ભગવાન રામને લેવી પડી હતી આ બે પક્ષીભ્રાતાઓની મદદ, જાણો કોણ હતા જટાયુ અને સંપાતી.
રામાયણનાં લગભગ બધાજ પાત્રોથી આપ સૌ પરિચિત હશો, આમતો રામાયણમાં બધા જ પાત્રોએ પોતાના સ્થાને ખૂબજ અગત્યની ભૂમિકાઓ નિભાવી છે, અને તે તમામ પાત્રો સાથે રસપ્રદ રહસ્યમય અને રોચક કથાઓ વિવિધ ગ્રંથોમાં ટંકાયેલી છે. આજે એવાજ બે મહાપાત્રોની વાત આપણે આ લેખમાં કરીશું.
નમસ્કાર વાચક મિત્રો હું છું જ્યેષ્ઠિકા, અને આજે જાણી શું રામાયણનાં એવા બે ભાઈઓ વીશે જે પ્રભુ શ્રી રામને ખુબજ મદદરૂપ થયા હતા, જેમાના એકે તો માતા સીતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. તો આવો જાણીએ કોણ હતા જટાયુ અને તેમના ભાઈ સંપાતી.
ગીદ્ધરાજ જટાયુ અને તેમના ભાઈ સંપાતી
મિત્રો જટાયુ અને સંપાતી આ બંને ભાઈ ગરુડના વંશજ હતા. પરંતુ તે કોઈ સાધારણ પક્ષી નહોતા, આ બંન્ને પક્ષીરાજો અનેક દિવ્ય શક્તિઓ ધારક હતા.
આ બન્ને વિશાળકાય ગીધ પક્ષીરાજો જટાયુ અને સંપાતીનું રામાયણમાં ખુબ મહત્વનું સ્થાન આંકવામાં આવ્યું છે.
અરુણ પુત્ર હતા જટાયુ અને સંપાતી.
મિત્રો પૌરાણિક કાળમાં કશ્યપ પ્રજાપતિ વિનતાના બે પુત્ર હતા- ગરુડ અને અરુણ. ગરુડજી વિષ્ણુ પાસે ગયા અને અરુણ સૂર્યદેવના સારથિ બની ગયા.
અને આપણા આ લેખનાં દિવ્ય મહાનાયકો સંપાતી અને જટાયુ આ અરુણનાજ બે પુત્ર હતા. આ બંને ભાઈ ઋષિ નિશાચરની સેવા કરતા હતા. અને અસુરોથી ઋષીનાં પવિત્ર યજ્ઞોની રક્ષા કરતા હતા.
જટાયુ અને સંપાતીને હતું પોતાના બાહુબળ પર અભિમાન
આ બન્ને પક્ષીરાજો ખૂબજ બાહુબળીયા અને અનેક દિવ્યશક્તિઓનાં જાણકાર હતા, તેમણે અનેક શક્તિશાળી અસુરોને પોતાના તિક્ષ્ણ પંજા અને વિશાળકાય પાંખોથી ધુળ ચાટતા કરી દીધા હતા, મોટા મોટા માયાવી અસુરો પણ આ બન્ને પક્ષી ભાઈટથી દુર રહેવામાં પોતાની ભલાઈ સમજતા હતા. તે વિસ્તારમાં આ બે ભાઈઓની શક્તિને લલકારી શકે એવા કોઈ વિર જાણેકે બચ્યાજ નહોતા. પણ કહેવાય છેને કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તી તેનો અંત આણે છે, એ પછી તમારી સ્વયંનું ભુજાબળજ કેમ ન હોય, જણાયું અને સાંપાતી સાથે પણ કંઈક આવુંજ થયું, એક દિવસ બંને ભાઈઓને પોતાની શક્તિઓ ઉપર અભિમાન આવી ગયું. તેઓ પોતાના અણનમ યુદ્ધ વિજયોના ઘમંડમાં ચુર થઈ ગયા, અને અભિમાનનાં રથમાં સવાર થઈ આ બન્ને ભાઈઓએ ભગવાન સૂર્યને જ યુદ્ધ માટે પડકાર્યા.
પોતાની પાંખો અને બળના શક્તિ પ્રદર્શન કરવા માટે બન્ને ભાઈઓએ સુર્ય તરફ ઉડાન ભરી. પણ સુર્યદેવને કોઈ એમ થોડા આંબી શકે?
આખરે અભિમાને છીનવી બન્ને ભાઈઓની શક્તિઓ
આ બન્ને ભાઈઓ આકાશમાં સુર્યદેવ તરફ જેટલા આગળ વધતા ગયા તેટલો જ ભગવાન સુર્યનો તાપ વધતો ગયો, આ બન્ને ભાઈઓને અસહ્ય ગરમી અનુભવવા લાગી, પરંતુ હજુ તેમને શક્તિનું અભિમાન ઓછું નહોતું થયું. અને અંતે એજ થયું જેની સૌને ભીતી હતી, ભગવાન સૂર્યના અસહનીય તાપને કારણે જટાયુની પાંખો બળી ગઈ, આ જોઈ સંપાતીએ તેમને પોતાની પાંખ નીચે લઈ લીધા. પરંતુ આમ કરવાથી સંપાતીની પાંખો પણ બળી ગઈ અને તે મૂર્છિત થઈને સમુદ્રના કિનારે પડ્યા. જ્યારે જટાયુ બેભાન થઈને વિંધ્યાચલ પર્વતમાળા પર પડ્યા. અને ક્યારેય વિખુટા ન પડેલા આ બન્ને ભાઈઓ છુટા પડી ગયા, બળી ગયેલી પાંખો અને અગણીત ઘાવોનાં કારણે ઉડીને એક બીજા પાસે જવું પણ હવે શક્ય નહોતું, પોતાની શક્તિઓ અને પાંખો ખોયા બાદ બંન્ને ભાઈઓને પોતાની ભુલ સમજાઈ, પણ હવે પસ્તાવો વ્યર્થ હતો.
રાવણ સાથે જટાયુનું ભિષણ યુદ્ધ
વર્ષો બાદ જ્યારે અસુરરાજ રાવણ સીતા માતાનું હરણ કરીને લઈ જઈ રહ્યો હતો ત્યારે સીતાજીનાં કલ્પાંતને સાંભળીને જટાયુ સક્રિય થઈ ગયા, એક અબળા સ્ત્રીને નિ:સહાય કલ્પાત કરતી તેમનાથી જોવાયું નહી, અને જટાયુએ પોતાની બચેલી તમામ શક્તિઓ ભેગી કરી અને પુષ્પક તરફ ઉડાન ભરીને રાવણને રોકવાની કોશિશ કરી. જટાયુએ પોતાના પંજા અને તિક્ષ્ણ ચાંચથી રાવણને ખુબ ઈજાઓ પહોંચાડી, પરંતુ ઘાયલ અને વૃદ્ધ જટાયુમાં હવે પહેલા જેટલી શક્તિઓ રહી નહોતી, અંતે રાવણે મોકો મળતાજ પોતાની તલવારથી જટાયુની પાંખો કાપી નાંખી. જટાયુ આકાશમાથી ધરતી પર પછડાયા અને પોતાનાં મરણશૈયા પર આવી ગયા, અંતે રાવણ સીતા માતાનું હરણ કરવામાં સફળ થયો.
રામે જટાયુને પિતાસ્થાને રાખી કર્યા અંતિમ સંસ્કાર
હવે જટાયુ કશુંજ કરવા સક્ષમ નહોતા, તેમની પાસે માત્ર એકજ રસ્તો હતો કે જ્યારે પ્રભુ રામ આવે ત્યારે તેમને સમગ્ર ઘટનાથી અવગત કરાવવા. અંતે જ્યારે ભગવાન શ્રીરામ ભાઈ લક્ષમણ સાથે માતા સીતાને શોધતા શોધતા જટાયુ ને મળ્યા, ત્યારે તેમણે રાવણ સીતાનું હરણ કરીને કેવી રીતે લઈ ગયો, કેવી રીતે પોતે માતા સીતાને બચાવવાની કોશીશ કરી તે બધી જ વાત ભગવાન શ્રી રામને કરી. જટાયુએ સમગ્ર ઘટનાક્રમ ભગવાનને કહી સંભળાવ્યો અને પ્રભુ રામનાં ખોળામાં માથું રાખી ઢળી પડ્યાં, ભગવાનનાં ખોળામાંજ જટાયુંને મોક્ષ મળી ગયો. જટાયુના મૃત્યુથી ભગવાન ખુબજ દુ:ખી થયા અને પુર્ણ માન સન્માનથી એક પુત્ર જેમ પોતાના પિતાનો અંતિમ સંસ્કાર કરે તેમ ભગવાને જટાયુનાં દેહને પોતાના હાથે મુખાગ્ની આપ્યો.
સંપાતી અને વાનરસેનાની મુલાકાત
વાનરસેનાને સીતા માતા વિષે ખબર સંપાતી પાસેથી મળી હતી. જ્યારે જામવંત,સુગ્રીવ,હનુમાનજી, અંગદ,નિલ,નલ, વગેરે વાનર સેના સહિત સીતા માતાની ભાળ મેળવવા સમુદ્ર કિનારે પહોંચ્યાં ત્યારે તેમને વિશાળકાય પાંખ વિનાનું પંખી જોવા મળ્યું. તે વાનરસેના પર આક્રમણ કરવા જ જતુ હતું ત્યાં જામવંત તેમને ઓળખી ગયા, જામવંતે સંપાતીને ભગવાન રામના દુઃખ વિષે જણાવ્યું અને ભાઈ જટાયુના રાવણ સાથેના યુદ્ધ અને વિરગતીનો શોક સંદેશ આપ્યો. પોતાનાં વ્હાલા ભાઈના મૃત્યુ વિષે જાણીને સંપાતીને ખૂબ દુઃખી થયા.
સંપાતીએ આપી હતી માતા સીતાની ભાળ.
સંપાતીની દુરદ્રષ્ટી ખુબજ તેજ હતી, તેઓ પોતાના સ્થાને રહી દિવ્યદ્રષ્ટીથી ખૂબ દુરના સ્થાનોને જોઈ શકતા. અંગદે વિનંતી કરતા તેમણે પોતાની દૂરદૃષ્ટિથી લંકા ની અશોક વાટીકામાં માતા સીતાની સ્થિતિ વીશે જણાવ્યું, અને કહ્યું કે સીતા માતા અશોકવાટિકામાં કેદીની જેમ દુઃખી બેઠા છે. સંપાતીએજ વાનરસેનાને લંકા જઈ આક્રમણ કરવા પ્રેરણા આપી. રામાયણ પ્રમાણે માતા સીતાને શોધવામાં જટાયુ અને સંપાતીની ભૂમિકા ખુબજ મહત્વની છે.
જે સ્થળે જટાયુની રાવણ સાથે લડાઇ થઇ હતી, ત્યાં 100 કરોડના ખર્ચે બન્યો પાર્ક
કેરળ કોલ્લમ: કેરળના કોલ્લમ જિલ્લાના ચદયામંગલમ ગામે જટાયુની સૌથી મોટી પ્રતિમા બનાવાઇ છે. આ સ્થળને ‘જટાયુ નેચર પાર્ક’ નામ અપાયું છે. 17 ઓગસ્ટ 2018 થી આ પાર્કને સામાન્ય લોકો માટે ખુલ્લો મુકાયો છે. પાર્ક 65 એકરમાં ફેલાયેલો છે.આ પાર્કને બનવામાં 7 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. જેમા ફેઝ 1 નું કામ 5 ડિસેમ્બર 2017માં પુરું થયું અને ફેઝ 2નું કામ 17 ઓગસ્ટ 2018માં પૂર્ણ થયું.
આ પાર્કનું મુખ્ય આકર્ષણ જટાયુની પ્રતિમા છે, જે 200 ફૂટ લાંબી, 150 ફૂટ પહોળી અને 70 ફૂટ ઊંચી છે.આ પાર્ક 15 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. તે સમુદ્રથી 1000 ફૂટની ઊંચાઇએ છે. જટાયુની આ પ્રતિમાને ફિલ્મ નિર્દેશક રાજીવ અંચલે ડિઝાઇન કરી છે. તેના નિર્માણમાં અંદાજે 100 કરોડનો ખર્ચ થયો છે.
તો મિત્રો આ હતી કથા રામાયણનાં બે અમર પાત્રો જટાયુ અને સંપાતીની, આશા કરું છું કે આજનો આ લેખ આપના માટે રસપ્રદ અને માહિતી સભર રહ્યો હશે. ફરી મળીશું આવાજ કોઈ ધાર્મિક ઐતિહાસિક અને રોચક કથા સાથે,
ત્યા સુધી મારી કલમથી આપ સૌને જય શ્રી રામ