ્લોબલ ટાઇમ્સે જેક માને અંગ્રેજી ભાષાના શિક્ષક મટીને વેપારી બનેલી દર્શાવ્યા હતા. જો કે જેક માના પરિચયમાં ગ્લોબલ ટાઇમ્સે જેક માની જગપ્રસિદ્ધ કંપની અલીબાબાનો ઉલ્લેખ કર્યો નહોતો. ચીનમાં સંખ્યાબંધ અફવાઓ ફરતી થઇ હતી કે જેક માની કંપની અલીબાબાનું સંચાલન ચીનની સરકાર પોતાના હાથમાં લઇ લેશે.
હકીકતમાં ગયા વર્ષના ઓક્ટોબરમાં જેક માએ કોઇ મુદ્દે સરકારની ટીકા કરી હતી. ત્યારબાદ એ અચાનક ગૂમ થઇ ગયા હતા. એ પોતાના ટેલેન્ટ શો ‘આફ્રિકાના બિઝનેસ હીરો’ ટીવી શોમાં ન દેખાયા ત્યારે તેમની ગેરહાજરી અંગે જાતજાતની અફવા વહેતી થઇ હતી. એ ટીવી શોમાં જેક માને બદલે અલીબાબાના એક અધિકારી સંચાલક તરીકે રજૂ થયા હતા.
આ અધિકારીએ એવો દાવો કર્યો હતો કે જેક મા પોતાના અતિ વ્યસ્ત સમયપત્રકના પગલે આ એપિસોડમાં હાજર રહી શક્યા નથી, ત્યારબાદ આ ટીવી શોમાં જેક માની તસવીર પણ દેખાતી બંધ થઇ. એ પછી જાતજાતની વાતો વહેતી થઇ હતી. અમેરિકા અને યૂરોપના મિડિયાએ જેક માની ગેરહાજરી અંગે ચીનની સરકાર પર આક્ષેપ કર્યા હતા. ગ્લોબલ ટાઇમ્સે રજૂ કરેલી વિડિયો ક્લીપ ક્યારની છે અને ક્યાંની છે એની કોઇ સ્પષ્ટતા થઇ નહોતી.