બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સર ટી. હોસ્પિટલ ખાતે ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં આરોગ્ય મંત્રીશ્રી મનસુખ માંડવિયા

પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલ સહિતના મહાનુભાવો વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિતિ રહ્યાં


કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાઃ-

દેશના નાગરિકોની સેવાના સંકલ્પ સાથે નયા ભારતનું નિર્માણ કરવું છે 

દેશ હવે એક નવા વિઝન સાથે આગળ વધી રહ્યો છે

સર ટી. હોસ્પિટલમાં ઓક્સિજનથી સગવડ વધવાથી ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને વધુ સારી સારવાર આપી શકાશે – શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે 

મ્યુકરમાઇકોસીસની સારવાર માટેના નવાં સાધનો સાથેના વોર્ડનો શુભારંભ કરાવતાં શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે 

કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. 

આ લોકાર્પણ કાર્યક્રમમાં પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી શ્રીપદ યેસ્સો નાઇક, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ રાજ્યમંત્રીશ્રી શાન્તનુ ઠાકુર પણ વર્ચ્યુઅલ રીતે જોડાયાં હતાં

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું કે, કોરોનાએ આપણને ઓક્સિજનની જરૂરિયાત સમજાવી છે. આથી કોરોનાનો ત્રીજો વેવ આવે તે પહેલાં દેશની ૨૨૦૦ હોસ્પિટલોમાં સી.એસ.આર. ની મદદથી ઓક્સિજન પ્લાન્ટ બની રહ્યાં છે. આજે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટની સી.એસ.આર. એક્ટીવિટીમાંથી આ ઓક્સિજન પ્લાન્ટ નિર્મિત કરવામાં આવ્યો છે. 

તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ માત્ર એક જ અઠવાડિયાના ટૂંકાગાળામાં ચાલું કરી દેવામાં આવ્યો છે. દેશ બદલાઇ રહ્યો છે અને આપણે અગાઉથી જ તેની જરૂરિયાત પારખીને તેનું અમલીકરણ શરૂ કરી દઇએ છીએ જેથી જે- તે સમસ્યાની મારક ક્ષમતાને ઘટાડી શકાય. 
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, કોરોનાના ત્રીજા વેવમાં બાળકોને વધુ અસર થઇ શકે છે. તો તેની જરૂરિયાતને પારખીને હોસ્પિટલોમાં અત્યારથી જ ૨૦ ટકા બેડ બાળકોની સુવિધા આપી શકાય તે રીતે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. 

કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, દેશની જનતાના સહકારથી દેશ આગળ વધતો હોય છે. જો દેશનો નાગરિક એક ડગલું ચાલે તો પણ આપણે ૧.૨૦ કરોડ ડગલાં આગળ ચાલીશું. દેશના લોકોની સેવા દ્વારા નયા ભારતના નિર્માણની સંકલ્પબધ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.

ભાવનગરને પણ વિકસીત કરવું છે. ભાવનગરમાં નવી- નવી સુવિધાઓ ઉભી કરી દૂનિયાના નકશામાં ભાવનગરનું નામ અંકિત થાય તે માટેના પ્રયત્નોની રૂપરેખા પણ તેમણે આ તબક્કે આપી હતી. 

તેમણે કહ્યું કે, અમદાવાદ થી કેવડિયા સી- પ્લેન, ઘોઘા- દહેજ રો- રો ફેરી, ઘોઘા- હજીરા રો- પેક્ષ ફેરી જેવાં પ્રકલ્પો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આપણે ખૂબ ટૂંકાગાળામાં શરૂ કરી શક્યા છીએ તે આપણી પ્રતિબધ્ધતા છે.  

શ્રી માંડવિયાએ કહ્યું કે, દિનદયાળ પોર્ટ, કંડલા દ્વારા  આ પ્રકારના બે કચ્છ જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ બાદનો આ ત્રીજો પ્લાન્ટ ભાવનગરને આપવાં માટે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.
 
 સર ટી. હોસ્પિટલમાં ભાવનગર ઉપરાંત અમરેલી અને બોટાદના દર્દીઓ પણ આવે છે ત્યારે કોરોના સિવાય પણ ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય છે. આ પ્લાન્ટથી આગામી ૨૦ વર્ષ સુધીની ઓક્સિજનની વ્યવસ્થા ઉભી થઇ છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

 આ ઓક્સિજન પ્લાન્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા તથા તેને આનુષાંગિક મંજૂરીઓ એક મહિનામાં જ મેળવી માત્ર એક જ અઠવાડિયામાં તો તેને શરૂ કરી દેવામાં આવ્યો છે તે બતાવે છે કે, દેશ બદલ રહા હૈ.. ભારત દેશ હવે એક નવા વિઝન સાથે આગળ વધી રહ્યો છે. 

શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, શ્રી મનસુખભાઇ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી બન્યાં બાદનો તેમનો પહેલો જાહેર કાર્યક્રમ ભાવનગર ખાતે કર્યો છે તે ભાવનગર માટેની તેઓની લાગણી અને સંવેદનાને દર્શાવે છે. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ બાદ હવે શ્રી મનસુખભાઇના રૂપમાં હવે આપણને સક્ષમ નેતૃત્વ મળ્યું છે ત્યારે ભાવનગરનો વિકાસ ચોક્કસ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે એક મહિના પહેલાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવાં માટે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇએ સૂચન કર્યું હતું અને તેમના સૂચનના માત્ર એક મહિનામાં તો આ પ્લાન્ટ કાર્યાન્વિત થઇ ગયો છે તેમની કાર્યશૈલીની પ્રતિતી કરાવે છે. 

તેમણે કહ્યું કે, શ્રી મનસુખભાઇએ સર ટી. હોસ્પિટલમાં મ્યૂકરમાઇકોસીસની સ્થિતિ જોઇને મહિના પહેલાં યોજાયેલી મીટિંગમાં તેમની સંસદસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી તુરંત જ રૂા. ૭૫ લાખની ફાળવણી કરી હતી અને આ સાધનો મૂકાઇ ગયાં છે અને તેના દ્વારા લોકોની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. 

તેમણે આ અવસરે મ્યુકરમાઇકોસીસની સારવાર માટેના નવાં સાધનો સાથેના વોર્ડનો શુભારંભ પણ કરાવ્યો હતો.
કોરોનાના સંક્રમણને અટકાવવાં માટે કેન્દ્ર અને રાજ્યની સરકારો લાગેલી છે. જેના કારણે જ બંન્ને વેવમાં આપણને બહુ નુકશાન થયું નથી. આજે કોરોનાના કેસનો આંકડો ધીમે- ધીમે નીચે આવી રહ્યો છે તે આરોગ્ય વિભાગની સક્રિય કામગીરીને કારણે તથા રાજ્ય સરકારની સાધનો તથા માળખાકીય વિકાસની સજ્જતાને કારણે શક્ય બન્યું છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

આ ઓક્સિજન પ્લાન્ટ દ્વારા પ્રતિ દિવસ ૨૮,૮૦,૦૦૦ લીટર ઓક્સિજન ઉપલબ્ધ બનશે. જેથી સર ટી. હોસ્પિટલની મોટાભાગની ઓક્સિજનની સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે અને લોકોને પણ કોરોના જેવાં કેસમાં વધુ સઘનતાથી સારવાર આપી શકાશે. 

ભાવનગરના સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે કહ્યું કે, ઓક્સિજનને પ્રાણવાયુ કહેવાય છે કારણ કે તેનાથી જીવન સંભવે છે. કોરોનાકાળમાં આપણને તેનું મહત્વ સમજાયું છે. કોરોના કાળે આપણને ઘણું બધું નવું શીખવાડ્યું છે. 

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, પહેલાં આપણે ત્યાં માસ્ક, વેન્ટીલેટર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે વિદેશ પર આધાર રાખવો પડતો હતો. આજે આપણો દેશ અન્ય દેશોને તે પહોંચાડે છે. તેટલું પરિવર્તન આવ્યું છે. 

તેમણે કહ્યું કે, વિશ્વ આરોગ્ય સંગઠને પણ ભારતના કોરોના સામે હેલ્થ સાથે ઇકોનોમિકલ ઇશ્યુ તરીકે લડવાના સાર્વત્રિક પ્રયત્નોની નોંધ લીધી છે. 

 અવસરે પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી શ્રીપદ યેસ્સો નાઇક, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ રાજ્યમંત્રીશ્રી શાન્તનુ ઠાકુર, ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધરિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતાં.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી કેશુભાઇ નાકરાણી, શ્રી આર.સી. મકવાણા, શ્રી ભીખાભાઇ બારૈયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.