કોરોના થાય તો 50,000 મળશે કૅશ બૅક, દુકાનદારે આપી જાહેરાત અને પછી...
માર્કેટિંગવાળા ગ્રાહકોને આકર્ષવા કોઈપણ હદ પાર કરી દે છે. ત્યારે કોરોના સંકટમાં કેરળના એક દુકાનદાર માર્કેટિંગને કારણે જ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. દુકાનદારે એક જાહેરાત આપી, જેમાં એવું કહેવામાં આવ્યું કે, જો તેની દુકાનમાંથી સામાન લેવાના 24 કલાક બાદ કોઈ કસ્ટમર કોરોના પોઝિટિવ આવે છે તો તેને જીએસટી વિના 50 હજાર રૂપિયાનું કેશબેક મળી શકે છે.
એ દુકાનદારે ઓફર પણ સીમિત સમય માટે રાખી હતી. તમને જણાવી દઈએ કે, આ શોપ ઈલેક્ટ્રોનિક્સ સામાનની છે. તેણે આ ઓફર 15થી 30 ઓગસ્ટ સુધી વેલિડ હોવાની વાત કહી હતી. જેથી આ જાહેરાત ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેના પર Binu Pulikkakkandam જે એક વકીલ છે તેની નજર પડી.
વકીલે આવી જાહેરાતનો વિરોધ કરતા સીએમને એક લેટર લખ્યો. જેમાં આવી જાહેરાતને ગેરકાયદેસર ગણાવી. તેણે કહ્યું- આવી જાહેરાતોને કારણે કોઈ કોરોના પોઝિટિવ શોપ પર પહોંચીને સ્વાસ્થ્ય વ્યવસ્થાને ખરાબ કરી શકે છે.
Pulikkakkandamએ લખ્યું-દુકાનના માલિક તેના બિઝનેસને વધારવા માટે સામાજિક જવાબદારીને ભૂલી ગયો છે. આઈપીસીની કલમ 269, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2020ની કલમ 89, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019ની કલમ 89 અને કેરળ મ્યુનિસિપલ એક્ટના આરોગ્ય ધોરણો મુજબ ગંભીર ગુનો કર્યો છે. હાલ પોલીસે રિટેલ આઉટલેટ બંધ કરી દીધું છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.