હેપ્પી બર્થ ડે ટુ યુ લતાજી...આજે તેઓ 91 વર્ષના થયા
છેલ્લાં સિત્તેર બોતેર વર્ષથી કરોડો સંગીત રસિકોને પોતાના સદાબહાર ફિલ્મ ગીતોથી ડોલાવનારી સ્વર કિન્નરી લતા મંગેશકરનો આજે જન્મદિવસ છે. હેપ્પી બર્થ ડે ટુ યુ લતાજી...
મરાઠી રંગભૂમિના બેતાજ બાદશાહ કહેવાય એવા અભિનેતા ગાયક પંડિત દીનાનાથ મંગેશકરની પુત્રી લતા પિતાનું સંગીત સાંભળી સાંભળીને ગાતી થઇ હતી. એકવાર પિતા કોઇ કામસર બહાર ગયા હતા અને એમનો શાગીર્દ રિયાઝ કરવામાં ભૂલ કરી રહ્યો હતો એ સાંભળીને લતાએ એની ભૂલ સુધારી ત્યારે પુત્રીમાં રહેલી જન્મજાત પ્રતિભાને દીનાનાથ ઓળખી ગયા હતા. એમણે તરત પુત્રીને સંગીત શીખવવા માંડ્યું હતું.
જો કે લતાજી માત્ર નવ દસ વર્ષના હતાં ત્યારે દીનાનાથનું અવસાન થતાં પરિવારની જવાબદારી લતાજી પર આવી પડી હતી. શરૂઆત તેમણે ફિલ્મમાં અભિનયથી કરી હતી. પહિલી મંગલાગૌર નામની ફિલ્મમાં તેમણે અભિનય કર્યો હતો. જો કે એ માત્ર સંજોગવશાત્ કરેલો અભિનય હતો. તેમને અભિનયમાં રસ નહોતો. લતાજીને ગાયક થવું હતું. પંડિત દીનાનાથ જ્યોતિષ વિદ્યાના પણ પ્રખર પંડિત હતા. તેમણે આગાહી કરી હતી કે લતા અગાઉ કદી ન થઇ હોય એવી અજોડ ગાયિકા બનશે.
1940ના દાયકામાં સંગીતકાર ગુલામ હૈદર લતાને લઇને ફિલ્મ સર્જક શસધર મુખરજીએ પાસે ગયા ત્યારે મુખરજીએ લતાનો અવાજ તીણો છે એમ કહીને એને નકારી કાઢી હતી. જો કે ગુલામ હૈદરે એવી આગાહી કરી હતી કે લતા અગાઉની તમામ ગાયિકાને ભૂલાવી દેશે. ખરેખર એવું જ થયું. કમાલ અમરોહીની ફિલ્મ મહલના સંગીતકાર ખેમચંદ પ્રકાશે સ્વરબદ્ધ કરેલા ગીત આયેગા આનેવાલાથી લતાનો સિતારો એવો ચમક્યો કે રાતોરાત એ ટોચની ગાયિકા થઇ ગઇ. એક સમય એવો આવ્યો હતો કે લતાજી રોજ ચાર પાંચ ગીતોના રેકોર્ડિંગ કરતાં હતાં.
લતાજીએ અનેક યાદગાર ગીતો ગાયાં છે. ત્રણ પેઢીની અભિનેત્રીઓ માટે તેમણે પોતાનો કંઠ આપ્યો હતો. તેમણે ગાયેલા કવિ પ્રદીપજી લિખિત ગીત અય મેરે વતન કે લોગોંએ દેશના વડા પ્રધાન પંડિત જવાહર લાલ નહેરુને રડાવ્યા હતા.. લતાજીએ દેશની વીસેક ભાષામાં હજારો ગીતો ગાયાં હતાં. જો કે તેમના નામ સાથે અનેક વિવાદો પણ સંકળાયેલા રહ્યા. શંકર જયકિસને શારદાને ફિલ્મ સૂરજમાં તક આપી એટલે લતાજીએ આ બંને સાથે નહીં ગાવાની ધમકી આપી, મુબારક બેગમની કારકિર્દીને ઊગતી જ અટકાવી, ઓ પી નય્યરને પહેલાજ ગીતના રેકોર્ડિંગમાં રઝળાવ્યા, ગીતોની રૉયલ્ટના મુદ્દે મતભેદ થતાં મુહમ્મદ રફી સાથે ગાવાનું બંધ કર્યું વગેરે અનેક વિવાદો એમની સાથે સંકળાયેલા રહ્યા