બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કાંકરિયા લેકફ્રન્ટ-પ્રાણી સંગ્રહાલય ૬ મહિના બાદ ૧ ઓક્ટોબરથી ખુલશે.

અમદાવાદીઓ માટે ફરવાના મનગમતા સ્થળ કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને ૬ મહિનાના અંતરાલ બાદ ૧ ઓક્ટોબરથી ખોલવામાં આવશે. કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે મહત્તમ ૧ હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જોકે, કાંકરિયા લેકફ્રન્ટમાં ફૂડ સ્ટોલ-મનોરંજનના અન્ય સાધનોને હાલમાં બંધ રાખવામા આવશે.

કોરોના મહામારીને પગલે ૨૫ માર્ચે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તે અગાઉથી જ કાંકરિયાને બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે 'અનલોક ૫.૦' અંતર્ગત પ્રાણી સંગ્રહાલયોને ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જેના ભાગરૃપે ૬૯ વર્ષ પુરાણું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પણ ૧ ઓક્ટોબરથી ખોલવામાં આવશે. ટોચના એક અધિકારીએ જણાવ્યું કે, '૧ ઓક્ટોબરથી સોશિયલ ડિસ્ટન્સિંગની પૂરતી તકેદારી સાથે કાંકરિયા લેકફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા અને બટર ફ્લાય પાર્કને મુલાકાતીઓ માટે ખોલવામાં આવશે. જેના માટે ગેટ નંબર ૧-૩-૪થી જ મુલારાતીઓને પ્રવેશ મળશે. કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણી સંગ્રહાલયમાં એકસાથે મહત્તમ ૧ હજાર લોકોને પ્રવેશ મળી શકશે. ૧ હજારથી વધુ સંખ્યા થશે તો એ સમય પૂરતો ગેટ બંધ કરાશે અને ત્યારબાદ તબક્કાવાર પ્રવેશ આપવામાં આવશે. બાલવાટિકા અને બટરફ્લાય પાર્કમાં પ્રમાણમાં ક્ષમતા ઓછી હોવાથી તેમાં એક સાથે મહત્તમ ૧૦૦ વ્યક્તિને પ્રવેશ મળશે. મુલાકાતીઓનો સોશિયલ ડિસ્ટન્સિંગના ધારા-ધોરણનું કેટલું પાલન કરે છે તેના આધારે ભવિષ્યમાં નિર્ણય લેવાશે. '

કાંકરિયા લેકફ્રન્ટમાં સવારે ફરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. અમદાવાદના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય કાંકરિયા સ્થિત કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં ૧૯૦૦થી વધુ પશુ-પક્ષીઓ છે અને ખાસ કરીને રવિવાર તેમજ રજાના દિવસે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટતા હોય છે. જોકે, ફૂડ કોર્ટ-બોટિંગ કે અન્ય રાઇડ્સને હજુ બંધ જ રાખવામાં આવશે.