ઊલ્ટા ચશ્મામાં ભિડેનું પાત્ર ભજવનારા મંદાર ચંદવાદકર કોરોના પોઝિટિવ.
ટેલિવિઝન શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માની મુશ્કેલીઓ વધી રહી છે. મયૂર વકાની ઉર્ફે સુંદરલાલ પછી સિરીયલમાં મુખ્ય પાત્ર ભજવનાર ભિડે એટલે કે મંદાર ચંદવાદકર પણ કોરોનાગ્રસ્ત થયા છે. મંદાર હોમ ક્વોરન્ટીન છે. શોના એક પછી એક કલાકાર કોરોના પોઝિટિવ આવવાથી શો મુશ્કેલીમાં આવી ગયો છે.
એક રિપોર્ટના અનુસાર શોના નિર્માતા આસિત મોદી ચિંતામાં પડી ગયા છે. ભીડેનું પાત્ર શોમાં મહત્વનું છે. એટલું જ નહીં મંદારની ઓન સ્ક્રીન પત્ની સોનાલિકા જોશી અને પુત્રી પલક સિધવાની પણ તેમની સાથે જ શૂટિંગ કરી રહ્યા હોવાથી તેમના પર સંક્રમણનું જોખમ વધી ગયું છે.
સૂત્રોના અનુસાર મંદારને છેલ્લા એક અઠવાડિયાથી શરદી-ઉધરસના લક્ષણ હતા. જે દિવસે દિવસે વધી રહ્યા હતા. આ પછી તેમને ડોકટરનો સંપર્ક કરીને મેડિકલ પરિક્ષણ કરાવ્યું હતું. જેમાં કોરોના પોઝિટવ જોવા મળ્યો હતો. આ પછી મંદાર હોમ ક્વોરન્ટાઇન થઇ ગયા છે.
મંદારે પોતે પણ સોશિયલ મીડિયા પર કોરોનાગ્રસ્ત થયા હોવાનું જણાવ્યું છે. તેમણે શેર કર્યું છે કે, શરદીના લક્ષણો મારામાં ઓછા થઇ ગયા હતા. પરંતુ હુ પૂજામાં બેઠો હતો ત્યારે મેં અચાનક જ અનુભવ્યું કે મને કપૂરની સુગંધ આવતી નહોતી. તેથી મને જાણ થઇ કે મારી સૂંધવાની શક્તિ ઓછી થઇ ગઇ છે.
તેથી મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. સૌથી પહેલા મેં મારી ટીમને આની જાણ કરી હતી. હવે હું સંપૂર્ણ સ્વસ્થ થયા પછી જ હું ફરી પાછો સેટ પર જઇશ.