બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હું અને મુંબઈ સમાચાર : ગિરીશ ત્રિવેદી

આમ તો મુંબઈ સમાચાર અખબાર સાથેનો મારો નાતો ખૂબ જુનો એટલે કે  (હું ૬/ ૭ વર્ષનો હતો ) ૧૯૪૬ –૪૭ થી ગણાય કેમકે મારા પિતાજી  ન્યાયાધીશ હતા અને જુના ભાવનગર રાજ્યના મહુવા બોટાદ ગઢડા વ. ગામોમાં અને આઝાદી પછી  જામનગર માંગરોળ  વેરાવળ   જુનાગઢ વ.સ્થળે બદલી થતી તે સમયે અમારા ઘરે મુંબઈ સમાચાર મંગાવતા (જોકે ત્યારે બીજા-ત્રીજે દિવસે આવતું )અને ત્યારથી એટલે કે નાનપણથી જ આ ગુજરાતી અખબાર હું વાંચતો થયો હતો.ગુજરાતી વાંચનની મારી ટેવ મુંબઈ સમાચારથી જ શરૂ થઈ હતી. તે સમયે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે પહેલું ગુજરાતી અને એશિયામાં શરૂ થયેલા ચોથા એવા આ અખબાર ' શ્રી મુમ્બઈના સમાચાર ' એટલે કે આજના આપણા મુંબઈ સમાચાર જેવા અખબારના સંચાલનમાં હું પણ કયારેક ચાવીરૂપ બનીશ.

   ગુજરાતી પત્રકારત્વ અને અખબારના ઈતિહાસમાં જેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયું છે એવા અખબારના નિવાસી તંત્રી તરીકે મને મારા પત્રકારત્વ જીવનના દશ વર્ષનો સુવર્ણકાળ પણ જોવા મળ્યો હતો.હા, એ પહેલા એટલે કે ૧૯૬રથી મારી પત્ની જય મુંબઈ સમાચાર માટે ભાવનગરથી સૌરાષ્ટ્રનું રીપોર્ટીંગ કરતી તે પણ એક જોગાનું જોગ ગણાય.    

   જ્યારે  હું તંત્રી હતો ત્યારે મુંબઈ સમાચારની પ્રતિષ્ઠા મેં  જાતે અનુભવી છે.  બીજા અખબારોમાં ભલે  બે ચાર કોલમમાં સમાચાર પ્રગટ થયા હોય પણ જો મુંબઈ સમાચારમાં એને સ્થાન ન મળ્યું હોય તો એજન્સી કે પાર્ટી વિનંતી કરતી કે માત્ર દસ લીટી પણ આ સમાચાર લ્યો, કારણકે મુંબઇ સમાચારમાં  આવે તો જ એ  સમાચાર સાચા ગણાતા. વાચકોની વિશ્વસનિયતાનું એ માપદંડ આનાથી વિશેષ શું હોય શકે?

   માત્ર ચકચાર જગાવવા કોઈ સમાચારને મહત્વ આપવું એવી નીતિ કયારેય આ અખબારે રાખી નહોતી અને એનો પ્રત્યક્ષ અનુભવ મને મારા દસ વર્ષના કાર્યકાળમાં સુપેરે થયો હતો.

   મુંબઈ સમાચાર માટે જેટલું મહત્વ સમાચારોનું હતું એટલું જ ચર્ચા પત્રોનું પણ હતું.એક રીતે એ વાચકોની નાડ પારખવાનું બેરોમિટર હતું. સમાચારો ઉપરાંત વિવિધ સમાજની પ્રવૃત્તિનો પણ પ્રચાર થાય, વાચકમત પણ પ્રગટ થાય અને સારા લેખકોના લેખો પણ લોકો સુધી પહોંચે એવો ઉમદા અભિગમ મુંબઈ સમાચારના સંચાલકોનો શરૂથી જ રહયો છે

   મારા કાર્યકાળ દરમિયાન જ મુંબઈ સમાચારના ૧૭પ વર્ષ પુરા થતાં હતા.એની ભવ્ય ઉજવણી થાય એવી ઈચ્છા બાળા સાહેબ ઠાકરેજીએ અમારા એમ ડી  નોશી કામા શેઠ પાસે વ્યકત કરી હતી. બાલા સાહેબ  માટે મુંબઈ સમાચાર ખૂબ વહાલું અને મોટું અખબાર હતું પણ મુંબઈ સમાચારના માલિકો એવું માનતા કે બાળકનો જન્મદિવસ તો ઘરમાં જ ઉજવાય એનો જાહેર સમારંભ ન રખાય.એટલે એવી ઉજવણી મુંબઈમાં તો થઈ નહોતી , પરંતુ નાસિકના ગુજરાતી સમાજે  તો પોતાની રીતે  આ ઉજવણી કરી જ.

  મુંબઈ સમાચારના તંત્રી તરીકે મને અને સ્ટાફના વરીષ્ઠ પત્રકારોને નિમંત્રણ આપ્યું તે માલિકોએ  સ્વીકાર્યું.  આ પ્રસંગ મારા માટે યાદગાર હતો.
 
    મુંબઈ સમાચારના માલિકો નોશી શેઠ , રુષી શેઠ, મંચી શેઠ , હોરમસજી અને મહેલી શેઠ હંમેશા પ્રસિધ્ધિથી દૂર રહેવાનું પસંદ કરતા એટલે જયારે બીબીસી વાળા મુંબઈ સમાચારના ૧૭પ વર્ષ પૂર્ણ થયા એ વિશે એમની મુલાકાત લેવા આવ્યા ત્યારે એમણે કહીં દીધું કે અમારા તંત્રી  સાથે વાત કરી લો એજ બધું કહેશે  અને બીબીસીએ અને અન્ય મિડીયાને મેં ઇન્ટરવ્યુ આપ્યા હતાં.

   મુંબઈ સમાચારના મેનેજમેન્ટ વિશે જાતજાતની વાતો થતી રહેતી પણ એની માલિકો પર કોઈ અસર થતી નહોતી. પહેલા તો મુંબઈ સમાચારમાંથી કોઈને પણ વયમર્યાદાને કારણે નિવૃત્ત કરાતા નહોતા.નેવું વરસના પણ ફરજ પર આવતા મેં જોયાછે. જો કોઈ કર્મચારી નોકરી દરમિયાન મૃત્યુ પામે તો એના સંતાનને નોકરીએ રાખતા ઘણાં પરીવારોની ત્રણ ત્રણ પેઢીઓએ આ અખબારમાં કામ કર્યું હોવાના દાખલા છે.

   અદ્યતન મશીનરી અને સારા કાગળ અને શાહીના આગ્રહને કારણે અખબારનું કલેવર હંમેશા લોકોને આકર્ષનારૂં રહેતું.હું વર્ષ ૧૯૯૦માં મુંબઈ સમાચાર સાથે તંત્રી તરીકે જોડાયો અને વર્ષ ર૦૦૦ સુધી રહયો એ દરમિયાન અખબારના હિત માટે મેં એમાં જુદા જુદા વિભાગો શરૂ કર્યા,રીપોર્ટીંગ માટે સ્ટાફ વધાર્યો હતો, ઈન્વેસ્ટીગેટીવ સ્ટોરીઓનો આગ્રહ રાખ્યો હતો કેમકે મુંબઈના ગુજરાતીઓ માટે મુંબઈ સમાચારનું ખૂબ મહત્વ હતું.એની જાણ તો ત્યારે થઈ કે ઘણાં  લોકો વ્યાપારીઓ વિદેશ જતા તો પણ પોતાનું છાપુ બંધ કરાવવાને બદલે ચાલુ રખાવતા અને પાછા ફર્યા પછી પણ એ વાંચતા.કેટલાક ઘર એવા હતા કે એક જ ઘરમાં ત્રણ ચાર નકલો જતી હતી.

   મારા સમયમાં મેં સમાજના તમામ વર્ગોને આવરી લેનારા વિભાગો શરૂ કરાવ્યા હતા જેમાં જૈનોના પર્યુષણ પર્વ હોય કે પારસી કે  દાઉદી વોરા સમાજના સમાચારો હોય ટુંકમા દરેક ધર્મ વર્ગ સમાજને  યોગ્ય સ્થાન આપવાની કાળજી રખાતી . આ બધા માટે મને પુરેપુરી સ્વતંત્રતા હતી. માલિકોનો  ક્યારેય કોઇજ હસ્તક્ષેપ નહોતો. 

   આ જ રીતે લોકોનો પણ ખુબ સહકાર અને પ્રેમ મળતો,ઘણીવાર તો મને દિવસમાં ૧૫ થી ૨૦ ફોન છાપામાં છપાયેલા સમાચારો -લેખો વિશે આવતા.એ ઉપરાંત પત્રોથી પણ લોકોના પ્રતિભાવો જાણવા મળતા.

   મેં સૌરભ શાહ અને કુલદિપ નાયરની નિયમિત કોલમ  તેમજ કાર્ટુન વગેરે  વિવિધ કોલમ શરૂ કરાવી હતી.અખબારમાં પોઝીટીવ ન્યુઝને પણ પુરતું સ્થાન આપવાનો મારો પ્રયાસ રહેતો અને એ બાબતમાં માલિકો કદી ચંચુપાત કરતા નહોતા.એક તંત્રી તરીકેની સંપૂર્ણ સ્વતંત્રતા મને આપી હતી જે બીજે મળવી મુશ્કેલ હોય છે. આમ તો મળતી નથી.

   મારા સમયમાં મેં ગુજરાતના સમાચારો માટે “ ગુજરાતના  વર્તમાન” ના બે પેજ શરૂ કરાવેલ જે ખૂબ જ લોકપ્રિય બન્યા  હતા એને માટે મેં અમદાવાદ વડોદરામા અલગથી પત્રકારો-સ્ટાફ રાખ્યો હતો તેની પાછળ પુષ્કળ ખર્ચ થતો હતો પરંતુ અખબારના વિકાસ માટે બધું સહર્ષ સ્વીકારવામાં આવતું હતું. 

મારી તંત્રી -પત્રકાર તરીકેની કારકીર્દીમાં મેં મુંબઈ સમાચાર જેવું મેનેજમેન્ટ અને ઉદાર માલિકો જોયા નથી.સ્ટાફને તમામ લાભો મળે એનું માલિકો ખાસ ધ્યાન રાખતા.વર્ષમાં બે બોનસ  તો મળતા  જ પણ કયારેક કોઈ વિશેષ અવસર હોય ત્યારે વર્ષમાં ત્રણ બોનસ પણ મળતા.એ ઉપરાંત દિવાળી સમયે તમામ સ્ટાફને ખાંડ,ઘી,રવો,બેસન,તેલ બાસમતી ચોખા અને ડ્રાયફટના પેકેટો સાથેનું “ સીધુ ”  જેમાં તહેવારોને લગતી ચીજોની  મોટી કીટ તમામને અપાતી.એની પાછળનું લોજિક એવું હતું કે તંત્રી વિભાગથી લઇ મશીન વિભાગ કે અન્ય વિભાગના કર્મચારીને  તહેવાર નિમિત્તે  બોનસ રોકડ બોણી આપવામાં આવે છે  એ રકમ ઘર સુધી કદાચ ન પણ પહોંચે પણ તહેવારની ઉજવણી માટેની જરૂરી ચીજો આપવામાં આવે તો એ જરૂર દરેક ઘર સુધી પહોંચે.   

   એ રીતે જ સમય પાલનની શિસ્ત માટેનો માલિકોનો અને મેનેજમેન્ટનો આગ્રહ પણ રહેતો.તમારી ડયુટીનો સમય શરૂ થાય ત્યારે કોઈપણ હિસાબે તમારે પહોંચી જ જવાનું એમાં ટ્રેન મોડી થઈ કે બસ ચૂકી ગયા જેવા બહાના ન ચાલે અને ડયુટીનો સમય પુરો થાય એટલે ઓફિસ છોડી જવાની તમને કોઈ રોકશે નહીં અને રોકે તો પણ તમે જવા માટે મુકત હશો એવી ખાતરી મેનેજમેન્ટ આપતી.તમને મળવા પાત્ર બધા લાભો આપોઆપ તમને મળી જ જાય.એને માટે તમારે  કયારેય કોઈ વધારાનો પ્રયાસ કરવો નહીં પડે એવી ખાતરી રહેતી.આ કારણસર જ સ્ટાફ પુરા દિલથી કામ કરે અને એનો ફાયદો બધાને જ થાય.મેનેજમેન્ટ સરળ રહે એને માટે દરેક કર્મચારીને તાકીદ કરાતી કે તમારી કોઈ પણ સમસ્યા હોય તમારે સીધા મારી એટલે તંત્રી  કે મેનેજમેન્ટ સાથે જ વાતચીત કરવી. જરૂર જણાય તો જ માલિકોનો સંપર્ક કરવો પણ અંદરોઅંદર ચર્ચાઓ કરી વાતાવરણ બગાડવું નહીં. આ વાત અત્યારના સંજોગોમાં વર્કપ્લેસ એટમોસ્ફિયરને લગતી છે.જેનો ખ્યાલ માલિકો અને મેનેજમેન્ટને હતો એ એમની દૂરંદેશી દર્શાવે છે.

    મુંબઈ સમાચારની શાખ એવી કે એની ડાક એડીશન નિકળતી જેમ શરૂમાં કહયું તેમ કદાચ બીજા ત્રીજા દિવસે દેશના છેવાડાના વિસ્તારમાં પહોંચતી અને માત્ર ગુજરાત જ નહીં પરંતુ  ગુજરાતી જ્યાં રહેતા હોય એવા દુરના રાજયોમાં પણ ડાક એડીશન જતી.મુંબઈ સમાચારની પૂર્તિ પણ વાચકોની પસંદને ધ્યાનમાં રાખીને તૈયાર કરાતી અને એની લોકપ્રિયતા પણ એવી જ રહેતી.મુંબઈ સમાચારે ગુજરાતી પત્રકારત્વના ઘડતરમાં તો અનન્ય ફાળો આપ્યો જ છે પણ બહોળા વાચક વર્ગને પણ ઘડયો છે.જે આજે પણ તેમની સાથે છે. ઈલેકટ્રોનિક મિડીયા અને સોશિયલ મિડીયાના આગમન પછી પણ ર૦૦ વર્ષનું આ અખબાર અડિખમ ઉભું છે એ ગુજરાતી પત્રકારત્વ અને અખબારો માટેનું અનોખું  સીમાચિહ્ન છે.

   પત્રકાર તરીકે અને તંત્રી  કે પ્રકાશક તરીકે મેં ઘણાં સાહસો કર્યા છે. જે સફળ પણ થયાછે  પરંતું મારા જીવનનો સાચો સુવર્ણકાળ હું મારા મુંબઈ સમાચાર સાથેના કાર્યકાળને જ ગણું છું.મારી જાતને ભાગ્યવાન સમજું છું કે આવી સંસ્થા સાથે રહીને મને ઘણું શીખવા મળ્યું જે કદાચ વિશ્વની કોઈ યુનિવર્સિટીમાં જઈને પણ શીખવા ન મળ્યું હોત.