મહેસાણા SPએ અધિકારીઓને લેશન આપ્યું: કોરોનામાં ટ્યુશન કલાસ ચલાવતા શિક્ષકોને પોલીસ સ્ટેશનની હવા ખવડાવો...
ખાનગી રીતે ક્લાસીસમાં કે પોતાના ઘરે ટ્યુશન ચલાવતા સરકારી અને ખાનગી શિક્ષકોને શોધવાનું કામ પોલીસ કરી રહી છે. ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈને સરકાર ચિંતિત છે. ત્યારે ટ્યુશન સંચાલક-શિક્ષકો હાલ કોરોનામાં સરકારની મનાઈ હોવા છતાં ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યા છે. તેવી ફરિયાદ ઉઠતા પોલીસ સતર્ક બની છે. મહેસાણા પોલીસે તો કાર્યવાહી આદરી દીધી છે.
આ અંગે મહેસાણા જિલ્લા પોલીસ વડાએ એક પરિપત્ર જારી કરી આવા ટ્યુશન સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવા આદેશ ફરમાવ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો કહેર વધ્યો છે. ત્યારે સરકાર દ્વારા હાલના સંજોગોમાં ટ્યુશન ક્લાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ એક જગ્યાએ ભેગા થાય તો કોરોના ફેલાવાનો ભય રહેલો છે. આથી મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે અગમચેતી રૂપે પગલાં ભર્યા છે. મહેસાણામાં વધતા કોરોના કેસને કાબૂમાં લેવા તજવીજ હાથ ધરાઈ છે.
એસપી દ્વારા રાજ્ય સરકારની ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કરતા ટ્યુશન સંચાલકો સામે પગલાં ભરવા સંબંધિત પોલીસ અધિકારીઓને લેખિત પરિપત્ર કરવામાં આવ્યો છે. સરકારી પ્રતિબંધનું ચુસ્તપણે પાલન થાય તે માટે મહેસાણા જિલ્લાએ નોંધપાત્ર કામગીરી આદરી છે.
આમ પણ મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે ડો. પાર્થરાજસિંહએ ચાર્જ સંભાળતા જ મહેસાણા જિલ્લામાં ગેરકાયદે ચાલતી પ્રવૃતિઓ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.