ઉત્તરપ્રદેશના દેવગઢમાં આવેલ 1500 વર્ષ જૂના ભગવાન વિષ્ણુના મંદિર વિશે જાણો
આ મંદિરમાં સુંદર કોતરણી દ્વારા ભગવાનના દશ અવતારોની વાર્તા જણાવવામાં આવી છ ઉત્તરપ્રદેશમાં ઝાંસી પાસે દેવગઢમાં બેતવા નદીના કિનારે એક વિષ્ણુ મંદિર છે. જે ભારતના જૂના મંદિરોમાંથી એક છે. અહીં ભગવાન વિષ્ણુના અવતારોના ચિત્રો બનાવવામાં આવ્યાં છે એટલે તેને દશાવતાર મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર લગભગ 1500 વર્ષ જૂનું છે. એવું માનવામાં આવે છે કે, આ ગુપ્ત શાસનકાળમાં બનાવવામાં આવ્યું હતું. જોકે, આ મંદિર હવે જર્જિત સ્થિતિમાં છે. અહીં થયેલાં ખોદકામ દરમિયાન મંદિરના ચારેય ખૂણામાં નાના-નાના ચોરસ દેવાલયોના અસ્તિત્વની પણ જાણકારી મળી છે. જેથી કહેવામાં આવી શકે છે કે, આ મંદિર ઉત્તર ભારતમાં પંચાયતન શૈલીની શરૂઆતનું ઉદાહરણ છે.
વર્ષ 500 ઈ. માં બનેલાં આ મંદિરમાં દસ અવતારોની વાર્તા હતીઃ
પથ્થર અને ચિનાઈવાળી ઈંટથી બનેલું આ મંદિર વર્ષ 500 ઈ.નું છે. આ મંદિરમાં સુંદર કોતરણી દ્વારા ભગવાનવિષ્ણુના દસ અવતારોની વાર્તા જણાવવામાં આવી છે. એટલે તેને દશાવતાર મદિર પણ કહેવામાં આવે છે. તે કાળમાં આ મંદિર કેટલું ખાસ રહ્યું હશે તેનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે, ગુપ્ત કાળમાં દેવગઢ એવી જગ્યાએ બન્યું હતું જે રસ્તો સાંચી, ઉજ્જૈન, ઝાંસી, ઇલાહબાદ, પટના અને બનારસને જોડતો હતો. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી આ મંદિર ઉજ્જડ થઇ ગયું, પરંતુ વર્ષ 1875માં સર એલેક્ઝેન્ડર કનિંધમને અહીં ગુપ્તકાળના અભિલેખ મળ્યાં હતાં. તે સમયે મંદિરનું કોઇ નામ જાણી શકાયું નહોતું. એટલે કનિંધમે તેનું નામ ગુપ્ત મંદિર રાખી દીધું હતું.
કોતરણીમાં નર-નારાયણ સાથે મહાભારત સુધીની વાર્તા જણાવવામાં આવી છેઃ
અહીંના ખોદકામમાં ભગવાન કૃષ્ણ, શ્રીરામ, નરસિંહ અને વામન સ્વરૂપમાં ભગવાન વિષ્ણુના અવતારોની મૂર્તિઓ મળી. મંદિરની અંદર અને બહાર મૂર્તિઓ રાખવામાં આવી છે જે ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી વાર્તા જણાવે છે. જેમ કે હાથિનો મોક્ષ, નર અને નારાયણનું પ્રાયશ્ચિત, રામ, લક્ષ્મણ અને સીતાનો વનવાસ, લક્ષ્મણ દ્વારા સૂર્પણખાનું નાક કાપવું, અશોક વાટિકામાં સીતાને ધમકાવતો રાવણ, તેની સાથે જ મહાભારત સાથે જોડાયેલી કૃષ્ણ જન્મ, કૃષ્ણ અને કંસની લડાઈ અને પાંચ પાંડવોની મૂર્તિઓ પણ બની છે.