બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ: ધનોલ ખાતે ૧૦.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત ફ્રોઝન સિમેન સેન્ટરનું મંત્રી કુવંરજી બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...

પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના ધનોલ ખાતે પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડ, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી જેઠાભાઇ ભરવાડ અને સુશ્રી સુમનબેન ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારની રૂ. ૧૦.૮૨ કરોડની સહાયથી પંચમહાલ દૂધ ઉત્પાદક સંઘ હેઠળ નિર્માણ પામેલ ફ્રોઝન સિમેન સેન્ટરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પાણીપુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહનિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના કરેલ નિર્ધાર મુજબ રાજ્ય સરકાર પણ ખેડૂતોની આવક વધારવા આયોજનબદ્ધ પગલા ભરી રહી છે. પશુપાલનની પ્રવૃત્તિ ખેડૂતોની આવકનો અગત્યનો સ્ત્રોત હોવાથી દૂધ ઉત્પાદનમાં વધારો થાય તેમ જ પશુપાલન વધુ વળતર આપતી પ્રવૃત્તિ બને તે માટે રાજ્ય સરકાર સતત નક્કર નિર્ણયો લઈ રહી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.


ધનોલ ખાતેના આ ફ્રોઝન સિમેન સેન્ટરની સ્થાપના મધ્ય-પૂર્વ વિસ્તારના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં દુધાળા પશુઓના વૈજ્ઞાનિક પધ્ધતિથી થતા સંવર્ધનને નવો વેગ આપનારી બની રહેશે. ૫૦ સાંઢ - પાડાની ક્ષમતા ધરાવતા આ કેન્દ્રમાં વર્ષે ૧૦ લાખ જેટલા સિમેન ડોઝનું ઉત્પાદન થશે જેથી જિલ્લાની વર્ષે ૦૬ લાખ સીમેન ડોઝની જરૂરિયાત તો સંતોષાશે જ પરંતુ બાકીના ૪ લાખ ડોઝ અન્ય જિલ્લાઓને પણ આપી શકશે.


આ કેન્દ્ર જિલ્લામાં પશુઓના આનુવંશિક સુધારણા લાવી દૂધ ઉત્પાદનમાં વધારો કરનારું અને એ રીતે સ્થાનિક ખેડૂતો- પશુપાલકોને આર્થિક રીતે ઉપર લાવનાર મહત્વનું પરિબળ સાબિત થશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતો- પશુપાલકોના જીવન અને આજીવિકામાં પશુઓના મહત્વને સમજતી સંવેદનશીલ સરકારે પશુઓની ઘેરબેઠા સારવાર પૂરી પાડવા ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના અંતર્ગત ૨૪૪ આવા પશુ દવાખાના કાર્યરત કર્યા છે, જે દેશમાં એકમાત્ર કહી શકાય તેવી પહેલ છે. કોરોના કટોકટીના કારણે લોકડાઉનના કપરા સમય  દરમિયાન પણ મૂંગા જીવોની દરકાર કરતા સરકારેપાંજરાપોળના પશુઓના ઘાસચારાના ખર્ચ પેટે ૬૧ કરોડની ચુકવણી કરી છે તેમ શ્રી બાવળિયાએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ રાજ્ય સરકારના દૂરંદેશીભર્યા પગલાઓના પરિણામે રાજ્યે દૂધ ઉત્પાદન ક્ષેત્રે કરેલી પ્રગતિનો ચિતાર પણ આપ્યો હતો.


ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેનશ્રી જેઠાભાઈ ભરવાડે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ફ્રોઝન સીમેન સેન્ટરની શરૂઆત વિસ્તારના પશુઓની ગુણવત્તામાં આમૂલ પરિવર્તન લાવનારી બની રહેશે. સંવર્ધનને પરિણામે સારી ઓલાદના પશુઓ મળતા પશુપાલકો માટે પશુપાલન વધુ લાભદાયક આર્થિક પ્રવૃત્તિ બની રહેશે તેમ ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતુ.  રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડે પોતાના સંબોધનમાં મધ્ય-પૂર્વ ગુજરાતના જિલ્લાઓના વિકાસ માટે સરકારે કરેલી કામગીરી રજૂ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સરકાર આ વિસ્તારના ખેડૂતો-પશુપાલકો માટે સતત ચિંતિત અને કાર્યરત રહી છે અને આ નવીન કેન્દ્રની સ્થાપના તેનો પુરાવો છે. તેમણે પશુપાલકોને ફ્રોઝન સીમેન સેન્ટર સહિતની નવીન તકનીકોનો મહત્તમ લાભ લઈ પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા અને આર્થિક વિકાસ હાંસલ કરવા અપીલ કરી હતી. સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે પણ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીશ્રીઓએ ઉપસ્થિત મહાનુભાવો સાથે બુલશેડ અને ફ્રોઝન સિમેન લેબની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ, કાર્યક્ષમતા સહિતની બાબતો અંગે જાણકારી મેળવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પશુ સંવર્ધનની અદ્યતન ટેકનોલોજી આધારિત સેક્સ્ડ સીમેન ડોઝના ઉપયોગને પ્રોત્સાહન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદિત ડોઝના ઉપયોગથી ૯૦ ટકા વાછરડીઓ અને પાડીઓનો જન્મ થાય છે.  ગોધરા, ધનોલ ખાતેના આ કેન્દ્ર કાર્યરત થવા સાથે રાજ્યભરમાં આવા કુલ ૬ કેન્દ્રો થયા છે. સુરત અને રાજકોટ ખાતે બીજા બે ફ્રોઝન સીમેન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.


આ પ્રસંગે પશુપાલન વિભાગના  સચિવશ્રી નલિન ઉપાધ્યાય, પશુપાલન નિયામક સુશ્રી ફાલ્ગુની ઠાકર, જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, પંચામૃત ડેરીના મેનેજિંગ ડાયરેક્ટરશ્રી મિતેષ મહેતા સહિતના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ કોવિડ સંક્રમણને ધ્યાનમાં લઈને મર્યાદિત સંખ્યામાં હાજરી અને બચાવના પગલાના પાલન સાથે સંપન્ન થયો હતો.