બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જીવનને સફળ બનાવનાર કાર્યને ચકાસવાના માપદંડોને જાણો.

સર્જન તોજ શક્ય છે જો તે તેના બુનિયાદી સિદ્ધાંત પર નિર્ભર હોય. આ પાયાની અતિ આવશ્યક બાબતને ગંભીરતાથી સમજવી જરૂરી છે. અન્યથા પાયા વિનાની ઈમારત જેવી સ્થિતિ સર્જાશે. એ સર્વકાલીન સિદ્ધ છે કે પાયા વિનાની ઈમારત પત્તાના મહેલની જેમ કોઈ પણ ઘડીએ પડી ભાંગે છે. તેનું આયુષ્ય ખૂબજ ટૂંકું હોય છે.


એક સનાતન સત્યને આપણે સૌ જાણીએ જ છીએ કે, આપણા સૌની માથે કોઈ ખાસ કામનું ઉત્તરદાયિત્વ છે. આપણે જીવનભર જે કામ માટે સાધના કરવાના છીએ, તે કામની સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્પષ્ટતા હોવી અનિવાર્ય છે. સ્પષ્ટતા વિના દિશા વિહોણા નાવિકની જેવી સ્થિતિ થશે.  વિશાળ સમુદ્રમાં ક્યારે ભટકી જવાશે, કે ક્યારે નાવડી ડૂબી જશે તેનો ખ્યાલ જ નહીં આવે. આથી સર્જનના મૂળ કામની પૂરતી સમજ હોવી જરૂરી છે.


જીવનધ્યેય સ્વભાવસિદ્ધ, વાસ્તવિક, માપકારક, સીમા-બદ્ધ, સાધ્ય, અસંદેહ, વિશ્વસનીય, યથાર્થ અને પ્રત્યક્ષ હોવું જોઈએ. આપનું જીવનકાર્ય આ લક્ષણોથી યુક્ત છે કે નહીં તે ચકાસણી કરવી જરૂરી છે. જીવનધ્યેયની સંપૂર્ણ સ્પષ્ટતા માટે નીચેની બાબતોને તપાસી લેવી અનિવાર્ય છે. જીવનધ્યેયને નીચેના માપદંડોથી માપી લેવું જોઈએ.

              
જીવનકાર્યને ચકાસવાના અમુક માપદંડો સમજીએ


(01) સ્વભાવસિદ્ધ 


સ્વભાવસિદ્ધ એટલે પ્રાકૃતિક, જે કુદરતના નિયમોથી યુક્ત હોય. સમસ્ત સૃષ્ટિની રચનાને અનુકૂળ હોય. જગતના નૈસર્ગિક સિદ્ધાંતોથી બંધાયેલું હોય. જેને લૌકિક પણ કહેવામાં આવે છે. આ સાંસારિક દુનિયાને લગતું હોય. તેને સ્વભાવસિદ્ધ જીવનકાર્ય કહેવાય.

      ••• સ્વાભાવિક ઉદાહરણો •••
•  હું આ જન્મમાં પચ્ચાસ હજાર વૃક્ષો વાવીશ.
•  હું એક હજાર લોકોને ખાદી પહેરતા કરીશ.
•  ભારતને ફરીથી વિશ્વગુરુ બનાવીશ.
•  નાલંદા જેવી વિદ્યાપીઠની સ્થાપના કરીશ.
•  મારા ગામને સ્વાવલંબી બનાવીશ.

    ••• અસ્વાભાવિક ઉદાહરણો •••
•  મનુષ્યનાં તમામ દુઃખોનો કાયમી નાશ કરીશ.
•  ગામમાં વાવાઝોડું/ભુકંપ નહીં આવે તેવું કરીશ.
•  અતિવૃષ્ટિ ક્યારેય ના થાય તેવી સ્થિતિ બનાવીશ.
•  દુનિયાના દરેક સર્પોને ઝેર વિહિન બનાવી દઈશ.
•  ગામમાં ''માનવ-રક્ત'' બનાવવાની ફેક્ટરી ખોલીશ.


શું આપણું જીવનકાર્ય સ્વભાવસિદ્ધ (સ્વાભાવિક) છે કે નહીં તેને બરાબર રીતે ચકાસવું જરૂરી છે.


(02) વાસ્તવિક 


જે ખરેખર બની શકે તેમ હોય, થઈ શકે તેમ હોય, જે સંભવ હોય એટલે કે તે વાસ્તવિક હોય, નહીં કે કાલ્પનિક, જે દરેક રીતે વ્યાજબી હોય. યોગ્ય કે યથાર્થ હોય, જેને વાસ્તવિકતાવાદી કહેવાય છે. આ પ્રકારનાં જીવનકાર્યોને વાસ્તવિક જીવનકાર્ય કહેવાય.

         ••• વાસ્તવિક-કાર્યોનાં ઉદાહરણો •••
•  દેશના અમૂક ગામોમાં પુસ્તકાલય બનાવીશ.
•  મારા ગામમાં એક સુંદર સરોવર બંધાવીશ.
•  મારા જિલ્લાને વ્યસનથી મુક્ત કરાવીશ.
•  મારા ગામને એક આદર્શ ગામ બનાવીશ.
•  ગુજરાતને પણ ઓર્ગેનિક રાજ્ય બનાવીશ.

       ••• અવાસ્તવિક-કાર્યોનાં ઉદાહરણો •••
•  દેશના દરેક વ્યક્તિને સરકારી નોકરી અપાવીશ.
•  દેશમાં ફરીથી રાજાશાહીની સ્થાપના કરીશ.
•  કઠોર તપશ્ચર્યા કરીને ઈશ્વરને પ્રસન્ન કરીશ.
•  લંકાની જેમ મારા ગામને સોનાથી મઢી દઈશ.
•  એક પણ વ્યક્તિનું અકાળે મૃત્યુ નહીં થવા દઉં.


                 શું આપણું જીવનકાર્ય વાસ્તવિક છે કે નહીં તેને બરાબર રીતે ચકાસવું જરૂરી છે.


(03) માપકારક 


જેને પુરવાર કરી શકાય તેવું. (Measurable) જેને માપી શકાય તેવું. માપદંડોથી માપક. પરીક્ષણ કરીને સત્ય સિદ્ધ થઈ શકે થવું. માપક પ્રક્રિયાથી તેનું માપ કાઢી શકાય તેવું. જેને સાબિત કરી શકાય તેવું. શું આપનું જીવનકાર્ય માપી શકાય તેવું સ્પષ્ટ છે? તે બરાબર ચકાસી લેવું જોઈએ.

       ••• માપી શકાય તેવાં ઉદાહરણો •••
•  મારી જ્ઞાતિના તમામ લોકોને સાક્ષર બનાવીશ.
•  ગરીબો માટે રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર ચલાવીશ.
•  દેશમાંથી દહેજપ્રથા હંમેશને માટે નાબુદ કરીશ.
•  ડૉક્ટર બનીને ગરીબોને નિઃશુલ્ક સેવા આપીશ.
•  સૈનિક બનીને દેશ માટે જીવન સમર્પણ કરીશ.

       ••• માપી ના શકાય તેવાં ઉદાહરણો •••
•  હું એક સારા સમાજની સ્થાપના કરીશ.
•  ગરીબો માટે હું ઘણું બધું કરીશ.
•  જીવનમાં સારાં સારાં કામો કરીશ.
•  જીવનમાં ખૂબજ મોટો માણસ બનીશ.
•  મારામાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે.


(04) સમયસીમા

કાર્યકાળ નક્કી હોવો જોઈએ. અમૂક કાર્યો અમૂક ચોક્કસ સમયસીમામાં પૂર્ણ કરવાં અનિવાર્ય હોય છે. કોઈ કાર્યને અંજામ સુધી પહોંચાડવા માટે દિવસો, મહિનાઓ કે વર્ષોની નક્કી સમયાવધિ હોવી જોઈએ. શું આપણું જીવનકાર્ય પણ ચોક્કસ સમયાવધિથી યુક્ત છે? કે પછી સમયસીમા વગરનું જીવન કાર્ય છે? આ બાબતને બરાબર ચકાસી લેવી જોઈએ.

     ••• નિયત સમય મર્યાદાનાં ઉદાહરણો •••
• દસ વર્ષમાં દસ નચિકેતા દેશને સમર્પિત કરીશ.
• પંદર વર્ષમાં મારા ગામને આત્મનિર્ભર બનાવીશ.
• પચ્ચાસ વર્ષમાં પાંચ હજાર પર્યાવરણ રક્ષકોનું નિર્માણ કરીશ.
•  પચ્ચીસ વર્ષ પહેલાં ગામમાં શ્રેષ્ઠ વિદ્યાપીઠની સ્થાપના કરીશ.
•  હું આવતાં વીસ વર્ષમાં મારા ગામમાં એક હજાર વૃક્ષોની માવજત કરીશ.

         ••• સમયસીમા વિનાનાં ઉદાહરણો •••
જીવનકાર્ય ક્યારે પૂર્ણ કરવું તેની ખબર નથી.
•  મારે એક ગુરુકુળ બનાવવું છે.
•  ગામને ઉપવન બનાવવું છે.
•  બાળ ઉછેર કેન્દ્રની સ્થાપના કરીશ.
•  ગાય આધારિત સજીવ ખેતીનું પ્રશિક્ષણ આપીશ.
•  અનેક પુસ્તકાલયો શરૂ કરીશ.
                  આપે જોયું હશે કે ઉપર્યુક્ત ઉદાહરણોમાં કોઈ સમયસીમા નથી. સમયસીમા એ અનિવાર્ય અંગ છે.


(05) સાધ્ય


સાધ્ય એટલે જેને સાધી શકાય તેવું. મેળવી શકાય તેવું. જે પામી શકાય તેવું. એટલે કે જેને પ્રાપ્ત કરવું સંભવ હોય તેવું. જે પામી શકાય તેવું હોવું જોઈએ.

               ••• અસાધ્ય ઉદાહરણો •••
•  ગામના દરેક યુવાનને ડોક્ટર બનાવીશ.
•  ગામમાં ક્યાંય દુષ્કાળ નહીં પડવાં દઉં.
•  ફરીથી સમુદ્ર મંથન કરી દિવ્ય રત્નો મેળવીશ.
•  મહાન તપશ્ચર્યા કરી અમર બનીશ.
•  ગામમાં હિમાલય જેવો પર્વત બનાવીશ.

             ••• સાધ્ય ઉદાહરણો •••
•  સૂર્ય પ્રકાશથી વિજળી ઉત્પન્ન કરી ગામને સ્વનિર્ભર બનાવીશ.
•  ગામના વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ઊભી કરીશ.
•  મારા રાજ્યને ઓર્ગેનિક રાજ્ય બનાવીશ.
•  ગામને વ્યસન-મુક્ત બનાવીશ.
•  શ્રેષ્ઠ જડીબુટ્ટીઓ ઉપલબ્ધ કરાવીશ.

           ઉપર્યુક્ત મૂળભૂત સિદ્ધાંતને સમજી વિચારીને, આપણે પણ આપણા જીવનકાર્યને અનેક માપદંડોથી ચકાસીએ અને આ જીવનમાં ચોક્કસ મંજિલ સુધી પહોંચીએ.


ડૉ. અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ