ક્રિતી સેનોન 'રહના હૈ તેરે દિલ મેં'ની સિકવલમાં લીડ રોલમાં જોવા મળશે.
સાલ ૨૦૦૧માં રિલીઝ થયેલી ફિલ્મ રહના હૈ તેરે દિલ મેં દર્શકોને પસંદ પડી હતી. જેમાં આર. માધવન, દિયા મિર્જા અને સૈફ અલી ખાને મુખ્યભૂમિકાઓ ભજવી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઇ નહોતી. હવે આ ફિલ્મની સિકવલ બનાવાની તૈયારી થઇ રહી છે.
રહના હૈ તેરે દિલમે ફિલ્મને વાસુ ભગનાનીએ બનાવી હતી. હવે આ સિકવલની તૈયારી વાસુ ભગનાનીનો પુત્ર જેકી ભગનાની કરી રહ્યો છે.
ફિલ્મની નજીકના સૂત્રે જણાવ્યું હતુ કે, જેકી ભગનાની ફિલ્મ રહના હૈ તેરે દિલ મેંને ફરીથી બનાવા ઇચ્છે છે. જેમાં તે મૂળ ફિલ્મના જ કલાકારો આર. માધવન, દિયા મિર્ઝા અને સૈફ અલી ખાનને લેવા માંગતો હતો. શરૂઆતના પ્લાનના અનુસાર તે આ ફિલ્મને ૨૦ વરસ પછીની વાર્તા આગળ વધારી સિકવલ બનાવા માંગે છે.
જેકી છેલ્લા એક વરસથી આ ફિલ્મની કાસ્ટિંગ માટે પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તેના માટે માધવન, દિયા અને સૈફને એક સાથે લાવવાનું શક્ય બની ન રહ્યું હોવાથી તેણે આ ત્રણેય કલાકારોને લેવાની ઇચ્છા પડતી મુકી દીધી છે. હવે તે ફિલ્મની સિકવલને નવી વાર્તા અને નવા કલાકાર સાથે બનાવા પ્રયાસ કરી રહ્યો છે.
સૂત્રે વધુમા જણાવ્યું હતુ કે, ફિલ્મની કાસ્ટિંગની શરૂઆત થઇ ચુકી છે અને ક્રિતી સેનોનને લીડ રોલ માટે ફાઇનલ કરી લેવામાં આવી છે. આ વખતે પણ આ ફિલ્મની વાર્તા એક યુવતી અન બે યુવકની આસપાસ ફરતી હશે.જોકે આ ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મમેકર સૈફ, દિયા અને માધવનનો સંપર્ક જરૂર કરશે.