પંચમહાલ જિલ્લામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા ૨૯.૭૭ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન
ગોધરા, મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતિના શુભ અવસરે પંચમહાલ જિલ્લામાં ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે પોલિસ હેડ ક્વાર્ટર ખાતે નવ નિર્મિત ડ્રીલ નર્સરીનું ઉદઘાટન, ગોધરા ખાતે નિર્માણ પામનાર તાલુકા સેવા સદનના નવીન મકાન અને મુ્ખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નિર્માણ પામનાર માર્ગોના ભૂમિપૂજનનો સમારોહ યોજાયો હતો. પોલિસ હેડ ક્વાર્ટર ખાતે આશરે છ લાખના ખર્ચે સેફ પંચમહાલ પોલિસ ફાઉન્ડેશન અંતર્ગત તૈયાર કરાયેલ આ ડ્રીલ નર્સરી પોલિસ જવાનોનું ડ્રીલ કૌશલ્યને સુધારવામાં અને એકરૂપ બનાવવામાં અતિ ઉપયોગી બનશે તેમ જણાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પ્રથમ કહી શકાય તેવી આ ડ્રીલ નર્સરીના નિર્માણ બદલ જિલ્લાના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારની શરૂઆત કરાશે તેમ ઉમેર્યું હતું.
ગોધરા ખાતે યોજાયેલ અન્ય એક કાર્યક્રમમાં જિલ્લા પ્રભારીમંત્રીશ્રી જાડેજાની અધ્યક્ષતામાં તાલુકા સેવાસદનના નવીન મકાનનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આવશ્યક સુવિધાઓથી સજ્જ આ નવીન ભવનનું લોકેશન તાલુકા પંચાયત સહિતની અન્ય સંબંધિત કચેરીઓની પાસે હોવાથી સરકારી કામકાજ અર્થે આવતા લોકો માટે રાહતરૂપ બની રહેશે અને સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. લોકોની સુવિધા માટે આ નવીન મકાનના નિર્માણ માટે સક્રિયતા દાખવવા બદલ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ૬૮૨૨ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા આ મકાનના નિર્માણ માટે રૂ. ૮૫૩.૧૭/- લાખ નું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ ભવનનું નિર્માણ કાર્ય નિશ્ચિત સમયમાં ચોકસાઈપૂર્વક પૂર્ણ થાય તે માટે સૂચના આપી હતી.
આ ઉપરાંત, મંત્રીશ્રીના હસ્તે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત શહેરા અને ગોધરા તાલુકામાં ૧૭.૩૪ કરોડના ખર્ચે તૈયાર થનારા ૩૯.૧૦ કિલોમીટરના માર્ગોનો ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. આ રસ્તાઓનું નિર્માણ પૂર્ણ થયે ગોધરા અને શહેરા તાલુકાઓના અંતરિયાળ ગામના લોકો માટે અવર-જવર અને માલસામાનના પરિવહનની સરળ અને સસ્તી સુવિધાઓનો લાભ મળતો થશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, કલેકટરશ્રી અમિત અરોરાએ પ્રાસંગિક સંબોધન કર્યા હતા. આ પ્રસંગે વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેનશ્રી લક્ષ્મણભાઈ પટણી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીગણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.