બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મેદોવૃધ્ધિ - આયુર્વેદ અને સમાધાન.

વજન વધવું કે મેદોવૃધ્ધિ હોવી એ ખૂબ કોમન સમસ્યા બની ગઇ છે. અને આ મેદોવૃધ્ધિ શરીરમાં અનેક સમસ્યાઓ સર્જવાની સાથે શરીરની સુંદરતાને પણ ખત્મ કરી દે છે. સ્ત્રી હોય કે પુરુષ પરંતુ શરીરમાં જરૂર કરતાં ચરબી વધારે પ્રમાણમાં હોય તો તે ઘણું જ નુકશાન કરી જાય છે. શરીરમાં ચરબી વધી જાય તો શરીર બેડોળ બની જાય છે. વળી, હરવા-ફરવા અને કામ કરવામાં ખૂબ તકલીફ વધી જાય છે.

સાંધાનો દુઃખાવો, શ્વાસ ચઢવો, બેસવા-ઊઠવામાં મુશ્કેલી, વગેરે અનેક ફરિયાદો શરૂ થઇ જાય છે. વળી, હરવા-ફરવા અને કામ કરવામાં ખૂબ તકલીફ વધી જાય છે. જ્યારે પણ શરીરનું વજન વધી જાય ત્યારે ગભરાઇ જઇ એકદમ ખોરાક ઘટાડી વજન ઘટાડવા જતાં શરીર એકદમ અશક્ત બની જાય છે. માટે આમ ન કરતાં વ્યવસ્થિત સારવાર અને ખોરાકનું આયોજન કરવાથી સ્થુળતા અવશ્ય ઘટે છે.

વધારે પડતી ચરબીથી જુદા-જુદા રોગો મિત્રોની જેમ વધતાં જાય છે. જુવાનીમાં જ મેદસ્વી મનુષ્યો વૃધ્ધ જેવા દેખાવા લાગે છે. તેમની ઉંમર હોય તે કરતાં વધારે લાગે છે. યુવાની જાળવવા માટે શરીરરૂપી યંત્રની થોડી સંભાળ રાખવી અનિવાર્ય છે. તેમાં પણ શરીરનાં કોઇ પણ ભાગમાં ચરબી જમા થતી દેખાય તો, તે માટે તુરંત જ તેને ઓગાળવાનાં ઉપાય આરંભી દેવા જોઇએ.

ઉલટું ઉંમર વધે તેમ ચરબી વધે જ ને ? એવો આશ્વાસનનો માર્ગ કાઢી કદી પણ નિરૂપાય બેસવું ન જોઇએ. આવા આશ્વાસનો શોધી સંતોષથી બેસી જનારનું ઘડપણ વહેલું આવી જાય છે. અને તેનું શરીર રોગોનું આશ્રયસ્થાન બની જાય છે, અને લાંબા સમયે વધારે પડતી ચરબી અકાળ મૃત્યુનું કારણ પણ બની શકે છે.

શરીરમાં વધારે પડતી ચરબી એકઠી થઇ જતાં શરીરની અન્ય ધાતુઓ અને હાડકાને પૂરતું પોષણ મળતું નથી. તેથી વારંવાર તરસ લાગે છે. શ્વાસ ટૂંકા થતા જણાય છે અને નિંદ્રા વધારે આવે છે. આવા કોઇ પણ લક્ષણ દેખાય તો તુરંત ચેતી જજો કે આ વધારે ચરબીનું પરિણામ છે. વળી, મેદોવૃધ્ધિથી શરીરનું સમગ્ર વજન ઘુંટણ-પગ ઉપર આવતાં ઘુંટણનો દુઃખાવો ચાલુ થઇ જાય છે.

પેટ મોટું થાય છે અને પેઢુની ચામડી જાડી ગોદડી જેવી થઇ જાય છે, તથા નિતંબ-પેટ અને છાતીનો માંસનો ભાગ વધી જાય છે અને લચી પડે છે. ઘણીવાર જાડા માણસોને તંદુરસ્ત માનવામાં આવે છે. પરંતુ આ માન્યતા ઘણી જ ભૂલ ભરેલી છે. જાડા કરતાં પાતળા માણસો વધુ તંદુરસ્ત રહી શકે છે. જાડા માણસો ચેપી રોગનો ભોગ જલદી થઇ શકે છે.

વળી, તે રોગમુક્ત પણ જલદી થઇ શકતા નથી. આવી શત્રુવત ચરબીને ઘટાડવાનાં કેટલાંક સરળ ઉપચારો અહીં હું સૂચવું છું. જેમાંથી નિષ્ણાત વૈદ્ય કે ડૉકટરની સલાહ મુજબ જ ઉપાય કરવા જેમાં,

(૧) શ્રમ પહોંચે તેવું કાર્ય કરવું અને નિયમિત કસરત કરવાનો આગ્રહ રાખવો.

(૨) ઘી, તેલ, મિઠાઇ, દહીં, માખણ વગેરે પદાર્થો બંધ કરવા.

(૩) ત્રિફળા કવાથ બનાવી તેમાં ૧ તોલો મધ મેળવી સહેજ ગરમ કરી પીવો, અથવા વરુણાદિ કવાથ ૨ તોલો - ૨ વાર ઉકાળી ગાળી પીવો.

(૪) સવારે નરણે કોઠે ૧ ગ્લાસ પાણીમાં ૧ તોલો મધ મેળવી આ મધ-પાણી ૫૦ વાર બંને ગ્લાસમાં ઉપર-નીચે ઊછાળવું. આમ કરવાથી આ મધનાં પાણીમાં ઓક્સિજન ઉમેરાય છે. આ પાણી સવારે નરણે કોઠે પીવાથી ચરબી ઝડપથી ઘટે છે.

(૫) નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ ત્રિફળા ગુગળ કે મેદોહર ગુગળ અને આરોગ્યવર્ધીની વટીનું સેવન ભૂકો કરી સુખોષ્ણ જળ સાથે કરવું.

(૬) માત્ર પેટમાં ચરબી વધારે હોય તો 'નમૂળી' નામની વનસ્પતિ લાવી વાટી પેટ ઉપર બાંધવી. તેને બાંધવાથી ધીરે-ધીરે ચરબીનો ભાગ ગળાવા લાગે છે. સાથે-સાથે દરરોજ ૨૦થી ૨૫ મિનિટ કપાલભાતિ કરવી જેનાથી પેટ પરની ચરબી ઝડપથી ઓગળવામાં સહાય થાય છે.

(૭) જેમનું વજન ખૂબ જ વધારે હોય તેમનાં માટે વજન ઉતારવા માટેનો લીલી દ્રાક્ષનો બીજો એક પ્રયોગ અહીં બતાવી રહી છું. જેનાથી કાયાકલ્પ પણ થઇ શકે છે. પરંતુ આ પ્રયોગ નિષ્ણાંતની સલાહમાં રહીને જ કરવો. આ પ્રયોગ ડાયાબિટીસ અને કફજ પ્રકૃતિનાં દર્દીઓએ ન કરવો.

આ પ્રયોગ મુજબ પ્રથમ દિવસે હલકો ખોરાક લેવો અને વિરેચન લઇ પેટ સાફ કરવું. પછી ૨ દિવસ માત્ર મગ ઉપર જ રહેવું. અને પછી દ્રાક્ષનો આહાર વૈદ્યની સલાહ મુજબ શરૂ કરવો. ચઢતાક્રમથી વૈદ્યની સલાહ પ્રમાણે દ્રાક્ષ વધારતા જવી અને નિષ્ણાંતની સલાહ મુજબ અમુક દિવસ પછી ઉતરતા ક્રમથી દ્રાક્ષ ઘટાડતા જવું. પ્રયોગ પૂર્ણ થાય એટલે કાચા શાકભાજી અને ફળફળાદિ ઉમેરતા જવું. ૧ અઠવાડીયા પછી બાફેલા મગ, ખીચડી, ખાખરા વગેરે હલકો ખોરાક ચાલુ કરી ધીરે- ધીરે નોર્મલ ખોરાક પર આવી જવું. આ પ્રયોગથી એક વાર ઘટાડેલી ચરબી ફરી વધવા ન દેવી, ને ચરબી ઉપર નિયંત્રણ રાખી હૃદયરોગ જેવાં રોગોનાં હુમલાથી અવશ્ય બચવું.